Get The App

વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
વંદે માતરમ્ : રાજકીય રોટલો શેકતા રાજકારણીઓ 1 - image

- રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ના 150 વર્ષ પૂરા થવા પ્રસંગે લોકસભામાં 10 કલાક ચર્ચા ચાલી

- સંસદમાં વંદે માતરમ્ની ચર્ચા સરાહનીય પગલું : બંકિમ બાબુના પ્રપૌત્ર, હેડગેવારે સંઘમાં વંદે માતરમ્ને ગાવાનું સ્વીકાર્યું ન હતું  

નવી દિલ્હી : રાષ્ટ્રગીત વંદે માતરમ્ની રચનાને ૧૫૦ વર્ષ થયાં તે મુદ્દે સંસદમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોએ વંદે માતરમ્ બાબતે પોત-પોતાના અભિપ્રાયો આપ્યાં હતાં. રાષ્ટ્રગીતના રચયિતા બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું સ્મરણ થયું. વંદે માતરમ્ ગીત પહેલી વખત બંકિમ બાબુની જે નવલકથા આનંદમઠમાં લખાયું હતું એ આનંદમઠનો પણ ઉલ્લેખ થયો. જોકે, આ બધી ચર્ચા વાદ-વિવાદમાં પરિણમી હતી. રાજકારણીઓએ વંદે માતરમ્ ગીતના ઈતિહાસમાંથી ધૂળ ખંખેરીને એકબીજા પર આરોપો લગાવ્યા હતા. રાષ્ટ્રગીતની ગરિમા, ગૌરવ, મહિમાગાનની વાતો એટલી ફંટાઈ ગઈ હતી કે એમાં રાજકારણ ભળી ગયું હતું. રાજકારણીઓએ દેશના ગરિમાપૂર્ણ ગૌરવગાનમાંથી રોટલા શેકવાનું શરૂ કર્યું હતું. એની ચર્ચા સંસદની સમાંતર લોકોની સંસદ સમાસોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ થઈ હતી અને આ રાજકારણ અંગે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. બંકિમ બાબુના પ્રપૌત્ર સજલ ચટ્ટોપાધ્યાયે પણ વંદે માતરમ્ની આ ચર્ચામાં ઝંપલાવ્યું હતું. રાષ્ટ્રગીતના રચયિતાના પ્રપૌત્રએ કહ્યું હતું કે વંદે માતરમ્ની ચર્ચા સંસદમાં થાય તે સરાહનીય પગલું છે. ખરેખર તો આ સન્માન બંકિમ બાબુને બહુ પહેલાં મળી જવાની જરૂર હતી. દરેક ભારતીયોએ વંદે માતરમ્ સમજવાની જરૂર છે. નવી પેઢી ગીતને ભૂલી રહી છે ત્યારે અનું સન્માન થાય એ ઉમદા બાબત છે. ઉલ્લેખનીય છે કે, જે સમયે વંદેમાતરમ્ ગીત લખાયું ત્યારે તેનો ઘણા સ્તરે સ્વીકાર થયો નહોતો. સૂત્રોના મતે, ખાસ કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેનો સ્વીકાર કરાયો નહોતો. સંઘે વંદેમાતમથી અંતર જાળવ્યું હતું. ૧૯૨૫માં સંઘની સ્થાપના થઈ તે સમયે તેઓ આ ગીતને કોંગ્રેસી ગીત ગણાવતા હતા. તેઓ વંદેમાતરમને પોતાની પ્રાર્થના કે રોજિંદા જીવનનો ભાગ ગણતા નહોતા. સંઘે પોતાના સાહિત્ય અને પાઠયક્રમમાં પણ તેને સ્થાન આપ્યું નહોતું. એવું કહેવાય છે કે, સ્વતંત્રતા મળ્યા બાદ સંઘ અને તેની સાથે જોડાયેલા રાજકીય પક્ષો દ્વારા વંદે માતરમનો આંશિક સ્વીકાર કરાયો હતો. જાણકારો માને છે કે, સંઘે ક્યારેય વંદે માતરમનો સીધી રીતે અસ્વીકાર નહોતો કર્યો પણ તેનો સંપૂર્ણ સ્વીકાર પણ નહોતો કર્યો. સંઘ દ્વારા રાષ્ટ્રગાનને જ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

