ઉત્તરકાશી દુર્ઘટના: ISROએ જાહેર કરી ધરાલીમાં વાદળ ફાટ્યાની ધ્રૂજાવી દે તેવી તસવીરો
Uttarkashi Dharali News: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં 5 ઓગસ્ટ 2025ના રોજ આવેલા ભયાનક પૂરે ધરાલી અને હર્ષિલ ગામોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ભારે વરસાદને કારણે આવેલા આ અચાનક પૂરમાં ઘરો, ઇમારતો, પુલો અને રસ્તાઓ તણાઈ ગયા, જ્યારે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા. હવે ઇસરોના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ સેટેલાઇટ તસવીરો દ્વારા થયેલા નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કર્યું છે, જેમાં તબાહીની હદ સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
આવો સમજીએ કે શું થયું હતું અને સેટેલાઇટ તસવીરોમાં શું જાણવા મળ્યું?
5 ઓગસ્ટની કુદરતી આફત શું હતી?
5 ઓગસ્ટ 2025ના રોજ ઉત્તરકાશીમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ધરાલી અને હર્ષિલમાં અચાનક પૂર આવ્યું. આ પૂર એટલું પ્રચંડ હતું કે તે પોતાના પ્રવાહમાં માટી, પથ્થરો અને કાટમાળને સાથે ઢસડી ગયું, જેના કારણે બધું જ તબાહ થઈ ગયું. ઘરો નીચેથી જમીન ધસી ગઈ, રસ્તાઓ તૂટી ગયા અને અનેક લોકો લાપતા થયા. આ ઘટનાથી આખો વિસ્તાર સંપર્ક વિહોણો થઈ ગયો, જેના કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે.
સેટેલાઇટ તસવીરોએ ખોલ્યું તબાહીનું રહસ્ય
ઇસરોના NRSCએ ભારતની કાર્ટોસૅટ-2એસ સેટેલાઇટની હાઇ-રિઝોલ્યુશન તસવીરોનો ઉપયોગ કર્યો. તેમણે 7 ઑગસ્ટ 2025 (આપત્તિ પછી)ની તસવીરોની સરખામણી 13 જૂન 2024 (આપત્તિ પહેલા)ની તસવીરો સાથે કરી. આ વિશ્લેષણમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી...
ફ્લેશ ફ્લડ એટલે કે અચાનક પૂરના સંકેત
સેટેલાઇટ તસવીરોમાં નદીઓના માર્ગ પહોળા થતા અને તેમનો આકાર બદલાતો જોવા મળ્યો, જે માનવ વસવાટ અને માળખાકીય સુવિધાને થયેલા નુકસાનનો પુરાવો આપે છે.
ધરાલીમાં કાટમાળનો ઢગલો
ખીર ગાડ અને ભાગીરથી નદીના સંગમ સ્થળ પર આવેલા ધરાલી ગામમાં લગભગ 20 હેક્ટર (750 મીટર X 450 મીટર) વિસ્તારમાં માટી અને કાટમાળનો વિશાળ ઢગલો જમા થયો છે.
નદી કિનારાની અનેક ઇમારતો નષ્ટ
ઘણી ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે અથવા માટીના પ્રવાહમાં ડૂબી ગઈ છે. ધરાલીમાં ઘણા ઘરો ઉપર માટી-કાટમાળ જમા થઈ ગયો છે, જે તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી ચૂક્યો છે.
રાહત કાર્ય માટે સેટેલાઈટ ડેટાનો ઉપયોગ
આ તસવીરો રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. ફસાયેલા લોકો સુધી પહોંચવા અને તૂટેલા રસ્તાને જોડવા માટે આ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
હિમાલયની વધતી જતી અસુરક્ષા
આ ઘટના દર્શાવે છે કે હિમાલયના વિસ્તારોમાં વસાહતો હવે વધુ અસુરક્ષિત બની રહી છે. વૈજ્ઞાનિકો પૂરના કારણોને સમજવા માટે સંશોધન કરી રહ્યા છે. ભારે વરસાદ, ગ્લેશિયર પીગળવા અથવા ભૌગોલિક રચનામાં પરિવર્તન સહિત કયા કારણો કેટલા જવાબદાર છે તે દિશામાં ઊંડા સંશોધનો ચાલુ છે. આ માટે ક્લાઇમેટ ચેન્જ અને માનવીય ગતિવિધિ પણ જવાબદાર છે.
નોંધનીય છે કે, સેટેલાઇટ તસવીરોથી મળેલી માહિતીથી સેના અને રાહત ટીમો ફસાયેલા લોકોને શોધવા અને રસ્તાને ફરીથી શરૂ કરવા પ્રયત્નશીલ છે. પરંતુ આ ઘટના આપણને ચેતવણી આપે છે કે હિમાલય જેવા વિસ્તારોમાં સાવચેતી રાખવી પડશે. ભવિષ્યમાં આવી તબાહીથી બચવા માટે અનિયોજિત બાંધકામ અને જંગલો કપાતા અટકાવવા જરૂરી છે.