સોનપ્રયાગથી કેદારનાથ સુધી રોપ-વે બનશે, 9 કલાકની મુસાફરી 36 મિનિટમાં પૂર્ણ થશે, કેબિનેટે આપી મંજૂરી
Kedarnath Ropeway Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ રોપવે પ્રોજેક્ટ પર આશરે 4081 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રોપવે વિકાસ કાર્યક્રમની પર્વતમાલા પરિયોજના હેઠળ ઉત્તરાખંડમાં સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમી લાંબી રોપવે પરિયોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો યાત્રાળુઓને થશે. જે યાત્રા પૂરી કરતાં હાલ આઠથી નવ કલાકનો સમય લાગે છે, તે આ રોપવે બન્યા બાદ ઘટી 36 મિનિટ થશે. જેમાં 36 લોકોને બેસવાની ક્ષમતા હશે.
રૂ. 4081 કરોડનો ખર્ચ થશે
કેન્દ્ર સરકાર કેદારનાથ રોપવે પરિયોજનાને મંજૂરી મળી છે. આ રોપવેની ડિઝાઇન, નિર્માણ, નાણાં, સંચાલન અને હસ્તાંતરણ (ડીબીએફઓટી) મોડ પર વિકસિત કરશે. આ રોપવે જાહેર અને ખાનગી પાર્ટનરશીપમાં વિકસિત કરવાની યોજના છે. તે સૌથી ઉન્નત ટ્રાઇ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3એસ) ટૅક્નોલૉજી પર આધારિત છે. તેની ડિઝાઇન ક્ષમતા 1800 પેસેન્જર પ્રતિ કલાક પ્રતિ દિશા (પીપીએચપીડી) રહેશે. રોજિંદા 18,000 યાત્રાળુઓ રોપવે મારફત દર્શનનો લાભ લઈ શકશે. તેનું નિર્માણ અને સંચાલન આખા વર્ષ દરમિયાન મહેમાનગતિ, પ્રવાસ, ભોજન, પાણી અને યાત્રા સંબંધિત ક્ષેત્રોને વેગ આપતાં ટુરિઝમ સેક્ટરમાં રોજગારની તકો ઊભી કરશે.
આ પણ વાંચોઃ રિલાયન્સને સરકારે ફટકારી 24500 કરોડની ડિમાન્ડ નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
રોપવે પરિયોજનાનો વિકાસ સંતુલિત સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા, પહાડી ક્ષેત્રોમાં કનેક્ટિવિટી વધારવા તેમજ આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. કેદારનાથ મંદિરની યાત્રા ગૌરીકુંડથી 16 કિમીની પડકારજનક ચડાઈ છે. હાલ પગપાળા, ટટ્ટુ, પાલકી કે હેલિકોપ્ટર મારફત આ યાત્રા થઈ શકે છે.
કેદારનાથ ઉત્તરાખંડ રાજ્યના રૂદ્રપ્રયાગ જિલ્લામાં 3583 મીટર(11968 ફૂટ)ની ઊંચાઈ પર સ્થિત 12 પવિત્ર જ્યોતિર્લિંગો પૈકી એક છે. આ મંદિર અક્ષય તૃતિયા(એપ્રિલ-મે)થી દિવાળી સુધી વર્ષમાં 6થી 7 મહિના તીર્થયાત્રીઓ માટે ખુલ્લું રહે છે. આ સિઝનમાં વાર્ષિક 20 લાખ તીર્થયાત્રીઓ અહીં મુલાકાત લે છે.