Budget 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા બજેટ (2025-26)માં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્ય માટે છપ્પરફાડ જાહેરાત કરી છે. રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, જ્યારે કેન્દ્રમાં પણ મોદી સરકાર નીતિશ કુમાર અને ચંદ્રબાબૂ નાયડૂના સમર્થન પર ચાલી રહી છે. કેન્દ્રીય બજેટ 2025 દ્વારા મોદી સરકારે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. બિહારમાં વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. બજેટમાં બિહારને ખાસ ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક રાજકીય સંદેશ પણ આપી દીધો છે. સૂત્રોના અનુસાર, ભાજપ બિહારમાં પોતાનું વર્ચસ્વ વધારવા અને JDUના વર્ચસ્વને ઘટાડવાના પ્રયાસ કરી રહ્યું છે. બિહારમાં ભાજપ આગામી ચૂંટણીને વર્ચસ્વની લડાઈ તરીકે જોઈ રહ્યું છે. ભાજપની નજર નીતિશ કુમારની ખુરશી પર છે અને મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારની વિદાય નિશ્ચિત હોવાનું મનાઈ રહ્યું છે.
1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરવા આવ્યા તો તેમના વસ્ત્રોથી જ સંકેત મળી ગયા હતા કે બિહારને કંઈક બંપર મળવાનું છે. નાણામંત્રીએ જે સાડી પહેરી હતી તે પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત હસ્તકલા વિશેષજ્ઞ દુલારી દેવીએ બનાવી હતી. આ સાટીમાં મધુબની પેન્ટિંગની ઝલક જોવા મળી રહી હતી.
શું નીતિશ કુમારની વિદાય નક્કી?
આ બજેટને બિહારના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ વિપક્ષે આને આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી રણનીતિ ગણાવ્યું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, એવું લાગે છે કે બિહારને જાહેરાતોનો ખજાનો મળી ગયો છે. એ સ્વાભાવિક છે કારણ કે વર્ષના અંતિમાં ત્યાં ચૂંટણી થવાની છે. તો બીજી તરફ સૂત્રો દ્વારા દાવો કરાઈ છે કે, કેન્દ્ર સરકારે બિહારને દિલ ખોલીને બજેટ ફાળવ્યું છે. તેનો મતલબ છે કે નીતિશ કુમારની વિદાય નક્કી છે. સૂત્રો દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે, બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના મુખ્યમંત્રી ચહેરો હોઈ શકે છે. પરંતુ નીતિશ કુમાર ગમે તે ઘડીએ પોતાના પાસા ફેંકીને બાજી બગાડી શકે છે. જો કે, એ સ્પષ્ટ છે કે, ભાજપને બિહારમાં 70થી વધુ બેઠકો પર મોટો દાવ ખેલ્યો છે.

70થી વધુ બેઠકો માટે ભાજપનો મોટો દાવ?
બિહારમાં મખાના બોર્ડની સ્થાપનાની જાહેરાત કારઈ છે. બિહાર મખાનાનું સૌથી મોટું ઉત્પાદક છે. તેની ખેતી મલ્લાહ સમાજ વધુ પ્રમાણમાં કરે છે. બિહારમાં મલ્લાહની વસ્તી 2.6 ટકા છે. મખાના બોર્ડથી મલ્લાહ સમાજનો વિકાસ થશે.
2020ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મુકેશ સહનીની પાર્ટી વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ને 11 બેઠકો આપી, જે ખુદને 'મલ્લાહ કા બેટા' કહે છે. તેની પાછળનું કારણ ભાજપને જેડીયૂની 115 બેઠકોના મુકાબલે માત્ર 110 બેઠકો પર સંતોષ મેળવવો પડ્યો.
VIPએ ત્રણ વિધાનસભા ક્ષેત્રોમાં જીત મેળવી, પરંતુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેઓ પોતાના મતને ભાજપમાં ભેળવવામાં સફળ રહ્યાં, જેનાથી પાર્ટીને 74 બેઠકોમાં મદદ મળી. JDUને 43 બેઠકો મળી. બાદમાં લોક જનશક્તિ પાર્ટી (LJP) તરફથી JDU વિરૂદ્ધ ઉમેદવાર ઉભા રાખવામાં આવતા પાર્ટીને નુકસાન થયું. જો કે, બાદમાં સહનીના ધારાસભ્ય ભાજપમાં ચાલ્યા ગયા અને બંને પક્ષો વચ્ચે સંબંધો ખરાબ થઈ ગયા. ત્યારથી VIP RJD સાથે છે. મખાના સંબંધિત જાહેરાતોની સાથે NDA હવે આ આશા પર કાયમ રહેશે કે તેઓ મલ્લાહો પર સહનીના પ્રભાવને આગામી ચૂંટણીમાં ઓછો કરશે.

