Get The App

ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ 1 - image

Udaipur Crime: રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી આઈટી કંપનીમાં ઉચ્ચ પદો પર કાર્યરત લોકોએ માનવતા અને કાયદાની મર્યાદા ઓળંગી હોવાનો સનસનાટીભર્યા કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિલા મેનેજર સાથે આચરવામાં આવેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસે કંપનીના CEO સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં કારના ડેશકેમ (Dashcam) માંથી મળેલા ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ સૌથી મહત્ત્વના પુરાવા સાબિત થયા છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

જિલ્લા પોલીસ અધિક્ષક (SP) યોગેશ ગોયલે જણાવ્યું કે, 'પીડિતાના નિવેદન અને મેડિકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે.'

પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં આઇટી કંપનીના સીઇઓ જીતેશ, તેમની મહિલા સહકાર્યકર, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેમના પતિ ગૌરવનો સમાવેશ થાય છે. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: કેનેડાના ટોરેન્ટોમાં યુનિવર્સિટી નજીક ધોળા દિવસે ગોળીબાર, 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની હત્યા


બર્થડે પાર્ટી બાદ દુષ્કર્મ આચર્યું

પોલીસના જણાવ્યાનુસાર, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના સીઈઓનો જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી રાખવામાં આવી હતી. રાતે 1:30 વાગ્યે પાર્ટી પૂરી થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પાએ તેને ઘરે છોડવાના બહાને પોતાની સાથે ‘આફ્ટર પાર્ટી’માં આવવા દબાણ કર્યું હતું. રાત્રે 1:45 વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. કારમાં સીઈઓ જીતેશ અને ગૌરવ પહેલેથી હાજર હતા. રસ્તામાં પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી તથા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સવારે 5 વાગ્યે પીડિતાને ઘરે છોડી દેવાઈ હતી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ શરીરે ઈજાના નિશાન જોતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારના ડેશકેમમાંથી આખી ઘટનાના ઓડિયો અને વીડિયો પુરાવા મળી આવ્યા છે.

ન્યાયિક પ્રક્રિયા શરૂ

એસપી યોગેશ ગોયલના જણાવ્યા મુજબ, મેડિકલ તપાસમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન મળ્યા છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ સામૂહિક દુષ્કર્મની પુષ્ટિ કરે છે. હાલ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.