ટીવી પત્રકાર રોહિત સરદાનાનું કોરોના પછી હાર્ટએટેકથી નિધન
રોહિત આજતક ચેનલમાં ન્યૂઝ એન્કર હતા
ટ્વિટરમાં રોહિત સરદાનાની અંજલિનો ટ્રેન્ડ બન્યો : મોદી-યોગી-કેજરીવાલ-અખિલેશે શોકસંદેશો પાઠવ્યો
નવી દિલ્હી, તા. ૩૦
ટીવી પત્રકાર રોહિત સરદાનાનું કોરોના પોઝિટિવ આવ્યા બાદ હાર્ટ એટેકથી નિધન થયું હતું. રોહિત સરદાના આજતક ચેનલમાં એક્ઝિક્યુટિવ એડિટર અને ન્યૂઝ એન્કર હતા.
સિનિયર ટેલિવિઝન પત્રકાર રોહિત સરદાનાનો જન્મ ૧૯૭૯માં હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. ૨૧ વર્ષની વયે ૨૦૦૦ના વર્ષમાં પત્રકાર તરીકે તેમણે કારકિર્દીની શરૃઆત કરી હતી. ૨૦૦૪થી ૨૦૧૭ સુધી ઝી ન્યૂઝમાં એન્કર તરીકે કાર્યરત રહ્યા હતા. ૨૦૧૭થી આજતકમાં એક્ઝિક્યૂટિવ એડિટર અને ન્યૂઝ એન્કર તરીકે સક્રિય હતા.
થોડા દિવસ પહેલાં તેમને કોરોના થયો હતો. એ પછી તેમની સારવાર ચાલી રહી હતી. કોરોના પછી સારવાર દરમિયાન હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું.
૪૧ વર્ષના રોહિત સરદાનાના નિધન અંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સહિતના નેતાઓએ તેમના પરિવારને શોકસંદેશો પાઠવ્યો હતો.
ભારતના મીડિયાજગતમાં સક્રિય અસંખ્ય લોકોએ રોહિત સરદાનાના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.