Get The App

UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ 1 - image


BJP MLA Shyam Bihari lal Passed Away: ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. શ્યામ બિહારી લાલનું આજે(2 જાન્યુઆરી) હૃદયરોગના હુમલાથી અવસાન થયું. ડૉ. શ્યામ બિહારી પશુધન મંત્રી ધર્મપાલ સિંહ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. બેઠક બાદ બપોરે લગભગ 2:15 વાગ્યે અચાનક તેમની તબિયત લથડી ગઈ.

શ્વાસ લેવામાં તકલીફને કારણે તેઓ સર્કિટ હાઉસમાં સૂઈ ગયા. જ્યારે તેમને કોઈ રાહત ન મળી, ત્યારે તાત્કાલિક તેમને પીલીભીત બાયપાસ પરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. જોકે, તેમની તબિયત સતત બગડતી રહી અને બપોરે 3 વાગ્યા આસપાસ તેમનું અવસાન થયું. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં તેમને બચાવી ન શકાયા.

આ પણ વાંચો: '2 લાખ આપી છટકશો નહીં, માફી માગો...', ઈન્દોર મામલે ઉમા ભારતીએ ભાજપ સરકારને ઝાટકી

ડૉ. શ્યામ બિહારી બીજી વખત ફરીદપુરથી ધારાસભ્ય બન્યા હતા. તેમણે ગઈકાલે એટલે કે 1 જાન્યુઆરીએ સમર્થકો સાથે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમના મૃત્યુના સમાચારથી હોસ્પિટલ અને નિવાસસ્થાને મોટી ભીડ સાથે શોકનો માહોલ છવાઈ ગયો. તેમના પરિવારમાં તેમની પત્ની મંજુ લતા, એક પુત્ર અને બે પુત્રીઓ છે.