જળપ્રલય બાદથી ગંગોત્રી ધામના 500 તીર્થયાત્રીઓ સંપર્કવિહોણાં, શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું
Uttarkashi Flash Floods: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. હવે ઉત્તરકાશી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગંગોત્રી ધામના દર્શન માટે આવેલા વિવિધ રાજ્યોના લગભગ 500 તીર્થયાત્રીઓનો સંપર્ક નથી થઈ રહ્યો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈ અને કર્ણાટકના લગભગ 64 તીર્થયાત્રીઓ પણ આમાં સામેલ છે.
મહારાષ્ટ્રના 24 લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો
જોકે, કેન્દ્રએ કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થયા પછી તેમની સાથે સંપર્ક થવાની આશા વ્યક્ત કરી છે. બીજી તરફ પ્રતાપ નગર ટિહરી ગઢવાલના ધારાસભ્ય વિક્રમ સિંહ નેગીએ જણાવ્યું કે, ઉત્તરકાશી અને ગંગોત્રી વચ્ચે ફસાયેલા મહારાષ્ટ્રના 24 લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો. આ માહિતી મહારાષ્ટ્રમાં રહેતા તેમના મિત્ર શેખર ચૌધરીએ આપી હતી.
કાટમાળથી ભરેલા ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ માટે ડ્રોન સર્વેની મદદ લેવામાં આવી રહી છે. બચાવ કાર્યમાં રોકાયેલા સેના, SDRF, NDRF અને ITBPની ટીમોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે.
13 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રેસેક્યુ
અત્યાર સુધીમાં 13 લોકોનું હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રેસેક્યુ કરવામાં આવ્યુ છે. આમાં સેનાના બચાવ કામગીરી દરમિયાન ઘાયલ થયેલા 11 સૈનિકો અને 2 સ્થાનિક લોકો સામેલ છે. આ દરમિયાન 2 મૃતકોના મૃતદેહ મળી આવ્યા છે. આમાંથી 1 મૃતકની ઓળખ થઈ ગઈ છે. બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે 9 સેનાના સૈનિકો સહિત 19 લોકો ગુમ છે.
શોધખોળ અભિયાન ઝડપી બનાવાયું
ધીરેન્દ્ર સિંહ ગુંજ્યાલ (ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ક્રાઇમ એન્ડ લો એન્ડ ઓર્ડર)એ જણાવ્યું કે, રાહત અને બચાવ કાર્ય માટે 10 નાયબ પોલીસ અધિક્ષક, 160 પોલીસ કર્મચારીઓ, ઉત્તરકાશીમાં તહેનાત 3 એસપી રેન્કના પોલીસ અધિકારીઓને રવાના કરવામાં આવ્યા છે. 1 કંપની પીએસી અને 1 કંપની ડિઝાસ્ટર રિલીફ ટીમ સહિત કુલ 173 પોલીસ અધિકારીઓ અને જવાનો તહેનાત છે. DNA સેમ્પલ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ ઉત્તરકાશી જવા રવાના થઈ ગઈ છે.