Get The App

ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ગોવા નાઈટક્લબ આગકાંડમાં લુથરા બંધુઓના બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર, કોર્ટ બહાર રડી પડ્યા 1 - image


Goa nightclub fire case: ગોવાના નાઈટક્લબ 'બિર્ચ બાય રોમિયો લેન' આગકાંડ કેસમાં આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મુખ્ય આરોપી લુથરા બંધુઓએ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટેનાઈટક્લબના માલિકો, ગૌરવ લુથરા અને સૌરભ લુથરાને બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગોવા પોલીસને સોંપવાની મંજૂરી આપી છે. મહત્વનું છે કે ગોવા પોલીસે ત્રણ દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે ફક્ત બે દિવસ જ મંજૂર કર્યા છે.

ગોવાની સ્થાનિક કોર્ટમાં રિમાન્ડ માંગશે પોલીસ

કોર્ટના આદેશ પ્રમાણે ગોવા પોલીસે હવે બંને આરોપીઓને 48 કલાકની અંદર ગોવાની સ્થાનિક કોર્ટમાં રજૂ કરશે અને વધુ રિમાન્ડ માટે અપીલ  કરશે. દિલ્હીમાં લુથરા બંધુઓની કસ્ટડી મેળવ્યા પછી, ગોવા પોલીસે તેમને ગોવા લઈ જવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસની એક ટીમ 17 ડિસેમ્બરના રોજ સવારે 5 વાગ્યે બંને આરોપીઓને લઈને દિલ્હીથી ગોવા જવા રવાના થશે.

લુથરા બંધુઓ રડી પડ્યા

પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પછી ગૌરવ લુથરા અને સૌરભ લુથરા તેમના પરિવારોને મળ્યા હતા ત્યારે બંને રડી પડ્યા હતા. તેમના પરિવારના સભ્યોને જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. લુથરા બંધુઓને મંગળવારે થાઈલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા હતા અને ગોવા પોલીસ ટીમ દ્વારા IGI એરપોર્ટ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. 6 ડિસેમ્બરના રોજ, ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબમાં આગ લાગી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં 20થી વધુ ક્લબ કર્મચારીઓ અને પાંચ પ્રવાસીઓ સામેલ હતા. પ્રાથમિક રિપોર્ટમાં મોટાભાગના લોકોનું મોતનું કારણ ગૂંગળામણ હતું.

લુથરા બંધુઓ ઘટનાના થોડા જ કલાકોમાં ફરાર થઈ ગયા હતા

નાઇટ ક્લબમાં આગ લાગવાની ઘટનાના થોડા જ કલાકોમાં લુથરા બંધુઓ થાઇલૅન્ડ ભાગી ગયા હતા. ત્યારબાદ તેમના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા બ્લૂ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. બંને આરોપીઓને ભારત પરત મોકલવાની પ્રક્રિાય પહેલા થાઇલૅન્ડ સત્તાવાળાઓએ 11 ડિસેમ્બરે બંનેને કસ્ટડીમાં લઈ લીધા હતા. ભારતીય અધિકારીઓએ બંને ભાગેડુને પકડવા માટે થાઇલૅન્ડ સરકારના સતત સંપર્કમાં હતી. આ અગ્નિકાંડની ઘટનાની તપાસ કર્યા બાદ ક્લબમાં તમામ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું તેમજ ક્લબના મેનેજમેન્ટમાં પણ અનેક ખામી હોવાનો ખુલાસો થયો હતો.

નાઇટક્લબના સ્ટ્રક્ચરમાં અનેક ખામીના કારણે સર્જાયો અગ્નિકાંડ

ગોવા પોલીસે લુથરા બંધુઓની ધરપકડ કર્યા પહેલા અગ્નિકાંડ કેસમાં પાંચ મેનેજર્સ અને સ્ટાફ મેમ્બર્સની ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે દિલ્હી કોર્ટે લુથરા બંધુઓની ધરપકડ મામલે અંતિમ રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારીઓએ કહ્યું કે, નાઇટ ક્લબના સ્ટ્રક્ચરમાં અનેક ખામીઓ હતો અને ત્યાં આગ પર કાબૂ મેળવવા માટે કોઈપણ વ્યવસ્થા ન હતી. અર્પોરા પાછળ બનાવેલા નાઇટક્લબમાં બહાર નીકળવાનો રસ્તો ખૂબ જ સાંકડો હતો અને આ રસ્તો એક સાંકડા પુલ સાથે જોડાયેલો હતો. આ તમામ ખામીઓને કારણે અનેક લોકો બિલ્ડિંગમાંથી નીકળી શક્યા ન હતા.

નાઇટ ક્લબ પર બુલડોઝર ચલાવાયું

અનેક ખામીઓ સામે આવ્યા બાદ અને લુથરા બંધુઓ ફરાર થઈ ગયા બાદ નાઇટ ક્લબ પર બુલડોઝર ચલાવીને તોડી પાડવામાં આવી છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આદેશ આપ્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી નાઇટ ક્લબને તોડી પાડી હતી. નાઇટ ક્લબ સરકારી જમીન પર ગેરકાયદેસર બનાવાયેલી હતી, ત્યારબાદ જિલ્લા તંત્રએ 9 ડિસેમ્બરે નાઇટ ક્લબ તોડી પાડી હતી.

આ પણ વાંચો: 4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર

નાઇટ ક્લબના સ્ટાફની પણ ધરપકડ

સાતમી ડિસેમ્બરે ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું હતું કે, અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ક્લબના માલિકો સૌરવ લુથરા અને ગૌરવ લુથરા વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઇટ ક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા.