ફિલિપાઇન્સમાં વાવાઝોડાએ 85નો ભોગ લીધો, 75 લાપતા

- ફિલિપાઇન્સમાં ચાલુ વર્ષે ત્રાટકેલું 20મું વાવાઝોડું
- પૂરગ્રસ્ત લોકોની સહાય માટે જતું હેલિકોપ્ટર તૂટી પડતાં ૬નાં મોત : અનેક વિસ્તારોમાં વીજળી ઠપ : અનેક કારો ડૂબી ગઇ, હજારો લોકો ફસાયા
મનીલા: ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાનો મૃત્યુઆંક વધીને ૮૫ને પાર થઇ ગયો છે. આ ઉપરાંત મધ્ય ફિલિપાઇન્સમાં અન્ય ૭૫ લોકો લાપતા છે. પૂરને કારણે અનેક લોકો હજુ પણ પોતાના ઘરોની છત પર ફસાયેલા છે.
સડકો પર ઉભેલી કારો પાણીમાં તણાઇ ગઇ છે. ઇમરજન્સી વિભાગના જણાવ્યા અનુસાર મોટા ભાગનાં મોત વાવાઝોડાને કારણે આવેલા પૂરથી થયા છે.પૂરગ્રસ્ત લોકોને માનવીય સહાય પૂરી પાડવા માટે જઇ રહેલું હેલિકોપ્ટર ક્રેશ થવાને કારણે છ લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ જાણી શકાયું નથી.
વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન ફિલિપાઇન્સનાં મધ્ય પ્રાંતમાં થયું છે. મધ્ય પ્રાંતનો સેબુ વિસ્તાર સૌથી વધારે અસરગ્રસ્ત છે. સિવિલ ડિફેન્સનાં કાર્યાલયનાં જણાવ્યા અનુસાર સેબુ વિસ્તારમાં ૧૩ લોકો લાપતા છે.૪૯ લોકો ડૂબી ગયા હતાં.
રિપોર્ટ અનુસાર વાવાઝોડાને કારણે મધ્ય ગુઇમારાસ પ્રાંતનાં જોર્ડન શહેરનાં તટીય વિસ્તારોમાં ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે ફિલિપાઇન્સમાં ત્રાટકેલું આ ૨૦મું વાવાઝોડું હતું. દક્ષિણ લેયટે વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઇ ગયો છે. સેબુના તટીય શહેર લિલોનમાં અનેક લોકો હજુ પર છત પર ફસાયેલા છે. કારો ડૂબી ગઇ છે અથવા તો પાણીમાં વહીને અન્ય જગ્યાએ જતી રહી છે.
માર્ગો પર પાણી, કાટમાળ, કાદવ અને કીચડને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે અમે પાણી ઉતરવાની રાહ જોઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે સેબુમાં ૨૪ લાખથી વધુ લોકો રહે છે. અહીં ૩૦ સપ્ટેમ્બરે ૬.૯ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ૭૯ લોકોનાં મોત થયા હતાં. અનેક મકાનો ધરાશયી થવાનાં કારણે અનેક લોકો વિસ્થાપિત થયા હતાં.
ફિલિપાઇન્સમાં તારાજી પછી વાવાઝોડું વિયેતનામ-થાઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા પછી વાવાઝોડું કલમેગી વિયેતનામ અને થાઇલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મધ્ય વિયેતનામમાં તાજેતરમાં જ પડેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. વિયેતનામમાં સત્તાવાળાએ કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કરી દીધું છે. શુક્રવારે સવારે કલમેગી વાવાઝોડું વિયેતનામમાં ત્રાટકે તેવી શક્યતા છે. થાઇલેન્ડમાં વાવાઝોડાને કારણે વરસાદ પડવાની આગાહીને કારણે હવામાન વિભાગે એલર્ટ જારી કરી છે. આ દરમિયાન ફિલ્પાઇન્સનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વ અને મધ્ય ફિલિપાઇન્સમાં કલમેગી વાવાઝોડું ત્રાટક્યું તે પહેલા ૩,૮૭,૦૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. ફિલિપાઇન્સમાં ૧૦૦થી વધુ સમુદ્ર પોર્ટમાં ૩૫૦૦ યાત્રીઓ અને કાર્ગો ટ્રક ડ્રાઇવરો ફસાઇ ગયા હતાં. ૧૮૬ ડોમેસ્ટિક ફલાઇટ રદ કરવામાં આવી હતી.

