ઉત્તરકાશીના ધરાલીમાં નદીએ બદલો લીધો? કુદરત સાથે છેડછાડની માનવીય ભૂલનું આકરું પરિણામ!
Uttarkashi Flood Disaster: તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલીમાં આવેલા પૂરે ભયંકર તબાહી મચાવી હતી. આ મુદ્દે હવે નિષ્ણાતો કહી રહ્યા છે કે, એ કોઈ કુદરતી અકસ્માત નહોતો, પણ નદીના સ્વભાવ અને કુદરતી માર્ગને અવગણવાનું અને અવરોધવાનું પરિણામ હતું. ખીર ગંગા નદીએ પોતાનો માર્ગ નહોતો બદલ્યો, એ તો એના સદીઓ જૂના માર્ગે પાછી ફરી છે. ચાલો, આ મુદ્દાની ઊંડાઈમાં ઉતરીએ અને નદીના માર્ગમાંથી ચલિત થવાનું કારણ જાણીએ.
એક કિનારો સલામત, બીજો બરબાદ
ખીર ગંગા નદીમાં આવેલું ભીષણ પૂર ધરાલી પર ફરી વળ્યું હતું અને ગણતરીના સેકન્ડમાં તો અનેક બહુમાળી મકાનો અને દુકાનો પત્તાના મહેલની જેમ ફસકી પડ્યાં હતાં. આખેઆખું બજાર સાફ થઈ ગયું હતું. સેટેલાઇટ તસવીરો અને ડ્રોન વિડિયો જોતાં ખ્યાલ આવે છે, નદીને એક કિનારે ભયંકર વિનાશ વેરાયો હતો જ્યારે કે સામેના કિનારે બહુ ઓછું નુકસાન થયું હતું. એવું લાગે છે જાણે નદી નક્કી કરીને ત્રાટકી હતી કે આ એક જ કિનારાને ગળી જવો છે. શા માટે નદીના પાણીએ ફક્ત એક કિનારાને લક્ષ્ય બનાવ્યો?
વળાંકમાં નદીની પ્રકૃતિ કેવી હોય?
ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર એમ. પી. એસ. બિષ્ટ જણાવે છે કે, ‘નદી જ્યારે વળાંક લે છે, ત્યારે તેની બહારની બાજુએ પાણીનો પ્રહાર વધારે પ્રંચડ હોય છે, જે કારણે એ કિનારાનું ધોવાણ વધારે માત્રામાં થાય છે. અંદરની બાજુએ પ્રવાહ ધીમો પડે છે અને ત્યાં કાંપનો થર જમા થાય છે.’
ફક્ત એક કિનારે વિનાશ આ કારણસર વેરાયો
ભારે વરસાદથી તોફાને ચઢેલી ખીર ગંગાએ પણ પોતાના બહારની બાજુના કિનારે વિનાશ વેર્યો હતો, કેમ કે એ કિનારે પુરાણ કરી કરીને મકાનો-દુકાનો બનાવી દેવાયા હતા અને આખેઆખું બજાર તાણી બંધાયું હતું. જેને લીધે નદીનો પટ એ સ્થાને સાંકડો થઈ ગયો હતો. ઓછા વહેણમાં તો નદી નુકસાન નહોતી કરતી પણ એકાએક આભ ફાટતાં જે મબલખ પાણી નદીમાં આવી પડ્યું એ નદીના સાંકડા પટમાં ન સચવાતા અંતે નદી બેકાબૂ બની અને વર્ષો અગાઉ એનો જે માર્ગ હતો એ જ બાહરી કિનારાનો માર્ગ એણે પકડ્યો, અને પૂરી દેવાયેલા એ માર્ગમાં હતાં એ તમામ મકાનો, દુકાનો અને બજારનો ઘડોલાડવો કરી નાંખ્યો. ક્યારેક જે પોતાનો હતો, નદીના કુદરતી વહેણે કોતરેલો હિસ્સો હતો, એના પર ફરી કબજો જમાવીને નદીએ માણસજાતની અળવીતરાઈ સામે બદલો લીધો એમ કહી શકાય.
સામે કિનારે, વળાંકની અંદરની તરફના ભાગે, કુદરતી રીતે કાંપ ભરાયેલો હતો, જેને લીધે નદીના પાણી એ તરફ બેફામ ન બન્યા, અને એ ભાગમાં ખાસ્સું ઓછું નુકસાન થયું.
