(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૩૧
ભારતીય રેલવેેએ દેશમાં નિર્મિત વંદે ભારત સ્લીપર ટ્રેનની
અંતિમ હાઇ સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી આત્મનિર્ભર રેલવે ટેકનોલોજીની
પોતાની યાત્રામાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેમ રલવે મંત્રાલયના એક
અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ)ની દેખરેખમાં કરવામાં આવેલ
આ ટ્રાયલ કોટા-નાગદા સેક્શન પર કરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન ટ્રેને મહત્તમ ૧૮૦
કિમી પ્રતિ કલાકની ઝડપ પ્રાપ્ત કરી હતી.
જો કે આ ટ્રેન ક્યારે લોન્ચ કરવામાં આવશે તે બતાવવામાં
આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વંદે ભારત સ્લીપર ટ્રેને અગાઉ પણ અનેક લોન્ચ ડેડલાઇન
મિસ કરી છે.
નવેમ્બરમાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે
આ ટ્રેન ડિસેમ્બર, ૨૦૨૫માં
લોન્ચ કરવામાં આવશે. વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રાયલનો એક વીડિયો
શેર કર્યો હતો.
જેમાં પાણીથી ભરેલ ગ્લાસ ટ્રેનની વધારે સ્પીડ હોવા છતાં
સ્થિર રહ્યું હતું. સીઆરએસએ ટ્રેનની ટ્રાયલને સંપૂર્ણ સફળ ગણાવી છે.
૧૬ કોચવાળી વંદે ભારત સ્લીપર ટ્રેન લાંબા અંતરની યાત્રાને
ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ટ્રેન આરામદાયક સ્લીપર બર્થ, એડવાન્સ
સસ્પેન્શન સિસ્ટમ, ઓટોમેટિક દરવાજા,
મોડર્ન ટોયલેટ, ફાયર
ડિટેક્શન, સેફ્ટી
મોનિટરિંગ સિસ્ટમ, સીસીટીવી
આધારિત સર્વેલન્સ, ડિજિટલ
પેસેન્જર ઇન્ફરમેશન સિસ્ટમ અને એનર્જી એફિસિયન્ટ ટેકનોલોજીથી સજ્જ છે.


