| વાયરલ તસવીર |
Venezuela Latest Update: અમેરિકા દ્વારા ધરપકડ કરાઈ હોવાથી વૈશ્વિક સ્તરે ચર્ચાસ્પદ બનેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની છબી એક ક્રાંતિકારી અને મહત્ત્વાકાંક્ષી રાજકારણી તરીકેની છે. પરંતુ, એ ઉપરાંત એમના વ્યક્તિત્વનું એક અલગ પાસું પણ છે. અને તે એ કે તેઓ એક નિષ્ઠાવાન આધ્યાત્મિક શિષ્ય છે. શિષ્ય પણ કોના? ભારતીય અધ્યાત્મ ગુરુ શ્રી સત્ય સાંઇ બાબાના! ચાલો જાણીએ કે માદુરોનું આ ભારતીય કનેક્શન ક્યારે અને કયા કારણે થયું.
પ્રથમ મુલાકાત અને એક બંધનની શરૂઆત
ભારતના આંધ્ર પ્રદેશમાં પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઇ બાબાનો ‘પ્રશાંતી નિલયમ’ આશ્રમ આવેલો છે. વર્ષ 2005માં નિકોલસ માદુરો જ્યારે વેનેઝુએલાના વિદેશ મંત્રી હતા ત્યારે તેઓ તેમની પત્ની સિલિયા ફ્લોરેસ (જે ‘આયર્ન લેડી’ તરીકે ઓળખાય છે) સાથે પ્રશાંતી નિલયમ આશ્રમની મુલાકાતે આવ્યા હતા. તેઓ શ્રી સત્ય સાંઇ બાબાને વ્યક્તિગત રૂપે પણ મળ્યા હતા. સિલિયા ફ્લોરેસ પહેલાંથી જ બાબાની ભક્ત હતી અને તેણે જ માદુરોને બાબાના ઉપદેશોથી પરિચિત કરાવ્યા હતા. બાબા સાથેની માદુરોની મુલાકાત આગળ જતાં જીવનભરની ભક્તિ અને પ્રભાવમાં રૂપાંતરિત થઈ ગઈ.
માદુરોની ઓફિસમાં આધ્યાત્મિકતાનું પ્રતીક
માદુરોની બાબા પ્રત્યેની આધ્યાત્મિક નિષ્ઠા માત્ર અંગત બાબત નહોતી, તેઓ એને જાહેરમાં પણ વ્યક્ત કરતા. તેમણે પોતાની ઓફિસમાં ક્રાંતિકારી નેતાઓ સિમોન બોલિવર અને હ્યુગો ચાવેઝના ચિત્રો સાથે શ્રી સત્ય સાંઇ બાબાનો ફ્રેમ કરેલો મોટો ફોટો પણ રાખ્યો હતો. અશાંતિ અને પડકારોથી ભરેલા રાજકીય જીવનમાં બાબાના સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા વિષયક ઉપદેશો માદુરોના માર્ગદર્શક બનતા હતા, એવું ખુદ માદુરો કહી ચૂક્યા છે. રાજકારણમાં માદુરોનું વલણ દમનકારી રહ્યું હોવાથી ભારતીય અધ્યાત્મમાં એમણે દાખવેલી શ્રદ્ધા એમના વ્યક્તિત્વમાં રહેલો વિરોધાભાસ દર્શાવે છે.
રાષ્ટ્રીય શોકથી લઈને શતાબ્દી ઉજવણી સુધી
એપ્રિલ 2011માં સાંઇ બાબાનું અવસાન થયું, ત્યારે માદુરોએ તેમના પ્રત્યેની ઊંડી લાગણીને રાષ્ટ્રીય સ્તરે વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, વેનેઝુએલા એકમાત્ર લેટિન અમેરિકન રાષ્ટ્ર બન્યું જેણે બાબાના અવસાન પર રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. ત્યાંની રાષ્ટ્રીય સભાએ ઠરાવ પસાર કરીને બાબાના ‘માનવતામાં આધ્યાત્મિક યોગદાન’ને માન્યતા આપી. આ પગલાએ માદુરોની વ્યક્તિગત ભક્તિને રાષ્ટ્રીય સન્માનમાં પરિવર્તિત કરી દીધી. 2025માં સાંઇ બાબાની જન્મશતાબ્દી નિમિત્તે માદુરોએ ફરીથી તેમની યાદ કરીને કહ્યું હતું કે, ‘આ મહાન ગુરુનું જ્ઞાન આપણને માર્ગદર્શન આપતું રહે છે.’
વેનેઝુએલામાં સાંઇ સંસ્થાઓનો પ્રભાવ
માદુરોના રાજમાં વેનેઝુએલામાં શ્રી સત્ય સાંઇ સેવા સંગઠનોનો નોંધપાત્ર વિકાસ થયો. અન્ય ઘણી વિદેશી સંસ્થાઓ પર પ્રતિબંધ હતા, પણ સાંઇ કેન્દ્રોને મુક્ત રીતે કાર્ય કરવાની છૂટ હતી. પરિણામે, વેનેઝુએલા આજે સમગ્ર લેટિન અમેરિકામાં સાંઇ ભક્તોનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. બાબાના મૂળભૂત માનવીય મૂલ્યો – સત્ય, ધર્મ, શાંતિ, પ્રેમ અને અહિંસા – નો પ્રચાર કરતા ત્યાંના સંગઠનો અનેક સેવા પ્રકલ્પો અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવે છે. તેમનો ફાળો કેવળ આધ્યાત્મિક ન રહેતાં સમાજસેવા અને શિક્ષણના ક્ષેત્રમાં વિસ્તર્યો છે.


