Get The App

ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા

Updated: Jan 18th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની દાદાગીરી નહીં ચાલે : અમેરિકા સામે ગ્રીનલેન્ડમાં દેખાવો : લોકો સડક પર ઉતર્યા 1 - image


ટ્રમ્પ સામે આવીને રશિયા-ચીનને તક આપે છે

અમને અમેરિકાની ટુકડીઓ સ્વીકાર્ય નથી : 'કોઈપણ ભોગે ગ્રીનલેન્ડ અમેરિકાને નહીં જ આપીએ'ના નારાઓ ગાજી રહ્યાં

નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને ખરીદવા કે તેની ઉપર કબ્જો જમાવવા માટે ખુલ્લંખુલ્લી જાહેરાત કરી દીધી છે તો બીજી તરફ ટ્રમ્પની આ દાદાગીરી સામે 'નાટો' અને યુરોપીય દેશો એકજૂથ થઈ રહ્યા છે સહજ છે કે ખુદ ગ્રીનલેન્ડમાં પણ લોકો સડકો ઉપર ઉતરી આવ્યા હતા અને ટ્રમ્પ સરકાર વિરૂદ્ધ નારાબાજી કરતાં હજ્જારો લોકો સડક પર ઉતરી આવ્યા હતા. પાટનગર 'નુક'માં તો જબરજસ્ત દેખાવો યોજાયા હતા.

નુકમાં તો વડાપ્રધાન જેમ્સ-ફ્રેડ્રીક નીલસનની આગેવાનીમાં યુ.એસ. કોન્સ્યુલેટ સુધી માર્ચ કરી હતી. પ્રદર્શન દરમિયાન નારાબાજી કરતા લોકોએ અમેરિકા અને ટ્રમ્પને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે, ગ્રીનલેન્ડ પોતાનાં ભવિષ્યનો નિર્ણય તેના લોકો જ કરશે. આવા નારા લગાવતા લોકો એક રચાઈ રહેલા બ્લોકની બહાર એકઠા થયા હતા કે જ્યાં અમેરિકા પોતાની કોન્સ્યુલેટ શિફટ કરવાની યોજના બનાવી રહ્યું છે. અત્યારે તે કોન્સ્યુલેટ કાષ્ટની ઈમારતમાં ચાલે છે, ત્યાં માત્ર ૪ કર્મચારીઓ જ છે.

તે સર્વવિદિત છે કે ગ્રીનલેન્ડ અમેરિકા અને યુરોપની બોર્ડર પર આવેલો વિશાળ ટાપુ છે. સન ૧૭૦૦થી તેની ઉપર ડેન્માર્કનો કબ્જો છે.

એક તરફ રશિયા પણ છે જે આર્કટિક માર્ગે પોતાનું ક્રૂડ ચીનને પહોંચાડે છે. આમ આર્કટિક આસપાસ ચીન અને રશિયાની ગતિવિધિ વધી રહી છે.

અમેરિકાને ખરેખરી ચિંતા તે છે કે ગ્રીનલેન્ડમાં કેટલીયે દુર્લભ ધાતુઓનો ભંડાર છે, અમેરિકા ઈચ્છતું નથી કે યુરેનિયમ સહિતની દુર્લભ ધાતુઓ ઉપર રશિયા કે ચીન કબ્જો જમાવી દે.

આ ઉપરાંત રાષ્ટ્રીય સલામતી માટે પણ ગ્રીનલેન્ડ ઉપર અમેરિકાનો કબ્જો હોવો જરૂરી છે. તે ગ્રીનલેન્ડને ૫૧મું રાજ્ય બનાવી ત્યાં પોતાનાં સૈન્ય મથકો સ્થાપવા માગે છે તે માટે પૈસા આપવા પણ તેઓ તૈયાર છે તો બીજી તરફ લશ્કરી પગલાં માટે પણ તૈયાર છે તેથી ડેન્માર્કે પોતાના અને યુરોપીય દેશોના સૈનિકો તૈનાત કર્યા છે. યુરોપીય દેશો તથા 'નાટો' જૂથો પણ એક જૂથ થઈ અમેરિકાનો વિરોધ કરે છે.

નિરીક્ષકો તેમ પણ કહે છે કે ટ્રમ્પની આ ધમકીને પરિણામે ગ્રીનલેન્ડ કદાચ રશિયા કે ચીનનો સહારો લે. આ રીતે ટ્રમ્પ સામે આવીને રશિયા અને ચીનને ગ્રીનલેન્ડમાં ઘૂસવાની તક આપે છે.

ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની દરખાસ્ત સામે દેખાવકારો કહે છે અમે વેચાઉ નથી.