ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- 'ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો...'
Uttar Pradesh Political News : ઉત્તર પ્રદેશના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ડૉ. સંજય નિષાદે ભાજપ પર સીધો પ્રહાર કરતાં ગઠબંધન તોડી નાખવાની ચીમકી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો ભાજપને લાગે કે નાના સાથી પક્ષોથી કોઈ ફાયદો નથી, તો તેઓ ગઠબંધન તોડી શકે છે. નિષાદે આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
સંજય નિષાદે ભાજપને અગાઉની ચૂંટણી યાદ અપાવી
નિષાદે (Sanjay Nishad) પોતાના નિવેદનમાં સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર (Om Prakash Rajbhar) અને અપના દળના અધ્યક્ષ આશિષ પટેલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘રાજભર અને પટેલ સમાજ 2022માં સમાજવાદી પાર્ટી (સપા) સાથે હતા, ત્યારે સપાની બેઠકો 40થી વધીને 125 પર પહોંચી ગઈ હતી. જ્યારે આ પક્ષો ભાજપ સાથે જોડાયા, ત્યારે જ યોગી 2.0ની સરકાર બની શકી છે. ગઠબંધનના નાના પક્ષો સમાજને યોગ્ય દિશામાં લઈ જવાનું કામ કરી રહ્યા છે, જેનો સીધો લાભ ભાજપને મળી રહ્યો છે.’
‘નેતાઓ દ્વારા અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે’
નિષાદે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર માટે સમાજને ગેરમાર્ગે દોરતા નેતાઓને જવાબદાર ગણાવ્યા. તેમણે ભાજપના પૂર્વ રાજ્યસભા સાંસદ જયપ્રકાશ નિષાદ પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે ‘શા માટે આવા નેતાઓ દ્વારા અપશબ્દો બોલાવવામાં આવી રહ્યા છે. આરએલડી અને અન્ય પક્ષો પણ તેમના સમાજના નેતાઓ દ્વારા મત અપાવી રહ્યા છે અને ભાજપને ગઠબંધનના નેતાઓનો આદર કરવો જોઈએ.’
અહંકારથી દૂર રહેવાની સલાહ
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોઈપણ પક્ષ કે નેતાએ અહંકારમાં રહેવું ન જોઈએ, કારણ કે સમાજ બધું જોઈ રહ્યો છે. 2018ની પેટાચૂંટણીમાં સપા અને બસપા એક સાથે આવ્યા હતા અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ભાજપની જીતમાં તેમના જેવા સાથી પક્ષોનો મોટો ફાળો છે.’