'પહેલાં તમારા સ્રોત ચકાસો', ભારતે 'ઓપરેશન સિંદૂર' અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું
India Slams Chinese Media: ભારત દ્વારા પાકિસ્તાન અને POKમાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરની ખોટી માહિતીઓ ફેલાવવા બદલ ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સની આકરી ટીકા કરી છે. ગ્લોબલ ટાઇમ્સે એક અહેવાલ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે, ભારતે પાકિસ્તાન અને POKમાં આતંકવાદીઓના નવ ઠેકાણે એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરીને ભારતના ત્રણ એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા. જો કે, ભારત સરકારે આ દાવાને ખોટો ગણાવીને કહ્યું કે, ભ્રામક માહિતી ફેલાવો નહીં અને તમારા સ્રોત ચકાસો. આ અહેવાલ સાથે ગ્લોબલ ટાઈમ્સે ભારતના એરક્રાફ્ટ ક્રેશની જૂની તસવીરો પ્રકાશિત કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા હતા.
દૂતાવાસે ફિટકાર લગાવી
ભારતના દૂતાવાસે સોશિયલ મીડિયા X પર આ મામલે પોસ્ટ કરી હતી કે, 'ગ્લોબલ ટાઇમ્સ, અમે તમને સલાહ આપીશું કે, તમે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવતાં પહેલા તમારા તથ્યોની ચકાસણી કરો અને તમારા સોર્સને ક્રોસ ચેક કરો. વિવિધ પાકિસ્તાન સમર્થક હેન્ડલ્સ ઓપરેશન સિંદૂર મુદ્દે ખોટા, પાયાવિહોણા દાવાઓ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે મીડિયા આઉટલેટ્સ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આ પ્રકારની માહિતી શેર કરે છે, ત્યારે તે પત્રકારત્વની જવાબદારી અને નૈતિકતામાં ગંભીર ખામી દર્શાવે છે.'
રાજસ્થાન-પંજાબમાં ક્રેશ એરક્રાફ્ટની તસવીરો પ્રકાશિત કરી દીધી
સરકારે ધ્યાન દોર્યું હતું કે કેન્દ્રના ફેક્ટ-ચેકર PIB ફેક્ટ ચેકે નોંધ્યું હતું કે, ક્રેશ થયેલા એરક્રાફ્ટની જૂની વિવિધ તસવીરોનો ઉપયોગ ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં થઈ રહ્યો છે. જેની મદદથી ખોટા સમાચાર ફેલવવામાં આવી રહ્યા છે. આ તસવીર 1, સપ્ટેમ્બર 2024માં રાજસ્થાનમાં ક્રેશ થયેલા ભારતીય વાયુસેના(IAF)ના MiG-29 ફાઇટર જેટ સાથે સંકળાયેલી ઘટનાની છે, જ્યારે બીજી તસવીર 2021માં પંજાબમાંથી ક્રેશ થયેલા IAF MiG-21 ફાઇટર જેટની છે.
પહલગામની ઘટના પર ધ્યાન દોર્યું
ભારતે ચીનના સરકારી મીડિયાનું 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદીઓ દ્વારા ક્રૂર હુમલામાં નિર્દોષ 26 પર્યટકોનો જીવ લીધો હોવાની ઘટના પર ધ્યાન દોર્યું હતું. ભારતીય દૂતાવાસે કહ્યું કે, 'આ ઘટનાના તથ્યોને ધ્યાનમાં લો. 22 એપ્રિલ, 2025ના રોજ, લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની અને પાકિસ્તાન-પ્રશિક્ષિત આતંકવાદીઓએ ભારતમાં જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ભારતીય પ્રવાસીઓ પર ક્રૂર આતંકવાદી હુમલો કર્યો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. આ 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈમાં થયેલા હુમલા બાદનો સૌથી ક્રૂર આતંકી હુમલો હતો.'
પાકિસ્તાનમાં સ્થિત આતંકી જૂથે લીધી હતી જવાબદારી
પહલગામ આતંકી હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામના આતંકી જૂથે સ્વીકારી છે. આ જૂથ યુએન દ્વારા પ્રતિબંધિત પાકિસ્તાની આતંકવાદી જૂથ, લશ્કર-એ-તૈયબાનું છે. ભારતે મે અને નવેમ્બર 2024માં યુએનની 1267 પ્રતિબંધ સમિતિની દેખરેખ ટીમને અર્ધવાર્ષિક અહેવાલમાં TRF વિશે માહિતી આપી હતી, જેમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો માટે કવર તરીકે તેની ભૂમિકા બહાર આવી હતી.