Get The App

'...ગેરેન્ટી આપી રહ્યો છું, 7 દિવસમાં દેશમાં લાગુ થશે CAA', બંગાળમાં મોદી સરકારના મંત્રીનો હુંકાર

શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા

Updated: Jan 29th, 2024

GS TEAM

Google News
Google News
'...ગેરેન્ટી આપી રહ્યો છું, 7 દિવસમાં દેશમાં લાગુ થશે CAA', બંગાળમાં મોદી સરકારના મંત્રીનો હુંકાર 1 - image

image : Facebook




Citizenship Amendment Act news | કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દાવો કર્યો છે કે આગામી એક અઠવાડિયામાં દેશભરમાં નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ થઈ જશે. તેમણે કહ્યું કે હું મંચ પરથી ગેરન્ટી આપી રહ્યો છું કે આગામી 7 દિવસમાં CAA માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા. 

ગત વર્ષે ગૃહમંત્રીએ પણ CAAને દેશનો કાયદો ગણાવ્યો હતો 

ગત વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકતા સુધારા કાયદા (CAA) ને 'દેશનો કાયદો' ગણાવતાં કહ્યું હતું કે તેને અમલમાં લાવતા કોઈ રોકી નહીં શકે. આ દરમિયાન અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીએએ વિશે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મમતા બેનર્જીએ ભેદભાવનો મૂક્યો હતો આરોપ 

ગૃહમંત્રી શાહના નિવેદન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપતાં આરોપ મૂક્યો હતો કે કેન્દ્ર સરકાર દેશના લોકોને વિભાજિત કરવા માંગે છે. પહેલાં, નાગરિકતા કાર્ડ જિલ્લા મેજિસ્ટ્રેટની જવાબદારી હતી, પરંતુ હવે તે માત્ર રાજકારણ માટે છીનવાઈ ગયા છે. આ લોકો દેશના નાગરિકોને વિભાજિત કરવા માંગે છે. તેઓ કેટલાક ચોક્કસ લોકોને નાગરિકતા આપવા માંગે છે અને અન્ય સમુદાયના લોકો સાથે ભેદભાવ કરી રહ્યા છે. જો કોઈ એક સમુદાયને નાગરિકતા મળી રહી છે તો બીજા સમુદાયને પણ મળવી જોઈએ. આ ભેદભાવ ખોટો છે.

કાયદો 2019માં પસાર થયો હતો

ખરેખર તો આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારનો ભોગ બનેલા બિન-મુસ્લિમો (હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરાઈ છે.  CAA કાયદાને ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા મંજૂરી મળી ગઇ હતી. આ કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશભરમાં મોટાપાયે દેખાવો થયા હતા. 

'...ગેરેન્ટી આપી રહ્યો છું, 7 દિવસમાં દેશમાં લાગુ થશે CAA', બંગાળમાં મોદી સરકારના મંત્રીનો હુંકાર 2 - image

Tags :