ગાડીઓમાં 7 રંગોની હોય છે નંબર પ્લેટ, જાણો ક્યાં રંગનો શું થાય છે અર્થ
વી દિલ્હી, તા. 05 નવેમ્બર 2020, ગુરુવાર
માર્ગો પર આપણે તમામ પ્રકારના વાહનો જોતા હોઈએ છીએ અને આ વાહનોમાં લાગેલી જુદાં-જુદાં નંબર પ્લેટ પર પણ તમે જોતા હશો. જે બાદ પ્રશ્ન થાય કે, આ અલગ-અલગ નંબર પ્લેટનો અર્થ શું હશે? આવો જાણીએ આ અલગ-અલગ રંગની નંબર પ્લેટ વિશે.
સફેદ પ્લેટ
સૌથી પહેલાં સફેદ રંગની નંબર પ્લેટની વાત કરીએ તો આ નંબર પ્લેટ સામાન્ય ગાડીઓમાં જોવા મળે છે. આ વાહનોનો કમર્શિયલ ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્લેટ પર કાળા રંગથી નંબર લખેલા હોય છે. મોટે ભાગે સફેદ રંગ જોઈને લોકો સરળતા અંદાજો લગાવી લે છે આ પર્સનલ ગાડી છે.
પીળી નંબર પ્લેટ
પીળા રંગની નંબર પ્લેટ ટેક્સીની હોય છે. પીળી નંબર પ્લેટ સામાન્ય રીતે ટ્રક કે ટેક્સીમાં લાગેલી હોય છે, જેનો કોમર્શિયલ ઉપયોગ થાય છે. આ નંબર પ્લેટમાં પણ નંબર કાળા રંગથી લખાયેલા હોય છે.
ગ્રીન નંબર પ્લેટ
સરકારે ઇલેક્ટ્રોનિક અને બેટરી સંચાલિત વાહનોમાં ગ્રીન નંબર પ્લેટો લગાવવાનો નિર્ણય લીધો છે. આ વાહનોમાં ગ્રીન નંબર પ્લેટ પર પીળાં રંગથી નંબરો લખેલા હશે. ગ્રીન નંબર પ્લેટ ધરાવતા વાહનોને પાર્કિંગ અને ટોલમાં ખાસ છૂટ આપી શકાય છે. બેટરી અને ઇલેક્ટ્રિક સંચાલિત વાહનોની અલગ ઓળખ માટે સરકારે આ નિર્ણય લીધો છે.
વાદળી નંબર પ્લેટ
વાદળી રંગની નંબર પ્લેટ એક એવા વાહનમાં જોવા મળે છે જેનો ઉપયોગ વિદેશી પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના નંબર પ્લેટની ગાડીઓ સામાન્ય રીતે દિલ્હી જેવા શહેરોમાં સરળતાથી જોવા મળી જશે. આ વાદળી નંબર પ્લેટ એ દર્શાવે છે કે આ ગાડી વિદેશ દૂતાવાસની છે કે પછી UN મિશન માટેની છે. વાદળી રંગની નંબર પ્લેટ પર સફેદ રંગથી નંબર લખેલા હોય છે.
કાળી નંબર પ્લેટ
કાળા રંગની નંબર પ્લેટ સામાન્ય રીતે કોમર્શિયલ વાહનોની હોય છે. પરંતુ આ કોઈ ખાસ વ્યક્તિ માટે હોય છે. આ પ્રકારની ગાડીઓ કોઈ મોટી હોટલોમાં જોવા મળી શકે છે. આવી ગાડીઓમાં કાળા રંગની પ્લેટમાં પીળાં રંગથી નંબર લખેલા હોય છે.
લાલ નંબર પ્લેટ
જો કોઈ ગાડીમાં લાલ રંગની નંબર પ્લેટ હોય તો તે ગાડી ભારતના રાષ્ટ્રપતિ કે પછી કોઈ રાજ્યના રાજ્યપાલની હોય છે. આ પ્લેટમાં ગોલ્ડન રંગથી નંબર લખેલા હોય છે અને આ ગાડીઓની નંબર પ્લેટ પર અશોક ચિહ્ન હોય છે.
તીર વાળી નંબર પ્લેટ
આ પ્રકારની નંબર પ્લેટ સૈન્ય વાહનોમાં જોવા મળે છે. સૈન્ય વાહનો માટે જુદાં પ્રકારની નંબર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વાહનોનો નંબર રક્ષા મંત્રાલય દ્વારા ફાળવવામાં આવે છે. આવી ગાડીઓની નંબર પ્લેટમાં નંબર પગેલાં કે ત્રીજા અંકના સ્થાને ઉપર તરફ ઈશારો કરતું તીરનું નિશાન હોય છે. જેને બ્રોડ એરો કહેવામાં આવે છે. તીર બાદના પહેલા બે અંક તે વર્ષને દર્શાવે છે જેમાં સેનાએ એ વાહન ખરીદ્યું હતું. આ નંબર 11 અંકોનો હોય છે.