Rare Earth Minerals: વોશિંગ્ટનમાં મળનારી G7 નાણામંત્રીઓની બેઠક માટે અમેરિકાએ ભારત અને ઓસ્ટ્રેલિયાને વિશેષ નિમંત્રણ પાઠવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ વ્યૂહાત્મક પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરની નિર્ભરતા ઘટાડીને સ્માર્ટફોન અને ફાઇટર જેટ જેવા સંરક્ષણ સાધનોમાં વપરાતા 'રેર અર્થ' ખનીજોના પુરવઠાને સુરક્ષિત કરવાનો છે.
સપ્લાય ચેઇન સુરક્ષિત કરવાનો મુખ્ય એજન્ડા
અમેરિકન નાણામંત્રી(ટ્રેઝરી સેક્રેટરી) સ્કોટ બેમેન્ટે પુષ્ટિ કરી છે કે સોમવારે યોજાનારી આ બેઠકનો મુખ્ય હેતુ દુનિયાભરમાં મહત્ત્વના ખનીજોની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવાનો છે. અત્યાર સુધી પશ્ચિમી દેશો આ ખનીજો માટે ચીન પર નિર્ભર રહ્યા છે, પરંતુ હવે તેઓ આ નિર્ભરતા ખતમ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા વિશ્વાસપાત્ર દેશો સાથે મજબૂત ભાગીદારી કરવા માંગે છે.
રેર અર્થ પર ચીનનું 'એકહથ્થુ' શાસન
આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(IEA)ના આંકડાઓ મુજબ, આધુનિક ઉદ્યોગો માટે અનિવાર્ય એવા કોપર, લિથિયમ, કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા મહત્ત્વપૂર્ણ ખનીજોના રિફાઇનિંગ ક્ષેત્રે ચીનનો દબદબો 47%થી લઈને 87% જેટલો વિશાળ છે. આ એકહથ્થુ વર્ચસ્વ વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય બન્યું છે, કારણ કે ચીન આ મજબૂત સ્થિતિનો ઉપયોગ ભૂ-રાજકીય હથિયાર તરીકે કરી શકે છે.
તાજેતરમાં ચીને જાપાનને રેર અર્થ ખનીજોની નિકાસ પર મૂકેલા પ્રતિબંધો આ ભયને વધુ સ્પષ્ટ કરે છે. જો ભવિષ્યમાં ચીન આ સપ્લાય ચેઇન અટકાવી દે, તો સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરી અને અત્યાધુનિક સંરક્ષણ ઉપકરણો જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે મોટું સંકટ ઊભું થઈ શકે છે અને ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે.
ભારતની ભૂમિકા અત્યંત મહત્ત્વની
અમેરિકન નાણામંત્રીએ એ સ્પષ્ટ કર્યું કે, ભારતને આ બેઠક માટે ખાસ આમંત્રણ અપાયું છે. જોકે, ભારતે આ નિમંત્રણ સ્વીકાર્યું છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. ભારત પાસે વિશાળ બજાર અને વધતી જતી ટક્નોલૉજીકલ ક્ષમતા છે, જે G7(અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને કેનેડા) દેશો માટે ચીનના વિકલ્પ તરીકે ઉભરી શકે છે.
આ પણ વાંચો: BREAKING : ઓડિશામાં ભુવનેશ્વર જતું વિમાન ક્રેશ, પાઈલટ સહિત 7 લોકો સવાર હતા
ઓસ્ટ્રેલિયા-અમેરિકા ગઠબંધન
ચીનના પ્રભુત્વને ઘટાડવા માટે ઓસ્ટ્રેલિયાએ પહેલેથી જ અમેરિકા સાથે 8.5 અબજ ડૉલરનો કરાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા રેર અર્થ અને લિથિયમ જેવા ખનીજોનો વ્યૂહાત્મક રિઝર્વ(જથ્થો) તૈયાર કરી રહ્યું છે. હવે યુરોપ, દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોએ પણ આ પહેલમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
વોશિંગ્ટનમાં યોજાનારી આ આમને-સામનેની ચર્ચા માત્ર આર્થિક બેઠક નથી, પરંતુ ચીન સામેનું એક આર્થિક યુદ્ધ છે. જો ભારત આ જૂથમાં જોડાય છે, તો તે આવનારા દાયકાઓમાં વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ અને સંરક્ષણ ક્ષેત્રે એક મોટી શક્તિ બનીને ઉભરશે.


