ઉન્નાવ દુષ્કર્મ કેસમાં પૂર્વ ધારાસભ્યને હાઈકોર્ટની રાહત, સજા પર રોક અને જામીન પણ મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Uttar Pradesh Unnao Case: ઉત્તર પ્રદેશના બહુચર્ચિત ઉન્નાવ દુષ્કર્મ કેસમાં જેલમાં સજા કાપી રહેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે તેની આજીવન કેદની સજા પર વચગાળાની રોક લગાવી દીધી છે અને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ સેંગર દ્વારા સજા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલના નિકાલ સુધી અમલમાં રહેશે.
જામીન માટેની કડક શરતો
હાઈકોર્ટે સેંગરને જામીન આપવાની સાથે કેટલીક અત્યંત કડક શરતો પણ લાદી છે, જેનું ઉલ્લંઘન થતા જામીન રદ થઈ શકે છે. જેમાં 15 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ અને તેટલી જ રકમના ત્રણ જામીન રજૂ કરવાના રહેશે. કુલદીપ સેંગર પીડિતા અને તેના પરિવારથી ઓછામાં ઓછા 5 કિલોમીટરના દાયરામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાની રહેશે અને પોતાનો પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવો પડશે. પીડિતા કે તેના પરિવાર સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક કરવા કે તેમને ધમકાવવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કેન્દ્રીય મંત્રીએ છાતી ઠોકીને ભ્રષ્ટાચારની સલાહ આપી, MP-MLAને કહ્યું- 5, 10 ટકા કમિશન લો
શું હતો આખો મામલો?
ઉન્નાવ દુષ્કર્મ કેસ એ દેશના સૌથી ચર્ચિત ગુનાહિત કેસોમાંનો એક રહ્યો છે, જેણે સમગ્ર દેશની ન્યાય વ્યવસ્થા અને રાજકારણને હચમચાવી દીધું હતું. ઉન્નાવની એક સગીરાએ તત્કાલીન ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર પર દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવ્યો હતો. પીડિતાએ ન્યાય માટે મુખ્યમંત્રી આવાસની બહાર આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પીડિતાના પિતાનું પોલીસ કસ્ટડીમાં મોત અને પીડિતાની કારનો રહસ્યમય અકસ્માત થતા મામલો વધુ ગંભીર બન્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશથી કેસ દિલ્હી ટ્રાન્સફર કરાયો હતો. દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને દોષિત ઠેરવી આજીવન કેદ અને 25 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી.
કુલદીપ સિંહ સેંગરે નીચલી કોર્ટના આજીવન કેદના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જ્યાં સુધી હાઈકોર્ટ આ અપીલ પર અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી સેંગરની સજા સસ્પેન્ડ (મોકૂફ) રહેશે. આનો અર્થ એ છે કે સેંગર હવે જેલની બહાર રહી શકશે, પરંતુ તે નિર્દોષ છૂટ્યા નથી; માત્ર તેમની સજા પર અપીલના નિકાલ સુધી રોક લાગી છે.








