ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ફરી આભ ફાટ્યું, 2 લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ફરી વળ્યો
પ્રતિકાત્મક તસવીર |
Uttarakhand Chamoli Cloudburst News : ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને આ વખતે ચોમાસાની ઋતુ જાણે ભારે પડી ગઇ હોય એક પછી એક અનેક વિસ્તારોમાં વારંવાર આભ ફાટવા જેવી કુદરતી આફત ત્રાટકી રહી છે. જેના કારણે ભારે વિનાશ વેરાઈ રહ્યો છે અને લોકોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે. ત્યારે ગઇકાલે રાતે ફરી એકવાર ચમોલી જિલ્લામાં જ આભ ફાટવાની ઘટના બની છે.
આ વખતે ક્યાં કુદરતી આફત આવી?
માહિતી અનુસાર ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના થરાલી બાદ હવે દેવાલના મોપાટામાં આભ ફાટવાની ઘટના બની છે. આ ઘટના બાદથી બે લોકો ગુમ છે જ્યારે સમગ્ર વિસ્તારમાં ઘરોમાં કાટમાળ અને કાદવ ફરી વળ્યો છે. અનેક મકાનોને નુકસાન થયું છે. અનેક પશુ-પ્રાણીઓ પણ કાટમાળ નીચે દટાઈ જતાં હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા છે.
જિલ્લા અધિકારીએ આપી માહિતી
જિલ્લા અધિકારી સંદીપ તિવારીનું કહેવું છે કે આ કુદરતી આફતને કારણે બે લોકો ગુમ છે. જેમાં તારા સિંહ અને તેમની પત્નીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે લોકોને કાટમાળ નીચેથી બચાવવામાં આવ્યા છે જેમની હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અનેક પશુઓના મૃતદેહ મળ્યા
આભ ફાટ્યાની ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને કાટમાળ હટાવવાની કામગીરી ત્વરિત શરૂ કરી દેવામાં આવી હતી. માહિતી અનુસાર અનેક મકાન અને ગૌશાળાઓ પણ આભ ફાટ્યા બાદ સર્જાયેલી આફતની લપેટમાં આવી ગયા હતા. લગભગ 15-20 પશુઓના મૃતદેહો કાટમાળમાં દટાયેલી હાલતમાં મળી આવતા લોકોમાં શોકનો માહોલ છવાયો હતો.