Get The App

'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા, PM મોદી પણ ભાગ લેશે 1 - image

Vande Mataram Debate In Parliament: ભારતના રાષ્ટ્રગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજાશે. લોકસભામાં આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે 10 કલાકના સમય માટે ચર્ચા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ચર્ચામાં સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરણાદાયી ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવશે.

'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદમાં 10 કલાક થશે ચર્ચા

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા 30 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તેમજ લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓ(BACs)ની બેઠકોમાં આ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ હતી. શાસક પક્ષોના સભ્યોએ રાજ્યસભામાં પણ તેની જોરદાર હિમાયત કરી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. NDA સભ્યોએ રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા માટે પણ જોરદાર હિમાયત કરી હતી.

'વંદે માતરમ'ને 1950માં ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યું

'વંદે માતરમ'ને 1950માં ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. જેને 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત-બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા આનંદમઠનો એક ભાગ છે, જે સૌપ્રથમ 1882માં પ્રકાશિત થઈ હતી. આ ગીત ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બનેલું. ગીતની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્ર સરકારે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. પીએમ મોદીએ તાજેતરમાં વંદે માતરમને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો અને યુવાનોને તે ગાવાની અપીલ કરી હતી.

આ પણ વાંચો: ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગજબનો 'ખેલ'

લોકસભાની BACsની બેઠકમાં કોંગ્રેસે SIR અને ચૂંટણી સુધારા પર ચર્ચાની માગ કરી હતી, પરંતુ સરકારે વંદે માતરમને પ્રાથમિકતા આપી હતી. તૃણમૂલ કોંગ્રેસે લોકસભામાં વંદે માતરમ પર ખાસ ચર્ચાને ટેકો આપ્યો હતો. વિપક્ષી ગઠબંધન, ઇન્ડિયા બ્લોક, સોમવારે સવારે મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં આ મુદ્દા પર ચર્ચા કરશે. સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી શરુ થઈને 19 ડિસેમ્બરે સમાપ્ત થશે, જેમાં 15 બેઠકો હશે. શિયાળુ સત્ર દરમિયાન દસ નવા બિલ રજૂ કરવામાં આવશે, જેમાં પરમાણુ ઊર્જા, ઉચ્ચ શિક્ષણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને વીમા ક્ષેત્રમાં સુધારાનો સમાવેશ થાય છે. વધુમાં 2025-26 માટે અનુદાન માટેની પ્રથમ પૂરક માંગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.