- આ બે પૈકી પ્રતીક સિંહા અમદાવાદના છે
- આ બંનેએ 'ફેક્ટ ચેક સાઇટ' "Alt News" તૈયાર કરી છે: આ પૈકી ઝુબૈરની તો ગયા જૂન માસમાં ધરપકડ થઈ હતી
નવી દિલ્હી : ૨૦૨૨ના શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે બે ભારતીય મોહમ્મદ ઝુબૈર અને પ્રતીક સિંહા, શાંતિ માટેના નોબેલ પ્રાઇઝ માટે સ્પર્ધામાં છે - આ માહિતી આપતા અમેરીકન "Time" મેગેઝિન જણાવે છે કે, તે બંનેએ સાથે મળી ફેક્ટ ચેક સાઇટ Alt News તૈયાર કરી છે. આ માહિતી નોર્વેના સંસદ સભ્યોએ પુસ્તક પ્રકાશકો અને પીસ રીસર્ચ ઇન્સ્ટીટયૂટ ઓસ્લો (PRIO) દ્વારા અપાયેલ સંકેતો ઉપરથી આપી હતી.
આશ્ચર્યની વાત તો તે છે કે ઝુબૈરની તો આ વર્ષના જૂન મહિનામાં ધરપકડ પણ થઈ હતી. તે અંગે દિલ્હી પોલીસે જ તેની FIR માં ઝુબૈરના ૨૦૧૮ના ટ્વિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તે ટ્વિટ ઘણું ઉશ્કેરણીજનક અને ધિક્કારની લાગણી ફેલાવવા માટે ઘણું વધુ પડતું હતું. આ સાથે દિલ્હી પોલીસે તેમની ઉપર ધાર્મિક લાગણીઓ ભડકાવવા માટે અને વિવિધ જૂથો વચ્ચે જાણી જોઈને ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવાનો આક્ષેપ મૂક્યો હતો.
આવા આ ફેક્ટ ચેકરની ધરપકડ સામે વિશ્વભરમાં વિરોધ વંટોળ જાગ્યો હતો તેથી અમેરિકાની નોન પ્રોફિટ કમિટી 'હુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ' દ્વારા એક નિવેદન પ્રસિદ્ધ કરાયુંહતું જેમાં જણાવ્યું હતું કે, પ્રેસ સ્વાતંત્ર્ય વિરૂદ્ધનો ભારતમાં થયેલો આ એક વધુ બનાવ છે જેમાં સરકારે પ્રેસના સભ્યો અને રિપોર્ટિંગ સેક્શન માટે અસાલમત વાતાવરણ ઉભું કરાયું છે.
ઝુબૈરને સર્વોચ્ચ અદાલતે જામીન આપ્યા પછી તે એક મહિના પછી જેલમાંથી મુક્ત થયા હતા.
આ ૨૦૨૨ના શાંતિ પુરસ્કાર માટે ૩૪૩ ઉમેદવારો છે. જેમાં ૨૫૧ વ્યક્તિઓ છે અને ૯૨ સંસ્થાઓ છે.
નોબેલ પ્રાઇઝ માટે કોના કોના નામાંકનો આવ્યા છેતે નોબેલ પ્રાઇઝ કમિટી જાહેર કરતી નથી પરંતુ રોઇટર્સનો સર્વે જણાવે છે કે, બેલારૂસના વિપક્ષી નેતા સ્વિયાતલાના સિબરનૌસ્ક્યા, બ્રોડકાસ્ટર ડેવીડ એટનબોર, ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થુનબર્ગ, પોપ ફ્રાંસિસ, તુલાબુના વિદેશમંત્રી સાયકના કોફે અને મ્યાનમારની નેશનલ યુનિટી ગવર્નમેન્ટના નામ નોર્વેના સાંસદોની સમિતિએ વિચારી રાખ્યા છે.
તેમાં સિંહા અને ઝુબૈર ઉપરાંત યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કી તથા સંસ્થાઓમાં UN રેફ્યુજી એજન્સી WHO અને પુતિનના ટીકાકાર એલેક્સી નાવાલ્ની ના નામ પણ તે સમિતિની વિચારણા નીચે છે. આ પ્રતીક સિંહા અમદાવાદના છે તેઓ એક વકીલના પુત્ર છે.


