સત્ય મારા માટે ભગવાન છે : ગુનેગાર ઠર્યા પછી રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના શબ્દો ટાંકતાં જણાવ્યું
બદનક્ષી કેસમાં રાહુલને બે વર્ષની સજા
સત્ય ભગવાન છે : તે પામવા માટે અહિંસા મારો માર્ગ છે : કોંગ્રેસ પૂર્વ પ્રમુખે કહ્યું
સુરત: ૨૦૧૯ના બદનક્ષી કેસમાં સુરતની કોર્ટે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અને વરિષ્ટ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરી છે. જો કે ઉપલી કોર્ટમાં અપીલ કરવા માટે તેમને ૩૦ દિવસનો સમય આપવા સાથે કોર્ટે તે સજાનો અમલ ૩૦ દિવસ માટે વિલંબિત રાખ્યો છે.
આ પછી રાહુલ ગાંધીએ તેઓનાં ટ્વિટ ઉપર મહાત્મા ગાંધીને ટાંકતાં કહ્યું હતું કે સત્ય મારા માટે ભગવાન છે મારો ધર્મ સત્ય આધારિત છે. સત્ય મારે મન ભગવાન છે, અને અહિંસા તેને પામવા માટેનો માર્ગ છે.
આ કેસની વિગત તે છે કે ૨૦૧૯માં કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં તેઓએ કહ્યું હતું કે એવું કેમ બને છે કે દરેક મોદી અટક ધરાવનાર ચોર હોય છે. આ રાહુલે નીરવ મોદી સંદર્ભે કહ્યું હતું. તેથી તેમની ઉપર બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેમાં તેઓને આ સજા જાહેર કરાઈ હતી.
અહીં મુશ્કેલી તે છે કે, રાહુલ ગાંધી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં તો સીધા જઇ શકે તેમ નથી. કારણ કે તેમને સજા ફોજદારી ધારા નીચે થઇ છે. પરંતુ થર્ડ પાર્ટી ઉચ્ચ ન્યાયાલયો સમક્ષ જઈ તે માટે જઇ શકે અને તેની રજૂઆતમાં સાદર જણાવી શકે કે સુરત કોર્ટમાં જે રીતે કાર્યવાહી ચાલી હતી અને જે પધ્ધતિ અપનાવાઈ હતી તે પ્રમાણે અપાયેલો સુરત કોર્ટનો ચુકાદો જાહેર જનતાનાં બૃહદ હિતને નુકસાન કરે તેવો છે. આ રીતે ઉચ્ચ કોર્ટમાં થર્ડ પાર્ટીએ અરજી કરવી પડે.
આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમય માટે કોઈ પણ ગુનાસર સજા થઇ હોય તો રેપ્રિઝેન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ૧૯૫૧ નીચે તે તુર્ત જ તેનાં પદ માટે ગેરલાયક ઠરે છે. તેમાં પહેલાં ૩ મહિનાનો પ્રોટેકશન પિરીયડ પણ અપાયો હતો પરંતુ ૨૦૧૩માં લીલી થોમસ કેસમાં સુપ્રીમ કોર્ટે તે પ્રોટેકશન પીરીયડ અલ્ટ્રા વાયરસ કહી રદ જાહેર કર્યો હતો.
જો કે રાહુલ ગાંધી કેસમાં તો તેઓને સજા કરનાર ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જ તેમને ૩૦ દીવસનો સમય આપ્યો છે. તે દરમિયાન તેઓ હાઈકોર્ટમાં અરજી કરી શકશે. અને તે પછી તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકે.
નિરીક્ષકો કહે છે કે આ માટેબહુ લાંબો સમય વ્યતિત થાય તે સહજ છે. કેસ ત્યાં સુધી રાહુલ મુક્ત રહી શકશે.
દરમિયાન કેન્દ્રના કાનૂન મંત્રી કીરણ રિજ્જુએ રાહુલ ગાંધીએ લંડનમાં કરેલાં વિધાનોનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે તેઓ જે કૈં કહે છે તે તેમના પક્ષ અને દેશ માટે પણ ભયાવહ છે.
ગુરૂવારે જ્યારે આ ચુકાદો આપવામાં આવ્યો જ્યારે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર હતા. તેઓએ તેમ પણ કહ્યું હતું કે તેમણે જે કૈં કહ્યું હતું તે સહજ ભાવે કહેવાયું હતું તે પાછળ કોઈ ખોટો હેતુ ન હતો.
રાહુલ ગાંધી સામે ભાજપના વિધાયક પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ રજૂ કરી હતી. પૂર્ણેશ મોદીનો જન્મ સુરતમાં જ થયો હતો. તેઓ બી.કોમ. એલએલબીની ડીગ્રી પણ ધરાવે છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ કહ્યું મારો ભાઈ કોઈથી ડરે તેવો નથી.