દેશના અનેક વીરો વંદેમાતરમ્ ગાતા ફાંસીએ લટકી ગયા

કોંગ્રેસે વંદે માતરમ્ ગીતનું વિભાજન કરી મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવ્યા : મોદી

- રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું પણ પ્રિય ગીત હોવા છતાં કોંગ્રેસે તેના ટુકડા કરવાની લાચારીનો સામનો કરવો પડયો : પીએમ

નવી દિલ્હી : લોકસભામાં વંદે માતરમના ૧૫૦ વર્ષ નિમિત્તે ચર્ચા દરમિયાન વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રગાનનના ટુકડા કરવા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવતા વંદે માતરમ ગીતનું પણ વિભાજન કર્યુ. આ ફક્ત તુષ્ટીકરણ માટે કરવામાં આવ્યું.  કોંગ્રેસની નીતિઓ આજે પણ એવી જ છે અને તેમના સાથી પણ વંદે માતરમ પર વિવાદ ઊભો કરવા પ્રયત્ન કરે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ૧૯૦૫માં જે ગીત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને રાષ્ટ્રગાન જેવું લાગતું હતું, તેની ભાવના આટલી મહાન હતી તો પછી પાછલી સદીમાં તેની સાથે આટલો મોટો અન્યાય કેમ થયો. વંદે માતરમ સાથે વિશ્વાસઘાત કેમ થયો. અહીં એવી કઈ તાકાત હતી જેની ઇચ્છા પૂજ્ય બાપુની ભાવનાઓ પર પણ ભારે પડી ગઈ હતી. 

તેમણે જણાવ્યું હતું કે વંદે માતરમની સાથે-સાથે મુસ્લિમ લીગનું રાજકારણ પણ તેજ થઈ રહ્યું હતું. ૧૫ ઓક્ટોબર ૧૯૩૭માં લખનઉમાં વંદેમાતરમના વિરોધનો નારો બુલંદ થયો. કોંગ્રેસના તે સમયના તત્કાલીન પ્રમુખ પંડિત નેહરુને આ વિરોધમાં તેમનું આસન ડોલતું દેખાયુ. તેમણે મુસ્લિમ લીગના નિવેદનોની નિંદા કરીને વંદે માતરમ પ્રત્યે પોતાની અને પક્ષની નિષ્ઠા પ્રગત કરવી જોઈતી હતી, પરંતુ તેના બદલે ઉલ્ટું થયું. તેમણે વંદે માતરમ ગીતની જ તપાસ શરૂ કરવા માંડી. પાંચ દિવસ બાદ નેહરુએ ઝીણાને ચિઠ્ઠી લખી અને જણાવ્યું હતું કે આનંદમઠવાળી પૃષ્ઠબૂમિ મુસ્લિમોનો ઇરિટેટ કરી શકે છે.મને લાગે છે કે તેના બેકગ્રાઉન્ડથી મુસ્લિમ ભડકશે. તેના પછી ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસની બેઠકમાં વંદે માતરમની સમીક્ષા કરવામાં આવી. તેના પછી કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરવાનો નિર્ણય લેતા મુસ્લિમ લીગ સમક્ષ શરણાગતિ સ્વીકારી. 

તેમણે જણાવ્યું હતું કે વંદે માતરમથું ભારતના જન-જન સાથે જોડાણ હતું. આ ગીત ફક્ત ગીત નથી પણ આપણા સ્વતંત્રતા સંગ્રામની લાંબી ગાથા વ્યક્ત કરે છે. ભારતના કેટલાય વીરો વંદે માતરમ ગાતા-ગાતા હસતા-હસતા ફાંસીના માંચડે લટકી ગયા હતા. વંદે માતરમ ફક્ત ગીત ન રહેતા સ્વતંત્રતાની ચળવળનું ગાન બની ગયું હતું. ભારતના ખૂણે-ખૂણે આ ગીત ગવાવા લાગ્યું હતું. આખા દેશમાં જાણે એક રાષ્ટ્રીય ભાવના દોડી ગઈ હતી. એક ગીતે આખા દેશને જાણે એક જ સૂત્રમાં બાંધી દીધુ હતુ. વિશ્વમાં આટલી મોટી વસ્તીવાળા એક દેશને કોઈ એક ગીત જુદી-જુદી ભાષાઓમાં ગાઈને પણ આખા દેશને એક તાંતણે બાંધે તેવું જવલ્લે જ જોવા મળે છે.

