Get The App

ઉદ્ધવ ઠાકરેએ MVAથી અલગ થવાના આપ્યા સંકેત! કહ્યું- ભૂલ સુધારો નહીંતર સાથે રહેવાનો અર્થ નથી

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
ઉદ્ધવ ઠાકરેએ MVAથી અલગ થવાના આપ્યા સંકેત! કહ્યું- ભૂલ સુધારો નહીંતર સાથે રહેવાનો અર્થ નથી 1 - image


Uddhav Thackeray Warns Congress, NCPSP : શિવસેના યુબિટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો છે કે જો ઑગસ્ટ 2024 મહારાષ્ટ્ર વિધાનસભામાંની જેમ ફરી બેઠકોની વહેંચણી અને ઉમેદવારોની પસંદગીમાં ભૂલ થઈ તો મહાવિકાસ આઘાડી(કોંગ્રેસ, શરદ પવાર જૂથ, ઉદ્ધવ ઠાકરે જૂથનું ગઠબંધન )માં રહેવાનો કોઈ મતલબ નથી. 

કોંગ્રેસ અને શરદ પવારને સ્પષ્ટ મેસેજ

ઉદ્ધવ ઠાકરેએ શિવસેના યુબિટીના મુખપત્ર સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેમના પક્ષે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની બેઠકો MVAના સાથી પક્ષોને આપવી પડી. વિધાનસભા ચૂંટણી દરમિયાન બેઠકોની વહેંચણી છેલ્લી ઘડી સુધી ફાઇનલ થઈ શકી નહીં. આ ઝઘડાના કારણે પ્રજામાં ખોટો સંદેશો ગયો. વ્યક્તિગત અહંકાર હારનું કારણ બન્યો. આ ભૂલો સુધારવી પડશે, નહીંતર ભવિષ્યમાં સાથે રહેવાનો કોઈ અર્થ નથી.' 

વિધાનસભામાં પ્રજાએ MVAને ધૂળ ચટાડી 

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં MVAએ મહારાષ્ટ્રની 48માંથી 30 બેઠકો જીતી હતી. જોકે તેના પાંચ જ મહિના બાદ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બાજી પલટાઈ ગઈ. 288 વિધાનસભા બેઠકમાંથી MVA માત્ર 46 બેઠકો પર સમેટાઈ ગયું. 

સરદાર પટેલ પર વિવાદિત ટિપ્પણી

મહારાષ્ટ્રમાં ઠાકરે બ્રધર્સ હિન્દીનો વિરોધ કરવા મેદાનમાં ઉતર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે. આટલું જ નહીં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ વિવાદિત ટિપ્પણી કરી છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મીરા ભાયંદરમાં એક સભામાં દાવો કર્યો છે કે ગુજરાતી વેપારીઓ અને ગુજરાતી નેતાઓ દાયકાઓથી મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આટલું જ નહીં આચાર્ય અત્રેના એક પુસ્તકના સંદર્ભને ટાંકીને રાજ ઠાકરેએ કહ્યું છે કે મને એ જાણીને આઘાત લાગ્યો કે મુંબઈ મહારાષ્ટ્રને ન આપવું જોઈએ તેવી સૌથી પ્રથમ માંગણી વલ્લભભાઈ પટેલે કરી હતી. વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને આપવું જોઈએ નહીં. રાજ ઠાકરેના આ નિવેદન બાદ ગુજરાતના પાટીદાર નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મુંબઈને અલગ કરશે તેના ટુકડા કરી નાંખીશું

બીજી તરફ રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ પણ દાવો કર્યો છે કે મુંબઈ દેશનું આર્થિક પાટનગર છે એ વાત લોકોને આંખના કણાની જેમ ખૂંચે છે. તેથી મહારાષ્ટ્રના ઉદ્યોગો ગુજરાત લઈ જવાયા. મુંબઈ આર્થિક પાટનગર તરીકે વિકસી રહ્યું છે તેથી અમદાવાદ માટે બુલેટ ટ્રેન શરુ થઈ રહી છે. 


Tags :