પયગંબર મોહમ્મદ મુદ્દે ટિપ્પણીઓ પર સંયુક્ત રાષ્ટ્રએ કહ્યુ - 'અમે તમામ ધર્મોનુ સન્માન કરીએ છીએ'
- પયગંબર મોહમ્મદના વિરોધમાં વિવાદિત ટિપ્પણીઓનો ઘણા મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો છે
નવી દિલ્હી, તા. 07 જૂન 2022, મંગળવાર
પયગંબર મોહમ્મદ (Prophet Mohammad) પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓની વિવાદિત ટિપ્પણીઓને લઈને અનેક મુસ્લિમ દેશોની તીખી પ્રતિક્રિયા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના એક પ્રવક્તાએ કહ્યું કે, આતંરરાષ્ટ્રીય સંગઠન બધા ધર્મો પ્રત્યે સમ્માન અને સહિષ્ણુતાને દ્રઢતા સાથે પ્રોત્સાહિત કરે છે. પાકિસ્તાનના એક પત્રકારે પયગંબર મોહમ્મદની સામે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા (Nupur Sharma) અને પાર્ટીના દિલ્હી એકમના મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલ(Naveen Kumar Jindal) દ્વારા કરવનામાં આવેલી ટિપ્પણીઓની અનેક મુસ્લિમ દેશો તરફથી કરવામાં આવેલી નિંદાથી લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું હતું તેના જવાબમાં તેના પ્રવક્તા સ્ટીફન દુજારિકે (Stephane Dujarric) આ નિવેદન આપ્યું હતું.
દુજારિકે સોમવારે પોતાની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “મેં આનાથી સંબંધિત સમાચાર જોયા છે. મેં ટિપ્પણીઓ પણ જોઈ છે. હું તમને કહી શકું છું કે, આપણે બધા ધર્મો પ્રત્યે સમ્માન અને સહિષ્ણુતાના ભાવને દ્રઢતાથી પ્રોત્સાહિત કરીએ છીએ.
પયગંબર મોહમ્મદના વિરોધમાં વિવાદિત ટિપ્પણીઓનો ઘણા મુસ્લિમ દેશોએ વિરોધ કર્યો છે આ દરમિયાન ભાજપે રવિવારે શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા અને જિંદાલને હાંકી કાઢ્યા હતા.
આ પહેલા કતર (Qatar), ઈરાન (Iran)અને કુવૈત (Kuwait)એ પયગંબર મોહમ્મદ વિશે ભાજપ નેતાની વિવાદિત ટિપ્પણીઓને લઈને રવિવારે ભારતીય રાજદૂતોને મળ્યા હતા. ખાડી ક્ષત્રોના મહત્વપૂર્ણ દેશોએ આ ટિપ્પણીઓની નિંદા કરતા વાંધો ઉઠાવ્યો હતો.
ટિપ્પણીઓને લઈને મુસ્લિમ સમુદાયના વિરોધ વચ્ચે ભાજપે એક રીતે બંને નેતાઓના નિવેદનોને દૂર કરતા કહ્યું કે, તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે અને તેમને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સ્વીકાર્ય નથી.
ઈન્ડોનેશિયા, સાઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત (UAE), બહરીન અને અફઘાનિસ્તાન પણ તે દેશોમાં સામેલ થઈ ગયા જેમણે પયગંબર મોહમ્મદની વિરુદ્ધમાં વિવાદિત ટિપ્પણીઓની નિંદા કરી અને બધી ધાર્મિક આસ્થાઓનું સમ્માન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.