India

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે... ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં શ્રમ વિભાગ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે એક થેલા બનાવતી ફેક્ટરીમાં મજૂરીના નામે ચાલી રહેલી મોટી રમતનો પર્દાફાશ કર્યો છે. બે વર્ષથી 13 મજૂરોને બંધક બનાવી કામ કરાવી રહેલા ફેક્ટરીના બે માલિકની ધરપકડ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દંડા વડે મારે, પિટબુલ કૂતરા કરડે... ઉત્તરપ્રદેશમાં 2 વર્ષથી કેદ 13 શ્રમિકો મુક્ત, હચમચાવતી ઘટના

UP Human trafficking Case: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં શ્રમ વિભાગ અને જિલ્લા પ્રશાસનની સંયુક્ત ટીમે એક થેલા બનાવતી ફેક્ટરીમાં મજૂરીના નામે ચાલી રહેલી મોટી રમતનો પર્દાફાશ કર્યો છે. બે વર્ષથી 13 મજૂરોને બંધક બનાવી કામ કરાવી રહેલા ફેક્ટરીના બે માલિકની ધરપકડ કરવામાં આવી છે.

ફેક્ટરીમાંથી 13 બંધક મજૂરો મુક્ત કરાયા

આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફેક્ટરીની ઊંચી દિવાલો પાછળ બંધક બનાવીને રાખવામાં આવેલા 13 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ મજૂરો આશરે બે વર્ષથી ત્યાં કેદ હતા અને નરક કરતાં પણ ખરાબ જીવન જીવી રહ્યા હતા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક મજૂર કોઈક રીતે ફેક્ટરીની સુરક્ષાને થાપ આપીને ભાગી છૂટ્યો. તેણે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચીને અધિકારીઓને સમગ્ર ઘટના જણાવી. ત્યારબાદ જ પોલીસે ફેક્ટરી પર દરોડા પાડયા.

મોબાઇલ-આધાર છીનવી મજૂરોને કર્યા બંધક

ફેક્ટરીની કેદમાંથી મુક્ત થયેલા આ મજૂરોએ માલિકો પર ગંભીર આરોપ કર્યા છે. મજૂરોએ જણાવ્યું કે તેમને સારા કામ અને મોટા પગારની લાલચ આપીને અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ ફેક્ટરી પહોંચતા જ તેમના મોબાઇલ ફોન અને ઓળખપત્રો છીનવી લેવામાં આવ્યા હતા. મજૂરોએ જણાવ્યું કે તેમને તેમના પરિવારોથી સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવ્યા હતા જેથી તેઓ કોઈની સાથે સંપર્ક ન કરી શકે. મજૂરોને ભાગતા રોકવા માટે ફેક્ટરી પરિસરમાં બે ખૂંખાર પિટબુલ કૂતરા પણ પાળવામાં આવ્યા હતા, જેને જોઈને મજૂરો હંમેશા ડરેલા રહેતા હતા.

મજૂરો પર થતો હતો ક્રૂર અત્યાચાર

પીડિત મજૂરોની આપવીતી પ્રમાણે, તેમને પૈસા આપવામાં આવતા ન હતા અને ખાવાના નામે ખૂબ જ ઓછું ખાવાનું આપવામાં આવતું હતું. તેમને દર 24 કલાકમાં માત્ર એક જ વાર સૂકી રોટલી આપવામાં આવતી હતી. જો કોઈ મજૂર તેનો વિરોધ કરતો કે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતો, તો તેને લાકડીઓ અને કોરડાથી નિર્દયતાથી ફટકારવામાં આવતો હતો. કેટલાય મજૂરોના શરીર પર મારપીટના ઊંડા નિશાન પણ  છે. પોલીસે ઘટનાસ્થળેથી મારપીટમાં ઉપયોગમાં લેવાતી લાકડીઓ અને બીજી વસ્તુઓ જપ્ત કરી લીધી છે.

પોલીસે બે મુખ્ય આરોપીઓની કરી ધરપકડ

રેસ્ક્યુ કરાયેલા મજૂરોની ઓળખ રામુ, વિક્રમ, નારાયણ, સીતારામ, સંતોષ, શિવમ જાટવ, જગદીશ, રાજહંસ, સાહિલ, રંજીત પાસવાન, દિલશાદ, ઉજ્જવલ અને સોનુ ચૌહાણ તરીકે થઈ છે. આ મજૂરો હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓ અને પાડોશી દેશ નેપાળથી લાવવામાં આવ્યા હતા. આ મામલામાં પોલીસે બે મુખ્ય આરોપીઓ, શિવમ ત્યાગી અને પ્રદીપ બાલિયાનની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસ અને મજૂરોને વતન મોકલાયા

પોલીસ હવે એ વાતની તપાસ કરી રહી છે કે શું લાંબા સમય સુધી બંધક રહેવાના કારણે કેટલાક મજૂરોના ત્યાં મોત પણ થયા હતા. રેસ્ક્યૂ બાદ તમામ મજૂરોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું. બાદમાં ઘરે મોકલવાની વ્યવસ્થા કરી અને હવે આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.