India

લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી, આ મોટા પક્ષને મનાવવા દોડધામ શરૂ!

By GS TEAM
26 Jun 20263 mins read
TukuTouch Logo
NDAની સંસદમાં વધતી તાકાતથી INDIA ગઠબંધનમાં ખળભળાટ મચ્યો છે. રાજ્યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં તિરાડ પડતા NDAનું સંખ્યાબળ 300ને પાર પહોંચી ગયું છે. DMKના MK સ્ટાલિને ગઠબંધન પર વિચારણા કરવાની વાત કરતા કોંગ્રેસ DMKને મનાવવા પ્રયાસ કરી રહી છે. TMC અને શિવસેના UBTના સાંસદો NDAમાં જોડાતા તેની તાકાત વધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લોકસભામાં NDA 300 પાર થતાં જ INDIA ગઠબંધનમાં ચિંતા વધી, આ મોટા પક્ષને મનાવવા દોડધામ શરૂ!
(IMAGE - IANS)

NDA Parliament Strength 2026 રાજ્યસભાની ચૂંટણી અને પ્રાદેશિક પક્ષોમાં પડેલી મોટી તિરાડ બાદ સંસદમાં સત્તાધારી પક્ષ NDA ગઠબંધન સતત મજબૂત થઈ રહ્યું છે. સંસદની અંદર બદલાઈ રહેલા આ સમીકરણોને કારણે હવે વિપક્ષી ગઠબંધન INDIAમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં પૂર્વ સહયોગી પક્ષ DMK (દ્રવિડ મુન્નેત્ર કઝગમ)ના ચીફ એમ.કે. સ્ટાલિને નિવેદન આપ્યું હતું કે તેમની પાર્ટી આગામી સમયમાં ચૂંટણી ગઠબંધનની જરૂરિયાત પર ગંભીરતાથી વિચાર કરશે.

આ નિવેદન બાદ INDIA ગઠબંધનના નેતાઓએ તુરંત એક્શનમાં આવીને DMKની નારાજગી દૂર કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. ગઠબંધનના ઘણા વરિષ્ઠ નેતાઓ સતત DMKના સંપર્કમાં છે અને કોંગ્રેસ તરફથી તેમને ગઠબંધનમાં ટકી રહેવા માટે ડાબેરી પક્ષો (લેફ્ટ પાર્ટીઓ)નું ઉદાહરણ પણ આપવામાં આવી રહ્યું છે.

સંસદના નંબરગેમે વધાર્યું રાજકીય તાપમાન

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો વખતે NDA પાસે 293 બેઠકોનું સંખ્યાબળ હતું, જે હવે વધીને 300ને પાર પહોંચી ગયું છે. જોકે, બંધારણીય ફેરફારો માટે જરૂરી એવા બે તૃતીયાંશ બહુમતીના આંકડાથી NDA હજુ પણ થોડું દૂર છે, જેના કારણે લોકસભામાં 22 સાંસદો ધરાવતી DMKનો ઝુકાવ અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.
રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો તેજ છે કે NDAના ટોચના નેતાઓ DMKના સંપર્કમાં છે. હાલમાં લોકસભામાં બે તૃતીયાંશ બહુમતીનો આંકડો 362 છે, પરંતુ 3 બેઠકો ખાલી હોવાને કારણે હાલ આ મેજિકલ નંબર 360 પર આવી ગયો છે. જ્યારે બીજી તરફ ઉચ્ચ ગૃહ એટલે કે રાજ્યસભામાં આ માટે 154 સભ્યોનું સમર્થન જરૂરી છે. હાલમાં રાજ્યસભામાં DMK પાસે 8 સાંસદોનું સંખ્યાબળ છે.

સંસદમાં આ રીતે વધી NDAની તાકાત

છેલ્લા કેટલાક સમયમાં વિપક્ષી છાવણીમાં પડેલા ગાબડાંને કારણે NDAની તાકાતમાં ધરખમ વધારો થયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના 20 સાંસદોએ બળવો કરીને 'નેશનલ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા'માં વિલય કરી લીધો છે અને NDAને સમર્થન જાહેર કર્યું છે, જેનાથી લોકસભામાં ગઠબંધનનો આંકડો 313 પર પહોંચ્યો હતો. ત્યારબાદ શિવસેના UBTના 6 સાંસદો પણ શિવસેના (શિંદે જૂથ)માં જોડાઈ જતાં આ આંકડો વધીને 319 થઈ ગયો છે. હવે જો તમિલનાડુની DMK પણ મુદ્દાઓ આધારિત સમર્થન જાહેર કરે, તો NDAની સંખ્યા સીધી 341 પર પહોંચી શકે છે.

આવી જ સ્થિતિ રાજ્યસભામાં પણ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આ સિવાય TMCના 4 સાંસદોએ રાજીનામું આપ્યું છે, જે બેઠકો પર હવે ભાજપ સરળતાથી જીત મેળવી શકે તેમ છે. તાજેતરમાં જ યોજાયેલી પેટાચૂંટણીમાં ગઠબંધનને 19 બેઠકો પર વિજય મળ્યો છે, જ્યારે મિઝોરમના એકમાત્ર સાંસદે પણ મુદ્દાઓ આધારિત NDAને સાથ આપવાની જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો: રામ મંદિર ટ્રસ્ટમાંથી ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યા રાજીનામા

ચોમાસુ સત્રની વ્યૂહરચના અને વિપક્ષમાં તોડફોડની શક્યતા

ગયા બજેટ સત્રમાં મહિલા અનામત અને સીમાંકન બિલ પર સરકારને 298 સાંસદોનું સમર્થન મળ્યું હતું, જે જરૂરી 360ના આંકડાથી 62 ઓછું હતું. આગામી સત્ર શરૂ થવામાં 1 મહિનાનો સમય છે, જેમાં મોટા રાજકીય ઉલટફેર થઈ શકે છે. ખાસ કરીને બિલ મુદ્દે આંતરિક મતભેદો ધરાવતી DMKને NDA પોતાની તરફ વાળવાનો પૂરો પ્રયાસ કરશે.

બીજી તરફ, લોકસભામાં શરદ પવારની NCP પાસે 8, AAP પાસે 3 અને JMM પાસે 3 સાંસદો છે, જેમનું વલણ હવે નિર્ણાયક રહેશે. ચર્ચા છે કે શરદ પવાર જૂથના કેટલાક સાંસદો અજિત પવારની NCPના સંપર્કમાં છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP)માં પણ મોટા બળવાના દાવા ભાજપ નેતાઓ કરી રહ્યા છે, જોકે સપાએ આ શક્યતાઓને નકારી દીધી છે. હવે આગામી દિવસોમાં આ રાજકીય ખેંચતાણ કયું નવું સ્વરૂપ લે છે તેના પર સૌની નજર રહેશે.