Get The App

બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
બિહાર: વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઈજાગ્રસ્ત; દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના 1 - image


Bihar News: બિહારના પૂર્ણિયા જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવવાથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક પૂર્ણિયાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દુર્ઘટનાનું સ્થળ અને કારણ

આ દુર્ઘટના કટિહાર-જોગબની રેલખંડ પર આવેલા કસબા જબનપુર નજીક બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, જોગબની (અરરિયા)થી દાનાપુર (પટના) તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનથી કપાઈને મૃત્યુ પામેલા તમામ લોકો દશેરાનો મેળો જોઈને પરત ફરી રહ્યા હતા. રાત્રે મેળો જોઈને પરત ફરતી વખતે તેઓ રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા કે ઝડપથી આવી રહેલી વંદે ભારતે તેમને અડફેટમાં લીધા હતા.

પોલીસ તપાસ શરૂ

આ ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે. મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી રહ્યા છે.

વંદે ભારત ટ્રેનનો રૂટ અને સમય

જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 સપ્ટેમ્બરે પૂર્ણિયામાં વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી આપીને શરૂ કરી હતી. તેનું નિયમિત સંચાલન 17 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આ ટ્રેન સીમાંચલ ક્ષેત્રને રાજધાની પટના સાથે જોડનારી પ્રથમ વંદે ભારત છે. આ ટ્રેન જોગબનીથી વહેલી સવારે 3.25 વાગ્યે રવાના થાય છે. સવારે 4.50 વાગ્યે પૂર્ણિયા પહોંચ્યા બાદ તે સહરસા, ખગડિયા, સમસ્તીપુર અને મુઝફ્ફરપુર થઈને સવારે 11.30 વાગ્યે પટનાના દાનાપુર પહોંચે છે.

ટ્રેનની અડફેટે મૃત્યુની બીજી ઘટના

નોંધનીય છે કે જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસથી કપાઈને મૃત્યુ થવાની આ બીજી ઘટના છે. આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ સહરસામાં હટિયાગાછી રેલવે ફાટક પાસે આ જ ટ્રેનની અડફેટે આવવાથી એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. 

Tags :