મહાદેવ એપ કેસનો આરોપી રવિ ઉપ્પલ યુએઈમાંથી ગાયબ, પ્રત્યાર્પણ માંગ્યું હોવા છતાં ભારતને જાણ સુદ્ધા ના કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mahadev App Scam: મહાદેવ એપ મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને મોટો ઝટકો લાગ્યો છે. રૂ. 6,000 કરોડના આ કેસના મુખ્ય આરોપી રવિ ઉપ્પલને દુબઈમાં અટકાયતમાં રખાયો હતો, પરંતુ ત્યાંથી તે ગાયબ થઈ ગયો છે. આ અંગે ભારતે પ્રત્યાર્પણની અરજી કરી હોવા છતાં તેને મુક્ત કરી દેવાયો છે. બીજી તરફ, યુએઈ સરકારનું કહેવું છે કે અમને ભારત સરકાર તરફથી પ્રત્યાર્પણની કોઈ અરજી મળી નથી. જો કે, ભારત સરકારનું કહેવું છે કે, આ અરજીના તેમના પાસે તમામ દસ્તાવેજો છે.
ડિસેમ્બર 2023માં થઈ હતી ધરપકડ
ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પછી ડિસેમ્બર 2023માં રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ કરાઈ હતી. જો કે, 45 દિવસ પછી તેને મુક્ત કરી દેવાયો હતો, પરંતુ ભારતે પ્રત્યાર્પણની અરજી કરી હોવાથી તે દેખરેખ હેઠળ હતો.
રવિ ઉપ્પલ દુબઈમાંથી અચાનક કેવી રીતે ગાયબ થઈ ગયો એ અંગે યુએઈના સત્તાધીશો ભારતને કોઈ જ પ્રકારની જાણકારી આપી નથી રહ્યા. આશ્ચર્યની વાત એ છે કે યુએઈ સરકારે ઈડીને જણાવ્યું છે કે, અમને રવિ ઉપ્પલ માટે ભારત તરફથી કોઈ જ પ્રત્યાર્પણની વિનંતી મળી નથી. જો કે, આ ઈડી પાસે પ્રત્યાર્પણની અરજીના પૂરતા દસ્તાવેજો પણ મોજુદ છે.
આ અંગે ઈડીએ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને હસ્તક્ષેપની વિંતી કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયની પ્રત્યાર્પણ પ્રક્રિયાની માર્ગદર્શિકામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, કોઈની ધરપકડના દિવસથી 45થી 60 દિવસમાં ઔપચારિક પ્રત્યાર્પણની વિનંતી કરી દેવી જોઈએ. જો તે વ્યક્તિને મુક્ત કરી દેવાય, તો પણ અરજી મળ્યા પછીયે તેની ફરી ધરપકડ અને પ્રત્યાર્પણ થઈ શકે છે.
ભારત અને યુએઈ વચ્ચે વર્ષ 2000 થયેલી પ્રત્યાર્પણ સંધિના કારણે જ ભારત ત્યાંથી અનેક આરોપીઓ પરત લાવી શક્યું છે, જેમાં ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસના આરોપીઓનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં યુએઈએ 2019માં ક્રિશ્ચિયન મિશેલ, દીપક તલવાર અને રાજીવ સક્સેનાનું પ્રત્યાર્પણ કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વૉન્ટેડ આતંકવાદી પરમિન્દર સિંઘનું પણ અબુ ધાબીથી પ્રત્યાર્પણ કરાયું હતું.










