Get The App

ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી ઍવૉર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
Former Olympian Mohammad Shahid


Former Olympian Mohammad Shahid: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કચેરીથી સંદહા રોડનું પહોળીકરણ કરવાના ભાગરૂપે, પોલીસ લાઇનથી કચેરી વચ્ચેના કુલ 13 મકાનો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. આ તોડી પાડવામાં આવેલા મકાનોમાં પૂર્વ ઓલમ્પિયન અને પદ્મશ્રી હોકી પ્લેયર સ્વર્ગસ્થ મોહમ્મદ શાહિદનું ઘર પણ સામેલ હતું. જોકે, શાહિદના પરિવારજનોએ પોલીસ અને વહીવટી તંત્ર સામે સખત દલીલો કરી અને કાર્યવાહી રોકવાની વિનંતી કરી. તેમ છતાં, તેમની વિનંતી ધ્યાનમાં લેવાઈ નહીં અને બુલડોઝર ચલાવી દેવાયું.

ઓલમ્પિયનના પરિવારજનોની પોલીસ સાથે દલીલ

વહીવટી તંત્રના મતે, મકાનના 9 સભ્યોમાંથી 6 સભ્યોએ વળતર સ્વીકારી લીધું હતું, જ્યારે બાકીના સભ્યો દ્વારા સમયની માંગણી કરવામાં આવી રહી હતી. જોકે, બુલડોઝરની આ કાર્યવાહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિ પોલીસ અધિકારીને વિનંતી કરતાં કહે છે કે, 'મિશ્રાજી, હું તમારા પગ પકડી રહ્યો છું... કૃપા કરીને માત્ર આજનો દિવસ આપી દો, કાલે અમે હટાવી લઈશું.' નોંધનીય છે કે અખિલેશ યાદવે પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

મોહમ્મદ શાહિદના પરિવારનો વિરોધ: 'વળતર નથી લીધું, બેઘર થઈ જઈશું'

મોહમ્મદ શાહિદના પરિવારે વહીવટી તંત્રની આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો. તેમની ભાભી નાઝનીને જણાવ્યું કે, 'અમે કોઈ વળતર લીધું નથી અને અમારી પાસે બીજું મકાન નથી. આથી અમે બેઘર થઈ જઈશું.'

શાહિદના મામાના દીકરા મુશ્તાકે આરોપ લગાવ્યો કે, મારા ઘરમાં લગ્ન પ્રસંગ છે અને અમારી પાસે બીજે ક્યાંય જમીન નથી. આ માત્ર 'વહીવટી ગુંડાગીરી' છે અને પુનર્વસનની વ્યવસ્થા કરવામાં આવી રહી નથી.' મુશ્તાકે એવો પણ આરોપ લગાવ્યો કે, 'મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં જાણી જોઈને રોડને 21 મીટરને બદલે 25 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે અને આ માટે મંત્રી રવિન્દ્ર જયસ્વાલ જવાબદાર છે.

વળતર અને કાર્યવાહી પર વહીવટી તંત્રનો પક્ષ

આ મામલે વારાણસીના ADM સિટી આલોક વર્માએ પોતાનો પક્ષ રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે, 'રોડ પહોળીકરણમાં જે લોકોને વળતર આપી દેવામાં આવ્યું છે, તેમને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુલડોઝરથી તોડતી વખતે થોડી-ઘણી તૂટ-ફૂટ થઈ શકે છે, પરંતુ કોઈપણ ભાગને બિનજરૂરી રીતે તોડવામાં આવી રહ્યો નથી.'

આ પણ વાંચો: પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ

વળતર અને સ્ટે ઑર્ડર પર વહીવટી તંત્રની સ્પષ્ટતા

મોહમ્મદ શાહિદના મકાન વિશે તેમણે જણાવ્યું કે, 'તેમના ઘરમાં 9 સભ્યો છે, જેમાંથી 6ને વળતર આપી દેવાયું હતું. ત્રણ લોકો પાસે સ્ટે ઑર્ડર હતો, તેથી તેમના ભાગને છોડી દેવામાં આવ્યો છે. ADM એ એવું પણ જણાવ્યું કે લગ્નનું કારણ આપીને પરિવારે સમય માંગ્યો હતો, પરંતુ તેમણે વળતર લેવા માટે માંગવામાં આવેલા દસ્તાવેજો આપ્યા નહોતા.'

જાણવા મળ્યું છે કે, લોક નિર્માણ વિભાગે સંદહાથી પોલીસ લાઇન સુધી રોડ પહોળીકરણનું કામ પૂરું કરી લીધું છે. આ તબક્કામાં પોલીસ લાઇન ચોકથી કચેરી વચ્ચે 59 મકાનોને તોડવાની કાર્યવાહી ત્રણ તબક્કામાં પૂરી કરવામાં આવી ચૂકી છે. વહીવટી તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી કાયદા મુજબ કરવામાં આવી રહી છે.

ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી ઍવૉર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું 2 - image

Tags :