India

'બે પરીક્ષાના પેપર 20 અને 35 લાખમાં વેચાયા હતા...' ઝારખંડમાં પેપર લીક અંગે મોટો ખુલાસો

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
ઝારખંડમાં બે પેપર લીક કેસમાં CID દ્વારા ધરપકડ કરાયેલા અભય તિવારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. FRO અને ACFના પેપર 20 લાખથી 35 લાખમાં વેચાયા હતા. તેણે 20 પરીક્ષાર્થીઓ પાસેથી 5.80 કરોડ રૂપિયા વસૂલ્યા હતા, જેમાંથી 19 પાસ થયા. ડેપ્યુટી પરીક્ષા નિયામક શ્વેતા ગુપ્તાએ તત્કાલીન અધ્યક્ષ ખ્યાંગતે પર દબાણનો આરોપ લગાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'બે પરીક્ષાના પેપર 20 અને 35 લાખમાં વેચાયા હતા...' ઝારખંડમાં પેપર લીક અંગે મોટો ખુલાસો

Jharkhand Paper Leak Case: ઝારખંડમાં બે પેપર લીક અંગે મોટો ખુલાસો થયો છે. આ મામલે ધરપકડ કરાયેલા આરોપીએ જણાવ્યું કે, FRO અને ACFના પેપર 20 લાખ અને 35 લાખમાં વેચાયા હતા.

ઝારખંડમાં પેપર લીક અંગે મોટો ખુલાસો

CID દ્વારા ધરપકડ કરવામાં આવેલા અભય તિવારીએ ખુલાસો કર્યો છે કે, ફોરેસ્ટ રેન્જ ઓફિસર (FRO) અને અસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઓફિસર (ACF) માટે તેણે 20 પરીક્ષાર્થીઓ પાસેથી આશરે 5 કરોડ 80 લાખની વસૂલી કરી હતી. FROની એક સીટ માટે 20 થી 25 લાખની બોલી લગાવવામાં આવી હતી, જ્યારે ACF માટે 30 થી 35 લાખની બોલી લાગી હતી. અભય અને તેના દલાલોએ મળીને FROના 12 અને ACFના 8 ઉમેદવારો આપ્યા હતા. આમાંથી 19 ઉમેદવાર પાસ થયા અને એક ફેલ થયો હતો. બે પરીક્ષાર્થીઓ એવા હતા જે ઉમેદવાર હોવાની સાથે JPSCના દલાલ પણ હતા.

શ્વેતા ગુપ્તાનો ખ્યાંગતે પર મોટો આરોપ

CIDની પૂછપરછમાં નાયબ પરીક્ષા નિયામક શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે, તેમના પર બળજબરીથી દબાણ બનાવીને તત્કાલીન અધ્યક્ષ એલ ખ્યાંગતેએ રિઝલ્ટ જાહેર કરાવ્યું હતું. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે ખ્યાંગતેએ તેમને કહ્યું હતું કે, PT અને મેઈન્સ બંનેના માર્ક્સ તમારી પાસે છે, તેના આધારે રિઝલ્ટ તૈયાર કરો. શ્વેતાનો દાવો છે કે તેઓ રિઝલ્ટ જાહેર કરવાના પક્ષમાં નહોતા.

અભયે પોતાના અંગે CIDને શું જણાવ્યું

અભયે પોતાના પાર્ટનર ઉમેશ કુમાર સાથે મળીને 10 લાખની મૂડીથી હોટલ શરૂ કરી હતી. આ માટે સુધીર પ્રસાદ નામના વ્યક્તિને 5 લાખ આપ્યા હતા. હોટલનું નામ 'સ્વીટ એન્ડ સ્પાઈસ' રાખવામાં આવ્યું હતું. બંનેએ મળીને સ્ટેશન રોડ પર 'પ્રકાશ રેસિડેન્સી' નામની હોટલ ભાડે લીધી હતી. અભયે 'જેએસઆર એજન્સી' નામની કંપની પણ શરૂ કરી. જે મેનપાવર સપ્લાય કરવાનું કામ કરતી હતી. આ કંપનીના સંચાલન દરમિયાન તેણે દિલ્હીના શેંટી અને કોડરમાના લાલુ દ્વારા TDPLના સંચાલક સતપાલ સિંહ અને રામવીર સિંહ સાથે ડીલ કરાવી હતી. TDPLનું કામ સંભાળવાના બદલામાં અભયને 10% કમિશન મળવાનું હતું.

PIL મેનેજ કરવા માટે 3 કરોડની ડીલ

JPSC અને પરીક્ષા સંચાલિત કરતી એજન્સી TDPLના કરતૂતો પર ઝારખંડ હાઈકોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. આ અરજીને મેનેજ કરવા માટે 3 કરોડની ડીલ થઈ હતી. તેના એડવાન્સ પેટે અભય તિવારીએ સૈનિક માર્કેટમાં દુકાન ચલાવતા એક વ્યક્તિ મારફતે 5 લાખની ચૂકવણી પણ કરી હતી. આ ખુલાસો અભય તિવારીએ CIDને આપેલા પોતાના નિવેદનમાં કર્યો છે. અભય તિવારીએ CIDને જણાવ્યું કે આ ડીલની જાણકારી પરીક્ષા નિયામક શ્વેતા ગુપ્તાને પણ હતી.

ધર્મેન્દ્રની સાથે સાનંદ પ્રકાશ અને રવિ માસ્ટરની તલાશ

CIDને ધર્મેન્દ્રની સાથે સાનંદ પ્રકાશની પણ તલાશ છે. સાનંદ પ્રકાશ અને પતંજલિ આઈએએસ એકેડેમીમાં ભણાવતા રવિ માસ્ટરે પણ ઉમેદવારો શોધવાથી લઈને રૂપિયા વસૂલવા સુધીનું કામ સંભાળ્યું હતું. પટનાના ઈમરાન, ગિરિડીહના રાજેશ સિંહ, બોકારોના શંકર અને હજારીબાગના સુનીલ દલાલ તરીકે અભયની ગેંગ માટે કામ કરી રહ્યા હતા. અભય તિવારીની સાથે દિલ્હીના શેંટીની ભૂમિકા પણ રહી છે. આ લોકોએ અનેક ઉમેદવારો પાસેથી રૂપિયા વસૂલ્યા અને અભયના માધ્યમથી તેમને પરીક્ષાઓમાં પાસ કરાવ્યા. પરીક્ષામાં પાસ કરાવીને કરોડો રૂપિયાની વસૂલી કરવામાં આવતી હતી.