અમેરિકન સેનામાં મેદસ્વી અધિકારીઓની છટણી કરાશે, ટાલ અને દાઢીવાળા પણ નહીં ચાલે, સરકારે નવા નિયમ જાહેર કર્યા

US Army to Sack Obese, Bald & Bearded Officers : અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે હાલમાં જ અમેરિકન સશસ્ત્ર દળોમાં એક નવા યુગની શરુઆતની જાહેરાત કરી. વર્જિનિયાના ક્વોન્ટિકોમાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સૈન્ય કમાન્ડરોની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સૈન્યમાં વધુ વજન ધરાવતા એટલે કે મેદસ્વી, સ્થૂળ જનરલો અને એડમિરલોની હાજરી હવે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય ગણાશે. જે અધિકારીઓ આ નવા નિયમો સાથે સંમત નથી, તેમણે સ્વેચ્છાએ પોતાના પદો છોડી દેવા જોઈએ.
ફિટનેસલક્ષી અને વ્યાવસાયિક દેખાવને પ્રાધાન્ય
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે લશ્કરમાં ‘જાડિયા જનરલો’ અંગે સરકારના વલણને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘અમેરિકાના સેનામાં હવે ફિટનેસ અને વ્યાવસાયિક દેખાવને પ્રાધાન્ય અપાશે. જે અધિકારીઓ નવા નિયમોને ટેકો આપવા નથી માંગતા તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. વધુ વજનવાળા સૈનિકોની હાજરી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
પુરુષ અને સ્ત્રી માટે એકસમાન ફિટનેસ ધોરણો
સંરક્ષણ સચિવે સ્પષ્ટ કર્યું હતું કે, સેનાના તમામ દળમાં સૈનિક પુરુષ હોય કે સ્ત્રી તેમણે એકસમાન ફિટનેસ ધોરણો પાર પાડવા પડશે. આ ફેરફારનો હેતુ સૈન્યની લડાઈ ક્ષમતા વધારવાનો છે. આમ કરવામાં સ્ત્રી સૈનિકોની ક્ષમતા પર શંકા કરવાનો કે તેમની પ્રગતિ અવરોધવાનો ઇરાદો નથી, પરંતુ સ્ત્રી સૈનિકોની શારીરિક ક્ષમતાઓને વધુ ઊંચા સ્તરે લઈ જવાનો પ્રયાસ છે.
દાઢી અને ટાલ પણ સ્વીકૃત નહીં ગણાય
નવા નિયમો મુજબ હવે વ્યાવસાયિક દેખાવ મહત્ત્વનો રહેશે. દાઢી અને ટાલવાળા દેખાવને હવે અવ્યવસાયિક ગણાશે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું હતું કે, ‘અવ્યવસાયિક દેખાવનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તાજેતરના વર્ષોમાં અમેરિકાના સૈન્ય દળોને ખોટી દિશામાં લઈ જવામાં આવ્યા છે. હું જાણું છું કે તમારામાંથી મોટા ભાગના લોકો આનાથી વિપરીત વિચારે છે, પણ હવેથી પેન્ટાગોનમાં વધુ વજનવાળા જનરલો અને એડમિરલોને જોવા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.’
નવી નીતિને ટ્રમ્પે સમર્થન આપ્યું
આ નવી નીતિને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પૂર્ણ સમર્થન છે. ક્વોન્ટિકોની બેઠકમાં ટ્રમ્પે પણ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સૈન્યમાં પદો યોગ્યતાના આધારે જ આપવામાં આવશે, રાજકીય વિચારધારાના આધારે નહીં. અમે કોઈને રાજકીય કારણોસર તમારું સ્થાન લેવાની મંજૂરી આપીશું નહીં.’
એટલું જ નહીં, ટ્રમ્પે સૈન્ય અધિકારીઓને સ્પષ્ટ ભાષામાં ચેતવણી આપતાં કહ્યું કે, ‘જો તેઓ આ નિયમોને નાપસંદ કરતા હોય તો તેમણે નોકરી છોડી દેવી જોઈએ, પણ એમ કરવામાં તેઓ તેમનું પદ અને સારું ભવિષ્ય ગુમાવશે.’
વિપક્ષના નેતાઓએ સરમુખત્યારશાહી ગણાવી
રિપબ્લિકન નેતાઓએ નવી નીતિનું સમર્થન કર્યું હતું અને તેને ‘તાજી હવા’ ગણાવી હતી, જ્યારે વિરોધ પક્ષના ડેમોક્રેટિક નેતાઓએ આ નિયમને ખતરનાક અને સરમુખત્યારશાહી ગણાવી હતી.
શું ટ્રમ્પ મનફાવે એમ સૈન્ય અધિકારીઓને પદ પરથી હટાવી શકશે?
ટ્રમ્પે અસંમત અધિકારીઓને બરતરફ કરવાની ધમકી આપી છે, પરંતુ અમેરિકાનું બંધારણ અને કાયદો આવી કાર્યવાહી પર મર્યાદા લાદે છે. સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે રાષ્ટ્રપતિ અધિકારીઓને પુનઃનિયુક્ત કરી શકે છે અને નેતૃત્વની ભૂમિકાઓમાંથી દૂર પણ કરી શકે છે, પરંતુ એના અમુક નિયમો છે. અમેરિકન કોંગ્રેસ દ્વારા સ્થાપિત ‘યુનિફોર્મ કોડ ઑફ મિલિટરી જસ્ટિસ’ (UCMJ) મુજબ કમિશન્ડ અધિકારીઓને સૈન્યમાંથી ફક્ત ત્રણ જ સ્થિતિમાં બરતરફ કરી શકાય છે.
1- દેશદ્રોહ માટે કોર્ટ માર્શલ કરી શકાય છે.
2- રાષ્ટ્રપતિ સજા પામેલા અધિકારીની સજામાં ઘટાડો કરી શકે છે.
3- ‘યુદ્ધના સમયે’ રાષ્ટ્રપતિ સીધો આદેશ આપી શકે છે.
જો કે, શાંતિના સમયમાં અધિકારીઓને બરતરફ કરવાની રાષ્ટ્રપતિને એકહથ્થુ સત્તા નથી. તેથી ટ્રમ્પ પ્રશાસન અમેરિકન સૈન્ય દળોમાં કેટલાક અને કેવા બદલાવ કરી શકે છે, એ જોવું રસપ્રદ રહેશે.
ટ્રમ્પ સૈન્ય દળો પાસે ધાર્યું કામ કરાવે છે
લોસ એન્જલસ, પોર્ટલૅન્ડ, મેમ્ફિસ અને વોશિંગ્ટન ડીસી જેવા શહેરો સલામતીની દૃષ્ટિએ ‘ડૅન્જરસ (જોખમી)’ બની ગયા હોવાનું કારણ બતાવીને ટ્રમ્પે નજીકના ભૂતકાળમાં એ શહેરોમાં પોતાની મરજીથી નેશનલ ગાર્ડ યુનિટ્સ અને મરીન્સ તહેનાત કર્યા છે. જે સાબિત કરે છે કે, ટ્રમ્પ ધારે તો સૈન્ય દળો પાસે એવા કામ પણ કરાવી શકે છે જે અમેરિકાના ઇતિહાસમાં ક્યારેય નથી થયા.