ભારતમાં બ્રિટનથી આવશે મિસાઇલો, UK PMની હાજરીમાં 3884 કરોડની ડીલને મંજૂરી

India-UK Defense Partnership: મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર વચ્ચે દ્વિપક્ષીય બેઠક દરમિયાન ભારત અને યુકેએ 46.8 કરોડ ડૉલર(આશરે રૂ. 3884 કરોડ)ની મોટી સંરક્ષણ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ, બ્રિટન ભારતીય સેનાને લાઇટવેઇટ મલ્ટી-રોલ મિસાઇલ (LMMR) પ્રદાન કરશે. આ મિસાઇલનું ઉત્પાદન ફ્રેન્ચ કંપની થેલ્સ દ્વારા કરવામાં આવશે.
મીડિયા અહેવાલ મુજબ, બ્રિટિશ સરકારે આ કરારને તેના સંરક્ષણ ક્ષેત્ર અને ભારત સાથે વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. આ મિસાઇલોનું ઉત્પાદન ઉત્તરી આયર્લૅન્ડમાં થેલ્સના પ્લાન્ટમાં કરવામાં આવશે. બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કરાર યુક્રેનને શસ્ત્રો પૂરા પાડતાં એક જ પ્લાન્ટમાં હાલમાં કાર્યરત લગભગ 700 બ્રિટિશ નોકરીઓનું રક્ષણ કરશે. આ પગલું ભારત-યુકે કોમ્પ્લેક્સ વેપન્સ પાર્ટનરશિપમાં એક મહત્ત્વપૂર્ણ સફળતા દર્શાવે છે, જેની ચર્ચા બંને દેશો લાંબા સમયથી કરી રહ્યા છે.
ભારત-બ્રિટનની ડિફેન્સ ભાગીદારી
મુંબઈ સમિટમાં, બંને નેતાઓએ ભારત-યુકે વેપાર સંબંધોની પણ સમીક્ષા કરી હતી. તાજેતરનો મુક્ત વેપાર કરાર (FTA) હવે સંરક્ષણ અને ટૅક્નોલૉજી સહયોગને નવી ગતિ આપી રહ્યો છે. યુકેએ ભારત સાથે નૌકાદળના જહાજો માટે ઈલેક્ટ્રિક એન્જિન ટૅક્નોલૉજી પર એક નવા કરારની પણ જાહેરાત કરી છે. જેનું પ્રારંભિક મૂલ્ય £250 મિલિયન છે. આ પહેલ બંને દેશો વચ્ચે બહુપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. આ અંગે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ફક્ત એક વેપાર કરાર નથી, પરંતુ વિશ્વની બે અગ્રણી અર્થવ્યવસ્થાઓ વચ્ચે વહેંચાયેલ પ્રગતિ, વહેંચાયેલ સમૃદ્ધિ અને વહેંચાયેલ લોકો માટે માર્ગદર્શક બ્લુપ્રિન્ટ છે. બજારની પહોંચની સાથે આ કરાર બંને દેશોમાં નાના અને મધ્યમ ઉદ્યોગો(MSMEs)ને સશક્ત બનાવશે અને લાખો યુવાનો માટે રોજગારીની નવી તકો ખોલશે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, વૈશ્વિક અસ્થિરતાના આ સમયગાળામાં ચાલુ કેલેન્ડર વર્ષ ભારત-યુકે સંબંધો માટે મજબૂત વર્ષ સાબિત થયું છે. આ વર્ષે જુલાઈમાં યુકેની મારી મુલાકાત દરમિયાન અમે ઐતિહાસિક વ્યાપકધોરણે આર્થિક અને વેપાર કરાર (CETA) પર સર્વસંમતિ સાધી હતી. હું આ ઐતિહાસિક સિદ્ધિ માટે મારા મિત્ર વડાપ્રધાન સ્ટાર્મરના સમર્પણ અને યોગદાનની ખૂબ પ્રશંસા કરું છું.