જાસૂસી મામલે હોબાળો : સંચાર સાથીએ સરકારને સાથ ના આપ્યો

- સંચાર સાથી એપ ફરજિયાત પ્રીઇન્સ્ટોલ કરવાના સરકારના વધુ એક આદેશથી વધુ એક વિવાદનો ફણગો ફૂટયો
- એપ નાગરિકોની જાસૂસી માટે કાવતરું, આદેશ ગેરબંધારણીય : વિપક્ષ સંચાર સાથી એપ ફરજિયાત નથી, ડીલીટ કરી શકાય : કેન્દ્રનો બચાવ
- એપલનો સંચાર સાથી એપ પ્રી-ઈન્સ્ટોલ કરવા ઈનકાર, સેમસંગ સહિત અન્ય કંપનીઓ કેન્દ્રના વર્કિંગ ગ્રૂપમાં જોડાઇ
નવી દિલ્હી : દેશભરમાં ડિજિટલ ફ્રોડમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ટેલિકોમ વિભાગે સાઈબર છેતરપિંડી રોકવા, ડિજિટલ સુરક્ષા નિશ્ચિત કરવા તેમજ નકલી અથવા ડુપ્લિકેટ આઈએમઈઆઈવાળા મોબાઈલ સેટની સમસ્યાથી છૂટકારો મેળવવા દેશમાં બધા જ મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકોને નવા સ્માર્ટફોન્સમાં 'સંચાર સાથી' એપ ફરજિયાત પ્રી-ઈન્સ્ટોલ કરવા અને હાલ વપરાશ તથા સ્ટોરમાં હોય તેવા બધા જ ફોનમાં સોફ્ટવેર અપડેટ મારફત આ એપ ઈન્સ્ટોલ કરવા આદેશ આપ્યો હતો. આ આદેશની વિગતો સામે આવતા જ કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર પર પેગાસસ જેવી આ એપ મારફત કરોડો દેશવાસીઓની જાસૂસીનો આક્ષેપ કરતા દેશભરમાં હોબાળો મચી ગયો છે. મોબાઈલ ઉત્પાદકોએ પણ સરકારના આદેશને માનવાનો ઈનકાર કર્યો છે.
ટેલિકોમ વિભાગે એપલ, સેમસંગ, શાઓમી સહિત બધા જ મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકોને ૨૮ નવેમ્બરે સરક્યુલર પાઠવી આદેશ આપ્યો હતો કે તેમના નવા સ્માર્ટફોનમાં 'સંચાર સાથી' એપ પ્રી-ઈન્સ્ટોલ કરવી ફરજિયાત છે. ઉપરાંત મોબાઈલ ઉત્પાદકોને હાલ બજારમાં સ્ટોરમાં હોય કે ગ્રાહકો પાસે હોય તેવા મોબાઈલ હેન્ડસેટમાં સુરક્ષા સોફ્ટવેર અપડેટ મારફત આ એપ ઈન્સ્ટોલ કરવા જણાવાયું હતું.
ટેલિકોમ વિભાગે કહ્યું છે કે, આ એપ પહેલી વખત સેટઅપ સમયે યુઝર્સ માટે સ્પષ્ટ દેખાય તેવી હોવી જોઈએ, કામ કરવા યોગ્ય એટલે કે ફંક્શનલ હોવી જોઈએ અને અનેપલ હોવી જોઈએ. મોબાઈલ ઉત્પાદકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે ડિવાઈસસેટઅપ સમયે આ એપને ડિસએબલ કરી શકાય નહીં અથવા તેને હટાવી શકાય નહીં કે તેના ફીચરને રિસ્ટ્રિક્ટ એટલે કે મર્યાદિત કરી શકાય નહીં. મોબાઈલ ઉત્પાદકોએ આગામી ૧૨૦ દિવસમાં આ અંગેનો રિપોર્ટ સરકારને આપવાનો રહેશે.
