ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક
Uttarakhand News: ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લામાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી દીધી છે. શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં તે ગુસ્સામાં હતો. ઈજાગ્રસ્ત શિક્ષકને સારવાર હેઠળ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર છે. આ દુર્ઘટનાનો સ્થાનિક શિક્ષકોએ ભારે વિરોધ કર્યો છે. શાળાના શિક્ષકો ધરણા પર બેઠા છે. ઉધમસિંહ નગર જિલ્લામાં પણ શાળાઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
શું હતી ઘટના
ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં આવેલી એક શાળામાં નવમા ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ પોતાના જ વર્ગશિક્ષક પર જીવલેણ હુમલો કર્યો હતો. સૂત્રો અનુસાર, વિદ્યાર્થી લંચ બોક્સમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો હતો. અચાનક શિક્ષક પર હુમલો કરી દીધો હતો. ગંભીર રૂપે ઘાયલ શિક્ષકને તુરંત હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાનો વિરોધ કરતાં સીબીએસઈ બોર્ડના શિક્ષકો હડતાળ પર ઉતર્યા છે. જાણવા મળ્યું છે કે, પીડિત શિક્ષકે અગાઉ આ વિદ્યાર્થીને લાફો માર્યો હતો. જેથી વિદ્યાર્થી ગુસ્સામાં હતો. તેણે આ લાફાનો બદલો લેવા શિક્ષકને ગોળી મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે વિદ્યાર્થીની અટકાયત કરી છે.
શાળાઓમાં હુમલાના કિસ્સા વધ્યા
અમદાવાદની સેવન્થ ડે શાળામાં અભ્યાસ કરતાં આઠમા ધોરણના વિદ્યાર્થી મુસેફે ફિઝિક્સ સાધન વડે ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાણી પર હુમલો કર્યો હતો. જેમાં નયનનું મોત નીપજ્યું હતું. જેનો આક્રોશ વધતાં શાળામાં હિન્દુ સંગઠનો અને એબીવીપી, એનએસયુઆઈ સહિતના સંગઠનોએ શાળામાં તોડફોડ કરી હતી. આ સંગઠનો દ્વારા મણીનગર સહિત આસપાસના વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ ઘટનાના દિવસે જ કરી લીધી હતી.
આ સિવાય થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પણ આ પ્રકારનો એક બનાવ બન્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતાં ચાકુબાજી થઈ હતી. એક વિદ્યાર્થી પોતાની પાણીની બોટલમાં ચપ્પુ છુપાવીને લાવ્યો હતો. જેમાં અમુક વિદ્યાર્થીઓ ઘવાયા હતા.