1.4 લાખ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલ જેટલો જથ્થો નદીમાં એકીસાથે ખાબક્યો
ધરાલીથી આશરે 7 કિમી ઉપર, પહાડોમાં 6,700 મીટરની ઊંચાઈએ હિમનદીમાં એકાએક ભંગ પડ્યો અને આકાશમાં વાદળ પણ ફાટ્યું, જેને લીધે એકીસાથે ખૂબ બધું પાણી નદીમાં ખાબકી પડ્યું. ભૂસ્તરશાસ્ત્રીય મૂલ્યાંકન મુજબ, નદીમાં અચાનક વધેલા પાણીના જથ્થાને લીધે ભૂસ્ખલન થયું અને 36 કરોડ ઘન મીટર જેટલો કાટમાળ એટલે કે 1.4 લાખ ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલમાં ભરાય જેટલો જથ્થો ખીર ગંગામાં ખાબક્યો. આ પ્રવાહ પૂરઝડપે વહેતો નીચે આવ્યો અને ધરાલી પર કાળ બનીને ફરી વળ્યો. અંદાજે 6 થી 7 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ધસમસતા આવેલા કાટમાળે ઘડીના છઠ્ઠા ભાગમાં તોતિંગ મકાનોને રમકડાંની જેમ જમીનદોસ્ત કરી નાંખ્યા. ધરાલીમાં 20 હેક્ટર જેટલા વિશાળ વિસ્તાર પર કાદવકીચડની જાડી ચાદર છવાઈ ગઈ છે, એના પરથી ત્યાં મચેલી તબાહીનો અંદાજ લગાવી શકાય એમ છે.
2013ના ઇતિહાસની પુનરાવૃત્તિ થઈ
હિમાલયની નદીઓ સૌમ્ય નથી હોતી. તક મળ્યે બેફામ બની જતી હોય છે. ખીર ગંગા નદી ગાંડીતૂર થયાની આ પહેલી ઘટના નથી. 2013માં આ જ નદીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયંકર ખાનાખરાબી મચાવી હતી, પણ એ જોયા પછી પણ માણસજાત ન ચેતી અને નદીના માર્ગને અવરોધવાનું ચાલુ રખાયું, જેનું વરવું પરિણામ આપણી સામે છે.
અનિયંત્રિત બાંધકામથી આપત્તિ વધુ ગંભીર
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભૂસ્ખલન અને નદીમાં પૂર આવવાની ઘટનાઓમાં છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ વધારો થયો છે, એના બે મુખ્ય કારણો છે. પહેલું, જંગલોનો સફાયો, અને બીજું, નદી કિનારે અનધિકૃત બાંધકામો. ધરાલીમાં પણ એ જ થયું છે. ખીર ગંગાને કિનારે બંધાતા મકાનો પર કોઈ અસરકારક નિયમન ન હોવાથી જોખમ વધી ગયું હતું. ક્યારેક તો પરપોટો ફૂટવાનો જ હતો અને ફૂટ્યો.
આબોહવા પરિવર્તનનું બહાનું નહીં ચાલે
આવી આપત્તિ આવે ત્યારે વિકાસને નામે અવિચારી પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપનારી સરકારો આબોહવા પરિવર્તન (ગ્લોબલ વોર્મિંગ)ના માથે દોષનું ઠીકરું ફોડી મૂકે છે. પણ, નિષ્ણાતોનું કહેવું છે કે, દરેક કુદરતી આપત્તિનો દોષ આબોહવા પરિવર્તનને આપી શકાય નહીં. આબોહવા પરિવર્તનનો ઉપયોગ બેદરકારી અને ગેરવહીવટ છુપાવવા માટે ન થવો જોઈએ. ખાસ કરીને ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિઓમાં ઘેરાઈ જવાની વધુ શક્યતા ધરાવતા સંવેદનશીલ પર્વતીય વિસ્તારોમાં બાંધકામ, વન-સંરક્ષણ જેવી અનેક બાબતે પૂર્વતૈયારી અને નીતિનિયમોનું યોગ્ય પાલન થાય એ જોવાની જવાબદારી પ્રશાસને નિભાવવી જોઈએ.