પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી
Image: IANS |
UPSC PRATIBHA SETU: યુપીએસસીએ ફાઈનલ મેરિટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ જનારા ઉમેદવારોના હિતને ધ્યાનમાં લેતાં એક નવી પ્રતિભા સેતુ યોજના શરૂ કરી છે. જેના માધ્યમથી આયોગ ઉમેદવારોને ખાનગી તથા સરકારી નોકરી અપાવવામાં મદદ કરશે. સરકારી અને ખાનગી કંપનીઓને આ ઉમેદવારોની યાદી આપવામાં આવશે.
ભારતની ટોચની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પૈકી એક યુપીએસસીની પરીક્ષાના તમામ તબક્કામાં પાસ થનારા જે ઉમેદવારો ફાઈનલ મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવી શકતા નથી. તેઓએ હવે હતાશ થવાની જરૂર નથી. આયોગે એક સત્તાવાર નોટમાં જણાવ્યું હતું કે પ્રતિભા સેતુ સરકારી મંત્રાલયો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓને ભલામણ કરાયેલા ઉમેદવારો જેટલા જ ગુણવત્તાયુક્ત બિન-ભલામણ કરાયેલા ઉમેદવારોની પસંદગી કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે UPSC ઉમેદવારોને નિરાશ થવાના બદલે નોકરીનો બીજો પ્રવેશદ્વાર પૂરો પાડે છે. આ યોજના હેઠળ, સરકારી અને ખાનગી કંપનીઓને UPSC પરીક્ષાના તમામ તબક્કાઓ પાસ કરનાર પરંતુ ફાઈનલ મેરિટ લીસ્ટમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલી પ્રતિભાઓ વિશે માહિતી મળશે. જેમાંથી તેઓ ઉમેદવારની પસંદગી કરી શકશે.
શું છે પ્રતિભા સેતુ યોજના
આ યોજના હેઠળ યુપીએસસીની આઠ પરીક્ષાઓના ફાઈનલ મેરિટ લિસ્ટમાં ચૂકી જનારા ઉમેદવારોની વિગતો ખાનગી અને સરકારી કંપનીઓ સાથે શેર કરવામાં આવશે. જેની મદદથી એમ્પ્લોયર ઉચિત ઉમેદવારની પસંદગી કરી શકે. પહેલાં તે પબ્લિક ડિસ્ક્લોઝર સ્કીમ તરીકે ઓળખાતી હતી. હવે તેનું નામ અને સ્વરૂપ બદલી પ્રતિભા સેતુ કરવામાં આવ્યું છે.
UPSC પ્રતિભા સેતુ વિશે જાણવા જેવું
- પ્રતિભા સેતુનું આખુ નામ પ્રોફેશનલ રિસોર્સ એન્ડ ટેલેન્ટ ઈન્ટિગ્રેશન બ્રિજ ફોર હાયરિંગ એસ્પિરન્ટ્સ છે.
- યુપીએસસીના પાસ તમામ 10,000થી વધુ ઉમેદવારોનો ડેટા છે પ્રતિભા સેતુ પાસે
- શૈક્ષણિક લાયકાત, કોન્ટેક્ટ નંબર સહિતનો સોફ્ટ બાયોડેટા શેર કરે છે
- ડેટા શેર કરવા માટે ઉમેદવારોની સહમતિ લેવામાં આવશે
- હાલ માત્ર આઠ પરીક્ષાઓના ઉમેદવારોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા
આ પણ વાંચોઃ ભારતીય વિજ્ઞાનીઓએ કરી કમાલ, પાણીથી ગ્રીન હાઈડ્રોજન બનાવતું ઉપકરણ વિકસાવ્યું
જૂની યોજનાને અપડેટ કરાઈ
પહેલાં આ પ્રકારનો લાભ આપતી યોજના પબ્લિક ડિસક્લોઝર સ્કીમ તરીકે ઓળખાતી હતી. જેની શરૂઆત 20 ઓગસ્ટ, 2018ના રોજ થઈ હતી. તે સમયે માત્ર વેબસાઈટ પર યાદી આપવામાં આવી હતી. પરંતુ હવે રજિસ્ટર્ડ કંપનીઓને લોગ ઈન આઈડી મળશે. પોર્ટલ ડેશબોર્ડમાં નોટિફિકેશન, શોર્ટ લિસ્ટિંગ, સિલેક્શન અને રિજેક્શનની સુવિધા પણ મળશે.
આ પરીક્ષા સામેલ
હાલ પ્રતિભા સેતુમાં માત્ર આઠ પરીક્ષા સામેલ છે. સિવિલ સર્વિસિસ, ફોરેસ્ટ સર્વિસિસ, એન્જિનિયરિંગ સર્વિસિસ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ, કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસિસ, કમ્બાઈન્ડ મેડિકલ સર્વિસિસ, ભૂસ્તરશાસ્ત્રી અને આર્થિક અને આંકડાકીય સેવાઓ જેવી પરીક્ષાઓના ઉમેદવારોનો ડેટા શેર કરવામાં આવશે. એનડીએ અને એનએ તેનો ભાગ નથી. આ સિવાય પ્રતિભા સેતુમાં મર્યાદિત વિભાગીય પરીક્ષાઓ જેમ કે CBI (DSP) LDCE, CISF AC (એક્ઝિક્યુટિવ) LDCE, SO/સ્ટેનો (ગ્રેડ-B/ગ્રેડ-1) LDCE પરીક્ષાઓ સમાવિષ્ટ નથી.
કંપનીઓ આ રીતે કરાવી શકશે રજિસ્ટ્રેશન
રજિસ્ટર્ડ ખાનગી કે સરકારી કંપનીએ કોર્પોરેટ બાબતોના મંત્રાલયના એપીઆઈ માધ્યમથી આપવામાં આવેલા કોર્પોરેટ ઓળખ નંબર (CIN)ની મદદથી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.