નેહરુની ભૂલોનું લિસ્ટ આપી દો, અમે તેના પર ૪૦ કલાક ચર્ચા કરવા તૈયાર છીએ

બંગાળમાં ચૂંટણીના કારણે મોદી વંદે માતરમ્નો બિનજરૂરી વિવાદ કરી રહ્યા છે : પ્રિયંકા ગાંધી   

- ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પહેલી વખત વંદે માતરમ્ કમ્પોઝ કરીને જ્યાં ગાયું હતું, તે અધિવેશન કોંગ્રેસનું હતું એ મોદી દેશને કહેતા નથી : કોંગ્રેસ

નવી દિલ્હી : વંદે માતરમ્ની ચર્ચામાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ સમક્ષ અધૂરી માહિતી આપી રહ્યા છે. તેમણે ભાષણ બહુ સરસ આપ્યું, પરંતુ ઐતિહાસિક તથ્યોમાં ઉણા ઉતર્યા. મોદીજી કહે છે કે નેહરુના કહેવાથી વંદે માતરમ્ ગીતનું વિભાજન થયું, પરંતુ તેમણે એ વાત ન કહી કે જે અધિવેશનમાં કવિવર ટાગોરે પહેલી વખત વંદે માતરમ્ ગીત કમ્પોઝ કરીને ગાયું હતું એ અધિવેશન કોંગ્રેસનું હતું. કવિવર ટાગોરે ૧૮૯૬ના અધિવેશનમાં પહેલી વખત ગીત રજૂ કર્યું હતું.

પીએમ મોદીએ નેહરુને વંદે માતરમ્ ગીતના ફેરફાર માટે જવાબદાર ગણાવ્યા તેની સામે બોલતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ભાજપ ચૂંટણી માટે આયોજનો કરે છે, અમે દેશ માટે આયોજન કરીએ છીએ. જો તમને નેહરુની નીતિઓથી વાંધો હોય તો એક વખત નેહરુની ભૂલોનું લિસ્ટ બનાવી લો અને પછી અમને આપી દો. તમે કહો તો ૪૦ કલાક આપણે તેના પર ચર્ચા કરીશું, પરંતુ પછી દેશના જે મહત્ત્વના મુદ્દા છે એવા મોંઘવારી, ગરીબી, બેકારી, ખેડૂતોના યોગ્ય ભાવ, મજૂરોને યોગ્ય વળતર, યુવાનોને રોજગારી જેવા મુદ્દે ચર્ચા કરો. અમે ગમે તેટલી ચૂંટણી હારી જઈશું, અમે અહીં જ બેસીને તમારી વિચારધારા સામે દેશહિતમાં લડતા રહીશું. તમે અમને રોકી નહીં શકો.

વંદે માતરમ્ ગીતના સંદર્ભમાં ચર્ચા કરતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મોદીને વંદે માતરમ ્ ગીતમાં વિવાદ એટલો કરવો છે, કારણ કે બંગાળમાં ચૂંટણી આવી રહી છે. આપણાં વડાપ્રધાન બંગાળની ચૂંટણી માટે પૂર્વભૂમિકા તૈયાર કરવા માંગે છે એટલે આ વિવાદ છેડી રહ્યા છે. બીજું કારણ એ છે કે જેમણે દેશને આઝાદી અપાવવામાં બલિદાનો આપ્યા તેમને આરોપી બનાવીને તેમનું અપમાન કરવા માગે છે. એવું કહીને મોદીજી દેશની જનતાનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ પરથી ભટકાવવા ઈચ્છે છે.

દરમિયાન કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ પણ આ ચર્ચામાં કહ્યું હતું કે મુસ્લિમ લીગ ઈચ્છતી હતી કે વંદે માતરમ્ ગીતનો બહિષ્કાર થાય, પરંતુ તે વખતે કોંગ્રેસના લીડર મૌલાના અબુલ કલામ આઝાદે સ્પષ્ટ કહી દીધું કે વંદે માતરમ્ બાબતે કોઈ જ વિરોધ નથી. આ કોંગ્રેસ છે. હિંદુ મહાસભાએ પણ એક સમયે વંદે માતરમ્નો વિરોધ કર્યો હતો એવો આરોપ કોંગ્રેસ સાંસદે મૂક્યો હતો.