અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી
Unseasonal rain India : ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ
વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે દિલ્હીમાં 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરી છે. દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ, હાપુડમાં વરસાદ ત્રાટક્યો હતો. દિલ્હીમાં ભારે પવન અને વરસાદમાં વીજળી પડવાની સંભાવનાના કારણે તંત્રએ લોકોએ વૃક્ષ તથા વીજળીના થાંભલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
કાળ બનીને આવી મેઘ સવારી
IMDએ ભારતના 20 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ પડ્યો હતો. ઉત્તર પ્રદેશના 25 જેટલા જિલ્લામાં વરસાદ ત્રાટક્યો, જોકે ઉનાળામાં મેઘ સવારી લોકો માટે કાળ બનીને આવી. વીજળી પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં કુલ 6 લોકોના મોત થયા છે. બીજી તરફ બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાના કારણે 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. બિહારના 32 જિલ્લામાં આજે પણ યલો ઍલર્ટ આપવામાં આવ્યું હતું.
અનેક રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી
એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં લૂની સાથે સાથે અમુક જિલ્લામાં વરસાદ પણ પડ્યો છે. આગામી બે દિવસમાં ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડમાં પણ વરસાદ તથા કરા પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.