H1B વિઝાના દુરુપયોગની જાહેરાતમાં અમેરિકાએ ભારતને હાઈલાઈટ કર્યું, વીડિયો વાઈરલ

New Advertisement H-1B-Visa abuse American: ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના લેબર ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પર નવી જાહેરાત જાહેર કરી છે, જેમાં કંપનીઓ પર H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ કરવાનો અને યુવા અમેરિકન કર્મચારીઓની જગ્યાએ વિદેશી કર્મચારીઓને મૂકવાનો આરોપ છે. આ વિઝા સિસ્ટમનો સીધો મોટો ફાયદો ભારતને થતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, 'H-1B વિઝાના વ્યાપક દુરુપયોગને કારણે તેમની નોકરીઓ વિદેશી કામદારોને મળતા, યુવા અમેરિકનો પાસેથી તેમનું 'અમેરિકન ડ્રીમ' છીનવાઈ ગયું છે.
પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને સેક્રેટરી લોરી શાવેઝ-ડેરેમરની આગેવાની હેઠળ, અમે કંપનીઓને તેમના ખોટા કાર્યો માટે જવાબદાર ઠેરવી રહ્યા છીએ અને અમેરિકન લોકો માટે 'અમેરિકન ડ્રીમ' પાછું લાવી રહ્યા છીએ.'
'પ્રોજેક્ટ ફાયરવોલ' પહેલનું લોન્ચિંગ
લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા 'પ્રોજેક્ટ ફાયરવોલ' નામની પહેલના લોન્ચ સાથે આ ઝુંબેશની શરૂઆત થઈ છે. આ પ્રોગ્રામ સપ્ટેમ્બર 2025માં H-1B વિઝા કમ્પ્લાયન્સનું ઓડિટ કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ કંપનીઓને ટેક અને એન્જિનિયરિંગની નોકરીઓમાં અમેરિકન કામદારોની જગ્યાએ ઓછા પગારવાળા વિદેશી પ્રોફેશનલ્સને રાખતા અટકાવવાનો છે.
નેરેટરનો દાવો: યુવા અમેરિકનો પાસેથી સપનું છીનવાયું
સોશિયલ મીડિયા પોસ્ટ સાથેનો 51-સેકન્ડનો વીડિયો 1950ના દાયકાના 'અમેરિકન ડ્રીમ'ના ફૂટેજ દર્શાવે છે, જેમાં ઉપનગરીય ઘરો, ફેક્ટરી ફ્લોર અને ખુશહાલ પરિવારો બતાવવામાં આવ્યા છે. આ દ્રશ્યોની સરખામણી આજના કડક આંકડાઓ સાથે કરવામાં આવી છે.
વળી, આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે 72% H-1B વિઝાની મંજૂરી ભારતીયોને મળે છે અને યુ.એસ.માં હાયરિંગને પ્રાથમિકતા આપવા માટે તે ટ્રમ્પ અને લેબર સેક્રેટરી લોરી શાવેઝ-ડેરેમરને શ્રેય આપે છે.
આ અંગે નેરેટર કહે છે કે, 'ઘણી પેઢીઓથી, અમે અમેરિકનોને કહ્યું છે કે જો તેઓ પૂરતી મહેનત કરશે, તો તેઓ 'અમેરિકન ડ્રીમ' હાંસલ કરી શકે છે. પરંતુ ઘણા યુવા અમેરિકનો પાસેથી આ સપનું છીનવાઈ ગયું છે, તેમની નોકરીઓ વિદેશી કામદારોએ લઈ લીધી, કારણ કે નેતાઓ અને અધિકારીઓએ કંપનીઓને H-1B વિઝાનો દુરુપયોગ કરવા દીધો. પરંતુ હવે ટ્રમ્પ યુવા અમેરિકનો માટે એક નવી તક આપી રહ્યા છે.'
સ્થાનિક હાયરિંગ અને વિઝા ઓડિટ પર ધ્યાન
અમેરિકન પ્રશાસન દ્વારા રજૂ કરાયેલી આ નવી જાહેરાત સૂચવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં તેમના 'અમેરિકા ફર્સ્ટ' જોબ્સ એજન્ડાને ફરીથી શરૂ કરાશે, જે સ્થાનિક હાયરિંગ, વિઝા ઓડિટ અને શ્રમ બજાર રાષ્ટ્રવાદ (લેબર માર્કેટ નેશનાલિઝમ) પર પુન:ધ્યાન કેન્દ્રિત કરશે.
અધિકારીઓના મતે, 'પ્રોજેક્ટ ફાયરવોલ' અંતર્ગત એવી કંપનીઓનું મોટા પાયે ઓડિટ કરવામાં આવશે કે જેઓ પર H-1B વિઝાનો ઉપયોગ કરીને પગાર ઘટાડવાનો અથવા અમેરિકન કર્મચારીઓને દૂર કરવાની શંકા છે.


 
