રાજસ્થાન બાદ અમૃતસરથી બે શંકાસ્પદ પાકિસ્તાની જાસૂસો પકડાયા, સૈન્યની માહિતી લીક કર્યાનો દાવો
Two Arrested In Amritsar For Allegedly Espionage Activities: પંજાબના અમૃતસરમાં ગઈકાલે 3 મેના રોજ આર્મી કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ લીક કરવાના આરોપસર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ બંને પાકિસ્તાની જાસૂસો હોવાની આશંકા છે. પલક શેર મસીહ અને સૂરજ મસીહ તરીકે ઓળખાતા આરોપીઓ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ધરપકડ કરવામાં આવેલા બંને શકમંદ આરોપીઓ હરપ્રીત સિંહ ઉર્ફે પિટ્ટુ ઉર્ફે હેપ્પીના નિર્દેશોના આધિન આ કામગીરી કરી રહ્યા હોવાની બાતમી મળી છે. હરપ્રીતસિંહ હાલ અમૃતસર સેન્ટ્રલ જેલમાં બંધ છે. પહલગામ આતંકી હુમલા બાદ દેશવ્યાપી આંતકવાદીઓ અને પાકિસ્તાની જાસૂસોને શોધી કાઢવાની કવાયત વેગવાન બની છે.
પોલીસ અધિકારીએ જણાવ્યા પ્રમાણે, આ શકમંદો પર કેન્ટોનમેન્ટ અને એરબેઝ વિસ્તારોની સુરક્ષાના વિઝ્યુઅલ્સ, તેમજ અહીં ચાલી રહેલી વ્યૂહાત્મક માહિતી શેર કરી હોવાનો આરોપ છે. દેશની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓથોરિટીએ ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ આ કેસમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા સાથે મહત્ત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરી છે.
પહલગામ આતંકવાદી હુમલાને પગલે ભારતીય ગુપ્તચર અને કાયદા અમલીકરણ એજન્સીઓ સરહદ પાર જાસૂસી થવાની ભીતિ સામે કડક સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ છે. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા હતાં. જ્યારે 17થી વધુ લોકો ઘાયલ હતાં.
પાકિસ્તાની સૈનિકની ધરપકડ
ગઈકાલે રાજસ્થાનમાંથી ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી. રાજસ્થાનમાં આવેલી ભારત-પાકિસ્તાન સરહદ પરથી બીએસએફ દ્વારા સશસ્ત્ર સજ્જ પાકિસ્તાની સૈનિકની અટકાયત કરી હતી.