સંચાર સાથી એપ પેગાસસની એડવાન્સ્ડ આવૃત્તિ : વિપક્ષ
ટેલિકોમ વિભાગના આદેશની વિગતો સામે આવતા જ કોંગ્રેસ સહિત વિપક્ષે કેન્દ્ર સરકાર પર સંચાર સાથી એપ મારફત લોકોની જાસૂસી કરવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકારના આ આદેશને ગેરબંધારણીય અને જનતાની પ્રાઈવસીના અધિકારનો ભંગ કરવા સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ એપ સ્વાભાવિક રીતે જ નાગરિકોની જાસૂસી કરવાનું કેન્દ્ર સરકારનું કાવતરું છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે, બીગ બ્રધર આપણા ફોન અને આપણા આખા ખાનગી જીવન પર કબજો કરી લેશે. આ પેગાસસનું એડવાન્સ્ડ વર્ઝન પેગાસસ પ્લસ પ્લસ છે.
દરેક નાગરિકની દરેક હિલચાલ પર નજર રાખવાનું ભારતીય ટૂલ
કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે, પ્રાઈવસીનો અધિકાર જીવન અને સ્વતંત્રતાના મૌલિક અધિકારનો જરૂરી ભાગ છે. લોકોના મોબાઈલ હેન્ડસેટમાં પ્રી-લોડેડ સરકારી એપ, જેને અનઈન્સ્ટોલ કરી શકાય નહીં, તે દરેક ભારતીય પર નજર રાખવાનું ડરામણું ટૂલ છે. આ ટૂલ દરેક નાગરિકની દરેક હિલચાલ, વાતચીત અને નિર્ણયો પર નજર રાખવાની રીત છે. કોંગ્રેસે દાવો કર્યો કે આ એપ ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારો પર 'સતત હુમલા'ની લાંબી શ્રેણીનો એક ભાગ છે.
એપલનો એપ પ્રી-ઈન્સ્ટોલ કરવા ઈનકાર, અન્ય કંપનીઓ વિચારશે
અમેરિકન મોબાઈલ ઉત્પાદક કંપની એપલે કેન્દ્ર સરકારની સંચાર સાથી એપ પ્રી-ઈન્સ્ટોલ કરવાનો આદેશ માનવાનો ઈનકાર કરી દીધો છે. એપલના સૂત્રોએ કહ્યું કે, કંપની સંચાર સાથી એપના પ્રી-ઈન્સ્ટોલેશન અંગે પોતાની ચિંતાઓ સરકાર સાથે શૅર કરશે. કંપની સરકાર સાથે તેની પ્રાઈવસી સંબંધિત ચિંતાઓ અંગે વાત કરશે. એપલ દુનિયામાં કોઈપણ દેશમાં આવા નિયમોનું પાલન કરતી નથી, કારણ કે તેનાથી કંપનીની આઈઓએસ ઈકોસિસ્ટમ માટે અનેક પ્રાઈવસી અને સિક્યોરિટીને જોખમ હોઈ શકે છે. બીજીબાજુ સેમસંગ, ગૂગલ, શાઓમી સહિતની અન્ય મોબાઈલ ઉત્પાદક કંપનીઓનું કહેવું છે કે તેઓ સરકારના આદેશની તપાસ કરશે અને ત્યાર પછી રણનીતિ તૈયાર કરશે.
એપ કોલ મોનિટરિંગ નથી કરતી : મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા
સંચાર સાથી એપ અંગે વિવાદ વધતા ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ એપ મારફત જાસૂસીના અહેવાલોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યુ ંકે, આ એપ મારફત કોઈપણ પ્રકારે કોઈની જાસૂસી કરાશે નહીં અને તે કોઈ પ્રકારે કોલ મોનિટરિંગ કરતી નથી. તમે ઈચ્છો તો તેને એક્ટિવેટ કરી શકો છો અને ના ઈચ્છો તો ડીલીટ પણ કરી શકો છો. આ એપ ફરજિયાત નથી. આ એપ સાયબર ફ્રોડ રોકવા માટે બનાવાઈ છે અને દરેક વ્યક્તિ સુધી આ એપ પહોંચાડવી અમારી જવાબદારી છે.

