India

શું ટ્રમ્પ ભારતમાં પણ સત્તાપલટો ઇચ્છે છે? આસીમ મુનીરના અમેરિકા પ્રવાસ પર વિપક્ષ નેતાનું નિવેદન

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરના અમેરિકા પ્રવાસને લઈને ભારતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આસીમ મુનીર અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકત અંગે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે સવાલો ઊભા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, શું ટ્રમ્પ ભારતમાં પણ સત્તાપલટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શું ટ્રમ્પ ભારતમાં પણ સત્તાપલટો ઇચ્છે છે? આસીમ મુનીરના અમેરિકા પ્રવાસ પર વિપક્ષ નેતાનું નિવેદન
Image Source-IANS

Sanjay Raut On Asim Munir US Visit: પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરના અમેરિકા પ્રવાસને લઈને ભારતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આસીમ મુનીર અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકત અંગે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવતાં શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે સવાલો ઊભા કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, શું ટ્રમ્પ ભારતમાં પણ સત્તાપલટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે શું કહ્યું?

ગુરુવારે(19મી જૂન) પત્રકારો સાથે વાત કરતાં રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીર વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે રાત્રિભોજન કરી રહ્યા છે. તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અને આરએસએસના વડા મોહન ભાગવતનો અભિપ્રાય જાણવા માંગીએ છીએ. પહેલગામમાં મહિલાઓના સિંદૂર ભૂંસી નાખનાર મુખ્ય આરોપી આસીમ મુનીર છે.'

શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં આસીમ મુનીરનું સન્માન કરે છે, તેમની સાથે રાત્રિભોજન કરે છે. અત્યાર સુધી આપણી સરકારની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી નથી. તમે જે ઓપરેશન સિંદૂર કર્યું છે તે તેમના કારણે થઈ રહ્યું છે. આ આપણા દેશ માટે આઘાતજનક છે.'

ટ્રમ્પ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 'અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં દેશોમાં દખલગીરી કરી રહ્યા છે અને સત્તાપલટો કરાવવા ઇચ્છે છે. શું તેઓ ભારતમાં પણ આવું જ કરવા માંગે છે? મને શંકા છે.'

પાક. સેના પ્રમુખ આસીમ મુનીર અમેરિકાની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના સેના પ્રમુખ આસીમ મુનીરને રાત્રિભોજન માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'આસીમ મુનીરને મળવું મારા માટે સન્માનિત અનુભવ થાય છે.' મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાન સેના પ્રમુખ સાથે ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અને ભારત સાથેના વ્યવસાયનો સમાવેશ થાય છે.