'ભારત-અમેરિકા વચ્ચે 1 ઓગસ્ટ પહેલા થઈ શકે છે ટ્રેડ ડીલ', ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપ્યા સંકેત
India-US Trade Deal: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા કે, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર હવે ટૂંક સમયમાં જ થઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે, આ પ્રસ્તાવિત કરાર હેઠળ અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ પહોંચ મળશે, જે અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલી વેપાર કરારને સમાન હશે.
ભારત અને અમેરિકા આ વ્યાપાર કરાર માટે વાતાઘાટો કરી રહ્યા છે, જેથી બંને દેશો વચ્ચે ટેરિફ 20 ટકાથી ઓછો રાખી શકાય. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, અમે ઇન્ડોનેશિયાની સાથે એક કરાર કર્યો છે.... અમે ઇન્ડોનેશિયા (ના બજાર)માં સંપૂર્ણ પહોંચ મળી ચૂકી છે. તેમણે એ પણ જણાવ્યું કે, તેમનું વહીવટીતંત્ર કેટલીક અન્ય વેપાર કરારની જાહેરાત કરવાનું છે અને આ સંદર્ભમાં ભારતનો પણ ઉલ્લેખ કર્યો.
આ કરાર હેઠળ અમેરિકાને ઇન્ડોનેશિયાની બજારમાં વિસ્તાર વધશે, જ્યારે ઇન્ડોનેશિયાથી આવનારા ઉત્પાદનો પર અમેરિકામાં 19 ટકા ટેરિફ લાગશે. આ સિવાય, ઇન્ડોનેશિયાએ અમેરિકા સાથે 15 અરબ ડોલરની ઉર્જા, 4.5 અરબ ડોલરના કૃષિ ઉત્પાદન અને 50 બોઇંગ વિમાન ખરીદવાનો વાયદો કર્યો છે.
ટ્રમ્પે કહ્યું કે, આ કરાર હેઠળ ઇન્ડોનેશિયા અમેરિકાને એવી પહોંચ આપી રહ્યું છે, જે પહેલા ક્યારેય ન હતી. તેમણે કહ્યું કે, કદાચ આ કરારનો સૌથી મોટો હિસ્સો છે... ભારત પણ તે દિશામાં કામ કરી રહ્યું છે. અમને ભારત(ના બજાર) સુધી પહોંચ મળશે. ભારત આ દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે આ કરાર 1 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા થઈ શકે છે, નહીતર ભારતને ભારે ટેરિફનો સામનો કરવો પડી શકે છે.
ટ્રમ્પે ઇન્ડોનેશિયાની સાથે થયેલા કરારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેના હેઠળ અમેરિકામાં ઇન્ડોનેશિયાથી આવતા સામાન પર 19 ટકા ટેરિફ લાગશે, પરંતુ અમેરિકાથી ઇન્ડોનેશિયા જનારા સામાન પર કોઈ ટેરિફ નહીં હોય. જો કે, એ સ્પષ્ટ નથી કે ભારતની સાથે કરારમાં પણ આ શરતો હશે કે કંઈક અલગ હશે. ભારત માટે એવી કરારનો સ્વીકાર કરવા મુશ્કેલ બની શકે છે, કારણ કે 19 ટકા ટેરિફ ભારતના નિકાસ પર ભારે પડી શકે છે.