Get The App

UGC મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
UGC મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો, તમામ અરજીઓ પર એકસાથે કરાશે સુનાવણી 1 - image


Supreme Court on UGC New Rule: યુજીસી નિયમો વિરુદ્ધ અરજી અંગે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર છે. સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલે અનેક અરજીઓ દાખલ થઇ હતી. આ અરજીને લિસ્ટ કરવા માટે સીજેઆઇ સૂર્યકાંતે તૈયારી દર્શાવી છે. જો કે સુનાવણી ક્યારે થશે તે અંગે હજી પણ અસમંજસ છે. પરંતુ કોર્ટે આ અંગે સુનાવણી કરવા માટે તૈયાર થઇ ચુક્યાં છે. 

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા તાજેતરમાં 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન' (Promotion of Equity in Higher Educational Institutions) રેગ્યુલેશન, 2026 બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ઉઠ્યો છે અને મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં શું થયું? 

સુપ્રીમ કોર્ટે UGC ના આ નવા નિયમોને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે. જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આ અરજીને સુનાવણી માટે સૂચિબદ્ધ (list) કરશે.

આ પણ વાંચો : બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે 'કાળ' સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી

શા માટે UGC ને આ નિયમોની જરૂર પડી? 

UGC નું માનવું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ દૂર કરવા અને તમામ પછાત વર્ગના વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે આ કડક નિયમો જરૂરી છે. જોકે, સામાન્ય વર્ગના વિરોધના કારણે હવે આ મામલો કાયદાકીય ગૂંચવણમાં ફસાયો છે.

હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ આ મામલે શું વલણ અપનાવે છે. શું આ નિયમોમાં સુધારો કરાશે કે પછી તેને રદ કરાશે, તે નિર્ણય કોર્ટની આગામી સુનાવણી પર નિર્ભર રહેશે. જો કે હાલ આ સમગ્ર મામલો દેશમાં મંડલ-કમંડલ બાદ ફરી એકવાર સવર્ણ અને અનામત વર્ગ વચ્ચે મોટી ખાઇ પેદા કરી શકે તેવો વિવાદિત બન્યો છે.

શું છે વિવાદનું મુખ્ય કારણ?

યુજીસી દ્વારા ‘ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવા કેટલાક નિયમો (Promotion of Equity in Higher Education Institutions Regulations, 2026) નક્કી કરાયા છે, જે અંતર્ગત મુખ્ય ચાર આદેશ અપાયા છે. આ નિયમો સામે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ વિરોધ કરનારામાં મુખ્યત્વે સામાન્ય શ્રેણી (General Category) ના વિદ્યાર્થીઓ,  શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક સંગઠનો છે. આ વિરોધ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે. 

1.  સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓની બાદબાકી: નવા નિયમોમાં 'જાતિ આધારિત ભેદભાવ'ની વ્યાખ્યા માત્ર SC, ST અને OBC સુધી મર્યાદિત હોવાનો આક્ષેપ છે. આ નિયમોના વિરોધીઓનું કહેવું છે કે આનાથી સામાન્ય શ્રેણીના વિદ્યાર્થીઓ અન્યાયના કિસ્સામાં રક્ષણથી વંચિત રહી જશે અને આ નિયમો ભેદભાવ દૂર કરવાને બદલે વધારશે.

2. ખોટી ફરિયાદો સામે રક્ષણનો અભાવ: આ ડ્રાફ્ટમાં ખોટી ફરિયાદો કરનારા સામે સજાની જોગવાઈ હતી, જે હવે હટાવી લેવાઈ છે. તેનાથી એવી દહેશત છે કે નિર્દોષ વિદ્યાર્થીઓ કે ફેકલ્ટીને નિશાન બનાવવા માટે આ કાયદાનો દુરુપયોગ થઈ શકે છે.

3. અસ્પષ્ટ વ્યાખ્યાઓ: 'ભેદભાવ' (Discrimination) ની વ્યાખ્યામાં 'પરોક્ષ' અથવા 'અર્ધજાગૃત' (implicit) વર્તનને પણ સામેલ કરાયું છે. આ નિયમના ટીકાકારોનું કહેવું છે કે આ શબ્દો ખૂબ જ અસ્પષ્ટ છે અને તેનો અર્થઘટન ગમે તે રીતે કરીને કોઈને પણ ફસાવી શકાય છે.

4. કેમ્પસમાં અશાંતિનો ડર: કેટલાક લોકો આ નિયમોને 'કાળો કાયદો' ગણાવી રહ્યા છે. તેમનું માનવું છે કે 24 કલાકની હેલ્પલાઇન અને 'ઈક્વિટી સ્ક્વોડ' (Equity Squad) જેવી વ્યવસ્થાઓથી કેમ્પસમાં દેખરેખ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થશે, જેનાથી સામાજિક સૌહાર્દ જોખમાશે.

5. બંધારણીય પડકાર: આ મામલો સુપ્રીમ કોર્ટ માં પણ પહોંચ્યો છે. અરજદારોનો દાવો છે કે આ નિયમો બંધારણની કલમ 14 (સમાનતાનો અધિકાર) નું ઉલ્લંઘન કરે છે કારણ કે તે રક્ષણ આપવામાં ભેદભાવ રાખે છે.

જો કે, આ તમામ મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉમેદવારોને ખાતરી આપી છે કે, આ પ્રક્રિયામાં કોઈની પણ સાથે ભેદભાવ નહીં થાય અને કાયદાનો દુરુપયોગ અટકાવવામાં આવશે.