India

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

By GS TEAM
26 Dec 20254 mins read
TukuTouch Logo
ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. હવે CBIએ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહ સેંગરની મુશ્કેલી વધી, CBIએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

Unnao Rape Case: ઉન્નાવ રેપ કેસમાં દોષિત કુલદીપ સિંહ સેંગરની સજા સસ્પેન્ડ કરીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ CBIએ મોટો નિર્ણય લીધો છે. હવે CBIએ દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી સ્પેશિયલ લીવ પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. આ SLP દિલ્હી હાઈકોર્ટના આરોપી કુલદીપ સિંહ સેંગરની સજાને સ્થગિત કરવાના અને તેને જામીન આપવાના આદેશને પડકારે છે.

શું હતો દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય?

દિલ્હી હાઈકોર્ટે 23 ડિસેમ્બરે નીચલી કોર્ટ દ્વારા સેંગરને આપવામાં આવેલી આજીવન કેદની સજા પર રોક લગાવી હતી અને શરતી જામીન મંજૂર કર્યા હતા કોર્ટે 15 લાખ રૂપિયાના અંગત બોન્ડ પર આ રાહત આપી હતી. અપીલનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેની સજા સ્થગિત કરી, જે ચોક્કસ શરતોને આધીન હતી. દિલ્હી હાઈકોર્ટે કુલદીપ સિંહ સેંગરને પીડિતાના ઘરના 5 કિલોમીટરના દાયરામાં ન જવા અને પીડિતા કે તેની માતાને ધમકીએ ન મળે તેવી ખાતરી કરી જામીન આપ્યા હતા. કહ્યું હતું કે શરતોનું ઉલ્લંઘન થશે તો જામીન આપમેળે રદ થઈ જશે. જો કે કુલદીપ સિંહ સેંગર જેલમાં રહે છે કારણ કે CBIએ તેને પહેલાથી જ એક અલગ કેસમાં હત્યાના ગુનામાં 10 વર્ષની જેલની સજા ફટકારી છે. નોંધનીય છે કે દિલ્હી હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કર્યા પછી, CBIએ 26 ડિસેમ્બર, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી છે.


પીડિતાને ન્યાય અપાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા: CBI

CBIનું કહેવું છે કે, આ મામલો ખુબ જ ગંભીર છે અને તેમાં પીડિતાને ન્યાય અપાવવો સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આરોપીની અપીલ અને જામીન અરજીને દિલ્હી હાઈકોર્ટમાં CBI અને પીડિતાના પરિવારોએ આકરો વિરોધ કર્યો હતો. CBIએ સમય રહેતા પોતાનો જવાબ અને લેખિત દલીલો પણ કોર્ટમાં દાખલ કરી હતી. તેઓ પીડિતાના પરિવારે પણ જામીનનો વિરોધ કરતા સુરક્ષાને લઈને ગંભીર આશંકાઓ અને ધમકીઓનો હવાલો આપ્યો હતો. છતાં પણ કુલદીપ સિંહ સેંગરની સજાને સ્થગિત કરવાના અને તેને જામીન આપવાનો આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતા મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

સેંગરના જામીન પર રાહુલ ગાંધીના પ્રહાર

ઉન્નાવ ગેંગરેપ કેસમાં પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન મળતા પીડિતાનો પરિવાર નારાજ થયો છે. આ સ્થિતિ વચ્ચે પીડિતાએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Sengar)ને મળેલી જામીન પર આકરી પ્રતિક્રિયા આપતા તેને શરમજનક અને નિરાશાજનક ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી સવાલ ઉઠાવ્યો હતો કે, ‘જ્યારે પીડિતા ભયના ઓથાર હેઠળ જીવી રહી હોય ત્યારે દુષ્કર્મીઓને જામીન આપવા એ કેવો ન્યાય છે?’ અગાઉ ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહેલી પીડિતાની માતાને સુરક્ષાદળો દ્વારા હટાવવાની ઘટનાની પણ તેમણે આકરી ટીકા કરી હતી.


પીડિતા અને પરિવારની ત્રણ મુખ્ય માંગણીઓ

1... સેંગર સામે સુપ્રીમ કોર્ટમાં મજબૂત કાયદાકીય લડત લડવા માટે પીડિતાએ એક અનુભવી વકીલની માંગ કરી છે. રાહુલ ગાંધીએ આ બાબતે સંપૂર્ણ મદદની ખાતરી આપી છે.

2... પરિવાર પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, તેથી તેમણે કોઈ કોંગ્રેસ શાસિત રાજ્યમાં શિફ્ટ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

3... પીડિતાના પતિએ આર્થિક સ્થિતિ સુધારવા માટે રોજગારની માંગ કરી છે, જેના પર રાહુલ ગાંધીએ યોગ્ય પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે.

કોર્ટમાં ગઈ, પણ મને લાચારીનો અનુભવ થયો...

દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા પીડિતાએ કહ્યું કે, 'હું હાઇકોર્ટ ગઈ. ચુકાદો સાંભળતી વખતે મેં વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ મારું કોણ સાંભળે? આખી ચર્ચા અંગ્રેજીમાં થઈ. જો ચર્ચા હિન્દીમાં હોત, તો કદાચ હું પૂછી શકી હોત કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. હવે મને સમજાયું કે સામાન્ય લોકો, ખાસ કરીને ગરીબ અને પીડિત મહિલાઓ માટે ન્યાય કેટલો જટિલ બની ગયો છે. ચુકાદા પછી હું સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હું એટલી દુઃખી હતી કે મને આપઘાત કરવાનું મન થયું. પણ પછી મેં મારા બાળકો તરફ જોયું અને મારા પરિવાર વિશે વિચાર્યું. મૃત્યુ ન્યાય નહીં આપે, જો ભગવાને મને જીવતી રાખી છે, તો કદાચ સંઘર્ષ માટે રાખી છે. મારો સીધો સવાલ છે કે, જો આવા જઘન્ય ગુનાના આરોપીને જામીન મળી શકે તો પીડિત અને સાક્ષીઓ કેવી રીતે સુરક્ષિત રહેશે?'

સુરક્ષા દૂર કરવાનો આરોપ

આ વિશે વધુમાં પીડિતાએ આરોપ લગાવ્યો કે, જામીનની પ્રક્રિયા દરમિયાન અને ત્યારબાદ મારા પરિવાર, વકીલો અને સાક્ષીઓની સુરક્ષા ધીમે ધીમે પાછી ખેંચી લેવામાં આવી. મારા કાકાના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ પછી અમારા સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. અમે પોલીસ અને કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરી હતી, પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. જ્યારે આરોપી પ્રભાવશાળી હોય છે, ત્યારે ડર ફક્ત જેલમાંથી બહાર નીકળવાનો જ નહીં, પરંતુ તેના સમર્થકો અને નેટવર્કનો પણ હોય છે.

આજે મારી સાથે થયું, કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે

ભવિષ્ય વિશે વાત કરતી વખતે પીડિતાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે કહ્યું કે, 'આજે મારી સાથે આવું થયું. કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે છે, મારા દીકરા સાથે પણ આવું થઈ શકે છે. હું એક માતા છું, મેં એ સહન કર્યું છે. પણ મારી દીકરી એ કેવી રીતે સહન કરશે? આ ચુકાદાથી ફક્ત હું જ નહીં, પરંતુ ન્યાયની આશા સાથે જીવતી દરેક દીકરી ડરી ગઈ છે.'