મખાના ફેક્ટર અને વોટર
બિહારના મિથિલાંચલ (મધુબની, દરભંગા), મુઝફ્ફરપુર, વૈશાલી અને ખગડિયા સહિત ઉત્તર બિહારના અનેક વિસ્તારોમાં મલ્લાહના મતદારોનો જબરદસ્ત પ્રભાવ છે. બજેટમાં મખાના ફેક્ટર આ વિસ્તારોમાં કામ કરી શકે છે. બિહારમાં નિષાદ સમુદાયના 14 ટકા મત છે, ત્યારે બીજી પાર્ટીઓનું અનુમાન છે કે આ 7 ટકા આસપાસ છે.
જ્યારે એક્સપર્ટ્સ માની રહ્યા છે કે કેન્દ્ર સરકારે બિહારને મોટી ભેટ આપીને લોકસભા ચૂંટણી બાદ મળેલા જેડીયૂના સમર્થનનું ઉધાર ચૂકવ્યું છે. ગત વર્ષ જુલાઈમાં રજૂ થયેલા પહેલા બજેટમાં પણ બિહારને અનેક ભેટ મળી હતી. બિહાર માટે આ વખતે મોદી સરકારે અનેક મોટી જાહેરાત કીર છે. જેમાં નાણામંત્રીએ રાજ્યના ખેડૂતો માટે મખાના બોર્ડની રચના કરી છે, પટના એરપોર્ટનો વિસ્તાર કરવાની પણ જાહેરાત કરી છે. આ સાથે પટના આઈઆઈટીના વિસ્તારની જાહેરાત કરાઈ છે. કોસી નહેર યોજના, ભારતીય ભાષા પુસ્તક યોજના, નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજીના નિર્માણ સહિતની અન્ય જાહેરાતો સામેલ છે.

બિહાર માટે વધુ બજેટ ફાળવવા પાછળનું શું છે કારણ?
ગત વર્ષ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતૃત્વ હેઠળના NDAએ 400 થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ ચૂંટણી પરિણામો સમયે ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો પણ પાર કરી શક્યું ન હતું. ભાજપને 240 બેઠકો મળી, ત્યારબાદ તે JDU અને TDP ની મદદથી કેન્દ્રમાં સરકાર બનાવી શક્યું. આવી સ્થિતિમાં, એ નિશ્ચિત માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર બજેટમાં બિહાર અંગે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. ગયા વર્ષે પણ, સામાન્ય ચૂંટણીઓ પછી રજૂ કરાયેલા બજેટમાં બિહાર માટે ઘણા મોટા પગલાંની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. 60,000 કરોડથી વધુનો ખર્ચ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. આમાં ત્રણ એક્સપ્રેસવે પ્રોજેક્ટ્સ, એક પાવર પ્લાન્ટ, હેરિટેજ કોરિડોર અને નવા એરપોર્ટ અને રમતગમતના માળખા માટે ભંડોળનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહાર વિધાનસભાની ચૂંટણી પણ આ વર્ષના અંતમાં યોજાવાની છે. હાલમાં રાજ્યમાં JDU, ભાજપ વગેરેની બનેલી એનડીએ સરકાર છે. ભલે ભાજપ બિહારમાં JDU ને આગળ રાખે છે, પરંતુ આ વખતે પણ તે ગયા વખતની જેમ મહત્તમ બેઠકો જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ વિધાનસભા ચૂંટણીની અસર બજેટ પર પણ જોવા મળી રહી છે અને કેન્દ્ર સરકારે બિહારને ઘણી ભેટો આપી છે.
