Uttarakhand News: ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસારમાં આવેલા કંદહાર અને ઇન્દ્રાણી ગામોની સંયુક્ત પંચાયતે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સોનાના આસમાને પહોંચેલા ભાવો અને લગ્નોમાં વધી રહેલી દેખાદેખી પર અંકુશ રાખવાના હેતુથી પંચાયતે આદેશ કર્યો છે કે, હવે લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા સોનાના દાગીનાની સંખ્યા પર મર્યાદા લાદવામાં આવી છે.
શું છે નવો નિયમ?
નવા નિયમ અનુસાર, હવે લગ્ન કે તેને સંબંધિત કોઈ પણ પ્રસંગમાં સ્ત્રીઓ સોનાના ફક્ત ત્રણ દાગીના પહેરી શકશે. આ ત્રણ દાગીનામાં મુખ્યત્વે નાકની ચુની, કાનની બુટ્ટી અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે. પંચાયતે ચેતવણી પણ આપી છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારા પરિવાર પાસેથી રૂ. 50,000 દંડ વસૂલવામાં આવશે.
આ નિર્ણય કેમ લેવાયો?
કંદહાર ગામના મુખ્ય આગેવાન અર્જુન સિંહના જણાવ્યા મુજબ, ‘સોનાના ઊંચા ભાવોને કારણે ઘણી મહિલાઓ દેખાદેખીમાં ફસાઈને સામાજિક દબાણ અનુભવે છે. આ કારણસર પરિવારોમાં ઝઘડા થાય છે અને તણાવ વધે છે. આ નિયમ બનાવવાનો અમારો હેતુ પરિવારોને આર્થિક બાબતોને લગતા તણાવમાંથી મુક્ત કરવાનો છે.’
મહિલાઓની માંગણી: પુરુષોના ખર્ચ પર પણ નિયંત્રણ લાવો!
જો કે, પંચાયતના આ નિર્ણયને લઈને ગામમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનેક પરિવારોએ આ પગલું આવકાર્યું છે, તો બીજી તરફ મહિલાઓએ સવાલ ઉઠાવ્યો છે કે નિયંત્રણો ફક્ત મહિલાઓના દાગીના પર જ કેમ?
એક સ્થાનિક મહિલા અમલા ચૌહાણે કહ્યું કે, ‘જો સમાનતાની વાત કરતા હોવ, તો ફક્ત મહિલાઓના દાગીના પર જ પ્રતિબંધ કેમ? પુરુષો દ્વારા લગ્નોમાં બ્રાન્ડેડ દારૂ અને અન્ય વૈભવી ખર્ચ પર પણ રોક લગાવવી જોઈએ. સોનું તો મુશ્કેલીના સમયમાં રોકાણ તરીકે કામ આવે છે, દારૂ અને બિનજરૂરી ખર્ચનું શું?’
પંચાયતે પણ મહિલાઓની આ દલીલને વાજબી ગણાવી છે અને ખાતરી આપી છે કે, ‘મહિલાઓની માંગણીઓ યોગ્ય છે. દારૂ અને અન્ય બિનજરૂરી ખર્ચ પર પણ તબક્કાવાર રીતે નિયંત્રણ લાવવા અંગે પણ વિચારણા કરાશે.’


