કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો, કોટા-બુંદી એરપોર્ટ અને કટક-ભુવનેશ્વરમાં 6 લેન રિંગ રોડને મંજૂરી
Union Cabinet Decisions: કેન્દ્રીય મંત્રીમંડળની મંગળવારે યોજાયેલી બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજસ્થાનના કોટા-બુંદીમાં 1507 કરોડ રૂપિયાના ખર્ચે નવું ગ્રીન ફીલ્ડ એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશાના કટક અને ભુવનેશ્વરમાં 6 લેન એક્સેસ-કંટ્રોલ્ડ રિંગ રોડના નિર્માણને પણ મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પર 8,307 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે કુલ 9,814 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે મંત્રીમંડળમાં લેવાયેલા આ નિર્ણયો વિશે માહિતી આપી છે.
કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગ બિલને આપી મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મંગળવારે યોજાયેલી બેઠકમાં ઓનલાઇન ગેમિંગ બિલને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં ઓનલાઇન ગેમિંગને દંડનીય અપરાધ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. લોકસભામાં બુધવારે આ બિલ રજૂ કરવામાં આવશે. ઓનલાઇન ગેમિંગ બિલ મારફત ઓનલાઇન ગેમિંગને રેગ્યુલેટ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે, આ પગલાંથી તમામ લિસ્ટેડ અને અન-લિસ્ટેડ કંપનીઓ પર ફોકસ કરતાં ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાં પારદર્શિતા અને નિયંત્રણ વધશે.