બજેટમાં બિહાર માટે પાંચ મોટા એલાન
1) મખાના બોર્ડની રચના
નાણામંત્રીએ બિહારમાં મખાનાની ખેતી કરી રહેલા ખેડૂતો માટે મખાના બોર્ડ બનાવવાની જાહેરાત કરી છે. મખાના બોર્ડની રચનાથી બિહારના ખેડૂતોને મખાનાની ખેતીમાં મદદ મળશે. તેનાથી તેમની આવક વધશે અને રોજગારીના નવા અવસર મળી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 'બિહારમાં મખાના બોર્ડની રચના કરાશે. મખાનાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આ કાર્યમાં રોકાયેલા લોકોને FPO તરીકે સંગઠિત કરવામાં આવશે. બોર્ડ મખાનાના ખેડૂતોને સહાય અને તાલીમ સહાય પૂરી પાડશે અને તેમને તમામ સંબંધિત સરકારી યોજનાઓનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ કામ કરશે.'
તમને જણાવી દઈએ કે, મખાનાનું ઉત્પાદન બિહારના દરભંગા, મધુબની, સમસ્તીપુર, સુપૌલ, સીતામઢી જિલ્લામાં થાય છે.
2) બિહારને મળશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ અને બિહટામાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહારમાં એરપોર્ટ સેવાઓના વિસ્તરણની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે, 'ઉડાન યોજના હેઠળ દેશમાં 120 નવા સ્થળોને હવાઈ સેવાઓ સાથે જોડવામાં આવશે.'
નાણામંત્રીએ બિહારમાં હવાઈ સેવાઓનો વિસ્તાર કરવા માટે ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણની જાહેરાત કરી છે. આ ઉપરાંત, નિર્મલા સીતારમણે પટના એરપોર્ટની ક્ષમતામાં વ્યાપક વિસ્તરણની જાહેરાત કરી છે. આ ઉપરાંત, બિહટામાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટ બનાવવામાં આવશે. JDUએ કેન્દ્ર સરકાર પાસે બિહારમાં એરપોર્ટની માંગણી કરી હતી.
3) IIT પટનાની ક્ષમતાનો વિસ્તાર કરાશે
બિહારમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટી જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 'IIT ની ક્ષમતા વધારવાની દિશામાં પટનામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ની ક્ષમતા વધારવામાં આવશે. આમાં દેશના પાંચ IIT માં વધારાના 6,500 વિદ્યાર્થીઓને સમાવવા માટે માળખાગત સુવિધાઓ ઉમેરવાનો સમાવેશ થાય છે.'
4) ફૂડ પ્રોસેસિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના
નાણામંત્રીએ બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 'આનાથી પ્રદેશમાં ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.'
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું, 'પૂર્વોદય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અનુસાર, અમે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સ્થાપીશું. આ સંસ્થા સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ફૂડ પ્રોસેસિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. આ પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.'
- ખેડૂતોની આવક વધશે કારણ કે તેમના ઉત્પાદનમાં મૂલ્યવર્ધન થશે.
- યુવાનોને કૌશલ્ય, ઉદ્યોગસાહસિકતા અને રોજગારની તકો મળશે.
5) મિથિલાંચલમાં પશ્ચિમ કોશી નહેર પ્રોજેક્ટ
નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહાર માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે સતત પૂરની ભયાનકતાનો સામનો કરી રહ્યું છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 'પશ્ચિમી કોશી નહેર ERM પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, જેનાથી બિહારના મિથિલા ક્ષેત્રમાં 50,000 હેક્ટરથી વધુ જમીન પર ખેતી કરતા ખેડૂતોને મોટી સંખ્યામાં લાભ થશે.'
તમને જણાવી દઈએ કે, બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી છે. બિહારમાં, ભાજપ નીતિશ કુમારના જનતા દળ યુનાઇટેડ સાથે સત્તામાં છે. નીતિશ કુમાર પણ કેન્દ્રમાં એનડીએ સરકારને ટેકો આપી રહ્યા છે.
નીતિશ કુમારે બજેટના કર્યા વખાણ
નીતિશ કુમારે કહ્યું કે, બજેટમાં બિહાર માટે જે જાહેરાતો કરાઈ છે, તેનાથી બિહારના વિકાસને વધુ ગતિ મળશે. મખાનાના ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે મખાના બોર્ડની સ્થાપનાથી મખાનાના ખેડૂતોને લાભ મળશે. રાજ્યના ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બિહારમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટની સુવિધા ઉપલબ્ધ થવાથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની સંખ્યા વધશે, જેનાથી અહીંના લોકોને ઘણો ફાયદો થશે, સાથે જ રાજ્યના આર્થિક વિકાસને પણ ગતિ મળશે.


