બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડરિંગના કેસમાં ઇડી દ્વારા ઉર્વશીની પૂછપરછ
- ઉર્વશી 1એક્સબેટ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મની ઇન્ડિયા એમ્બેસેડર
- ક્રિકેટર્સ યુવરાજસિંહ,સુરેશ રૈના, શિખર ધવન તથા એેક્ટર્સ સોનુ સુદ, મિમિ ચક્રવર્તિ અને અંકુશ હાઝરા ઇડીના સંકજામાં
નવી દિલ્હી : ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ્સ ૧એકસબેટ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઇડીએ ૩૧ વર્ષની અભિનેત્રી અને મોડેલ ઉર્વશી રૌતેલાની પૂછપરછ કરી મંગળવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ-પીએમએલએ હેઠળ તેનું નિવેદન નોંધ્યું હતું. છેલ્લા થોડા અઠવાડિયાઓથી ચાલી રહેલી તપાસમાં ઇડીએ ક્રિકેટર્સ યુવરાજસિંહ, સુરેશ રૈના, રોબિન ઉથ્થપા અને શિખર ધવનની તથા એક્ટર્સ સોનુ સુદ, મિમિ ચક્રવર્તિ અને બંગાળી અભિનેતા અંકુશ હાઝરાની પણ પૂછપરછ કરી છે. આ પ્લેટફોર્મ્સ ગેરકાયદે બેટિંગ અને જુગાર દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરે છે. દેશમાં આ પ્લેટફોર્મના ૨૨ કરોડ વપરાશકારો છે તેમાંથી અડધા તેનો નિયમિત ઉપયોગ કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પોર્ટલ ૧એક્સ બેટ દ્વારા આ સેલિબ્રિટીઓને ચૂકવવામાં આવેલી એન્ડોર્સમેન્ટ ફીનો ઉપયોગ આ હસ્તીઓએ વિવિધ પ્રકારની સંપત્તિઓ ખરીદવા માટે કર્યો છે. મની લોન્ડરિંગ કાયદા હેઠળ આ સંપત્તિઓ ગુના દ્વારા મેળવાઇ હોવાનું વર્ગીકૃત થતું હોઇ ઇડી આ કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી શકે છે.
કુરાકાઓમાં રજિસ્ટર્ડ ૧એક્સ બેટ દુનિયાભરમાં સટ્ટો રમાડતી કંપની છે જે ૧૮ વર્ષથી સટ્ટાબજારમાં કાર્યરત છે. કંપનીની વેબસાઇટ અને એપ દ્વારા ગ્રાહકો હજારો સ્પોર્ટિંગ ઇવેન્ટમાં દાવ લગાડી શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કાયદો ઘડી ઓનલાઇન ગેમિંગમાં સટ્ટો રમવા પર પ્રતિબંધ મુક્યો છે.
ઇડી તેની તપાસમાં એ જાણવા માંગે છે કે સેલિબ્રિટીઝનો સંપર્ક કેવી રીતે કરવામાં આવ્યો અને તેમને નાણાં કેવી રીતે અને ક્યાં ચૂકવવામાં આવ્યા હતા. ઇડીએ સેલિબ્રિટીઓના નિવેદનો નોંધતી વખતે તેમને સવાલો કર્યા હતા કે તેઓ ઓનલાઇન બેટિંગ વિશે જાણે છે કે કેમ અને તે ગેમિંગ ભારતમાં ગેરકાયદે છે તેની તેમને જાણ છે કે કેમ. તેમને આ કંપની સાથે કરવામાં આવેલાં ક રારની તથા દસ્તાવેજોની નકલ આપવા પણ જણાવાયું છે.