વારાણસી જ્ઞાનવાપી કેસઃ હિંદુ પક્ષના 5 વાદી પૈકીની એક મહિલા પોતાનો કેસ પાછો ખેંચશે
- કોર્ટમાં આ અપીલ પર સિવિલ જજે પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે અને તેના પર 10 મેના રોજ રિપોર્ટ માંગ્યો છે
લખનૌ, તા. 08 મે 2022, રવિવાર
વારાણસીના જ્ઞાનવ્યાપી મામલામાં હિન્દુ પક્ષ તરફથી 5 વાદીમાંથી એક રાખી સિંહ કાલે(સોમવારે) પોતાનો કેસ પરત ખેંચશે. જોકે, હિન્દુ પક્ષનું કહેવું છે કે, બાકીના 4 વાદી તેમના સ્ટેન્ડ પર અડગ છે અને તેઓ કેસ ચલાવશે. હાલમાં હિન્દુ પક્ષના વકીલ અને અન્ય પદાધિકારીઓ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે.
જે 4 વાદીઓએ કેસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં સીતા સાહુ, મંજુ વ્યાસ, લક્ષ્મી દેવી અને રેખા પાઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું.
મળતી માહિતી પ્રમાણે જ્ઞાનવાપી પરિસરમાં સર્વે દરમિયાન વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેન વાદી પક્ષ તરફથી હાજર નહોતા.
વિશ્વ વૈદિક સનાતન સંઘ જે આ કેસનું નેતૃત્વ કરી રહ્યું છે તેણે શનિવારે કાનૂની સલાહકાર સમિતિને ભંગ કરી દીધી હતી અને તેના લેટર હેડ પર માહિતી શેર કરી હતી.
18 ઓગસ્ટ 2021ના રોજ મહિલાઓએ કોર્ટમાં આ માંગણી કરી હતી
કોર્ટમાં આ અપીલ પર સિવિલ જજે પરિસરમાં સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે અને તેના પર 10 મેના રોજ રિપોર્ટ માંગ્યો છે. જોકે, આ અગાઉ સતત ત્રણ દિવસ માટે યોજાનાર સર્વેની કામગીરી મુસ્લિમ પક્ષના વિરોધને કારણે માત્ર બે દિવસ માટે જ થઈ હતી. હવે આ મામલે સોમવારે જ સુનાવણી થશે.