'દાદાગીરી કરી રહ્યા છે કારણ કે તેમની પાસે...', ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગડકરીનું નિવેદન
Union Minister Nitin Gadkari On Terrif: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, 'જે દેશો આજે દુનિયામાં પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે. તે આર્થિક રીતે મજબૂત હોવાથી આવું કરી શકે છે. તે દેશો પાસે ટેકનોલોજી પણ છે. જો આપણે ભારતની વિશ્વ ગુરુની છબીને આગળ ધપાવવી હોય, તો આપણે પણ ટેકનોલોજી અને આર્થિક ક્ષેત્રે મજબૂત બનવું પડશે.'
કેન્દ્રીય મંત્રીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના પર ભાર મૂક્યો
નાગપુરમાં વિશ્વેશ્વરાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આયાત ઘટાડવા અને નિકાસ વધારવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, 'જો આપણી નિકાસ અને અર્થતંત્ર ઝડપી દરે વૃદ્ધિ પામે છે, તો મને નથી લાગતું કે આપણે કોઈની પાસે જવાની જરૂર પડશે. જે લોકો દાદાગીરી કરી રહ્યા છે, કારણ કે,તે આર્થિક રીતે મજબૂત છે અને તેની પાસે ટેકનોલોજી છે.'
કોઈને ધમકાવવા આપણી સંસ્કૃતિમાં નથી: નીતિન ગડકરી
ભારતની સંસ્કૃતિ અને વિશ્વ ભાઈચારાની ભાવના પર ભાર મૂકતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે. 'આજે જો આપણે આર્થિક રીતે મજબૂત બનીશું અને ટેકનોલોજીમાં પણ આગળ વધીશું, તો પછી પણ આપણે કોઈને ધમકાવીશું નહીં કારણ કે આ આપણી સંસ્કૃતિમાં નથી. આપણી સંસ્કૃતિ આપણને શીખવે છે કે વિશ્વનું કલ્યાણ સૌથી મહત્ત્વપૂર્ણ છે.'
ટેકનોલોજી અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, 'આજે દુનિયાની બધી સમસ્યાઓનો ઉકેલ વિજ્ઞાન, ટેકનોલોજી અને જ્ઞાન છે. જો આપણે આ ત્રણ બાબતોનો ઉપયોગ કરીશું, તો આપણે ક્યારેય દુનિયા સામે જુકવું નહીં પડે. રિસર્ચ સેન્ટર, આઈઆઈટી અને એન્જિનિયરિંગ કોલેજોએ દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંશોધન કરવું જોઈએ. બધા જિલ્લાઓ, રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ બાબતો છે. આપણે તે બધાને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. જો આપણે આ રીતે સતત કામ કરીશું, તો આપણા દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ત્રણ ગણો વધી જશે.