India

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ

By GS TEAM
3 Nov 20251 min read
ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ  ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ

નવી દિલ્હી,૩ નવેમ્બર,૨૦૨૫,સોમવાર 

વિતેલા તહેવારમાં ખરીદીનું પ્રમાણ વધવાથી ઓકટોબર મહિનામાં ૨૦.૭ અબજ જેટલા યુપીઆઇ વ્યહવારો થયા જેની રકમ ૨૭.૨૮ લાખ કરોડ થાય છે.યુપીઆઇનું સંચાલન કરનાર ભારતીય રાષ્ટ્રીય ભૂગતાન નિગમ ( એનપીસીઆઇ) દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી મુજબ આ રકમ અત્યાર સુધીની સૌથી વધારે છે. અગાઉ મે ૨૦૨૫માં ૨૫.૧૪ લાખ કરોડ નું રેકોર્ડ ટ્રાન્જેકશન થયું હતુ. ઓકટોબર ૨૦૨૪ની સરખામણીમાં આ વર્ષે ઓકટોબર યુપીઆઇ લેણદેણમાં ૧૬ ટકા વધારો થયો છે. જે સરેરાશ મહિનાની દ્વષ્ટીએ ૯.૫ ટકા જેટલો વધારો સૂચવે છે. ઓકટોબર પહેલા સપ્ટેમ્બરમાં યુપીઆઇ લેણદેણ મૂલ્ય ૨૪.૬૦ લાખ કરોડ હતું. 

ઓકટોબર મહિનામાં દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન યુપીઆઇ ટ્રાન્જેકશન ૬૬.૮ કરોડ જેટલું થયું હતું. સરેરાશ દૈનિક મૂલ્ય ૮૭૯૯૩ કરોડ રુપિયા રહયું હતું. નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં વધતું જતું યુપીઆઇ પેમેન્ટ ડિજિટલ મનીની મજબુતી દર્શાવે છે. ડિજિટલ લેણદેણ અંગેનું આ સકારાત્મક પરિવર્તન શહેરો જ નહી ભારતના ગ્રામીણ વિસ્તારો સુધી પણ પહોંચ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં કુલ ડિજિટલ ટ્રાન્જેકશનમાં યુપીઆઇનો હિસ્સો ૮૫ ટકા જેટલો છે. વૈશ્વિક ફલક પર વાત કરીએ તો ડિજિટલ ટ્રાન્જેકશનમાં યુપીઆઇની ભાગીદારી ૫૦ ટકા જેટલી છે.યુપીઆઇ હાલમાં કુલ ૭ દેશોમાં સક્રિય છે જેમાં યુએઇ,સિંગાપુર,ભૂટાન,નેપાળ, શ્રીલંકા, ફ્રાંસ અને મોરેશિયસનો સમાવેશ થાય છે. ફ્રાંસમાં યુપીઆઇની શરુઆત યુરોપમાં યુપીઆઇનું મહત્વની ઉપલબ્ધિ માનવામાં આવે છે.